નવી દિલ્હી: IPL 2023 ની 22મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં તે જ થવાનું છે જેની આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી હતી. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેચથી આઈપીએલમાં (IPL) ડેબ્યૂ કરશે. આખી દુનિયા હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સચિનના પુત્રનો કમાલ જોશે. અર્જુન તેંડુલકરને લાંબી રાહ બાદ મુંબઈની કેપ મળી છે. 2021ની મેગા ઓક્શનમાં તેને ફ્રેન્ચાઇઝી દ્વારા રૂ. 30 લાખમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે જોવું રહ્યું કે તેના પિતાની જેમ અર્જુન ક્રિકેટમાં પોતાનો જાદુ બધાની ઉપર ચલાવે છે કે નહિં.
અર્જુન તેંડુલકર ત્રણ વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં સામેલ હતો. તેણે મેચમાં ડેબ્યુ કરતા પહેલા સતત ધીરજ રાખી હતી. ગત આઈપીએલની સિઝનમાં પણ એવી અટકળો હતી કે તે ડેબ્યૂ કરી શકે છે પરંતુ તેને તક મળી ન હતી. હવે અર્જુનને સિઝનની ચોથી મેચમાં મુંબઈની કેપ મળી છે. આ મેચમાં રોહિત શર્મા નથી રમી રહ્યો અને સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તેમજ જોફ્રા આર્ચર કોણીની ઈજાને કારણે આ મેચ રમી રહ્યો નથી.
જાણકારી મુજબ અર્જુન તેંડુલકરે અત્યાર સુધીમાં 7 લિસ્ટ A મેચ અને 9 T20 મેચ રમી છે. તેણે લિસ્ટ Aમાં 4.98ની ઈકોનોમી સાથે 8 વિકેટ ઝડપી છે. તે જ સમયે અર્જુને T20માં 12 વિકેટ લીધી છે અને તેની ઇકોનોમી 6.60 છે. તેના પ્રદર્શનની ખાસ વાત એ છે કે તેની ઈકોનોમી દરેક મેચમાં શાનદાર રહી છે અને તે જે મેચ રમી ચૂકયો છે તેના આંકડા પણ તે જ કહી રહ્યા છે. તે અત્યાર સુધી ODI અને T20 બંનેમાં સારો પ્લેયર સાબિત થયો છે. રણજી ફોર્મેટમાં બેટ વડે કમાલ કરી તેણે કહી બતાવ્યું છે કે તે આવનારા સમયમાં વધુ સારા ઓલરાઉન્ડર તરીકે ઉભરી શકે છે. ફર્સ્ટ ક્લાસમાં, અર્જુને 3.42ની ઇકોનોમીમાં 12 વિકેટ લીધી છે અને એક સદી સહિત 223 રન બનાવ્યા છે. 120 તેનો સર્વોચ્ચ સ્કોર છે.