ડાકોર: યાત્રાધામ ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં છેલ્લાં ઘણાં દિવસોથી નળમાં ગટર મિશ્રીત ગંદુ પાણી આવી રહ્યું છે. આ મામલે અનેકવારની રજુઆત બાદ પણ પાલિકાતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ વિસ્તારના રહીશો નાછુટકે ગટર મિશ્રીત ગંદુ પાણી પીવા મજબુર બન્યાં છે. જેને પગલે આ વિસ્તારના અનેક લોકો બિમારીમાં સપડાયાં છે. આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ વર્તાઈ રહી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરનું નગરપાલિકા તંત્ર સ્પે.વોટર ટેક્ષના નામે નગરજનો પાસેથી દર વર્ષે 600 રૂપિયા ઉઘરાવે છે.
નગરજનો પણ પાણીનો આ ટેક્ષ હોંશેહોંશે પાલિકામા જમા કરાવે છે. ત્યારે, નગરજનોને ફિલ્ટર કરેલું શુધ્ધ પાણી પહોંચાડવાની જવાબદારી પાલિકાના શીરે આવે છે. પરંતુ, ટેક્ષના રૂપિયા ઉઘરાવ્યા બાદ ડાકોર નગરપાલિકાનું નઘરોળ તંત્ર પ્રજાને શુધ્ધ પાણી આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે. નગરમાં ઠેક-ઠેકાણે દૂષિત પાણી આવતું હોવાની બુમો ઉઠતી હોય છે.
ત્યારે, હાલ છેલ્લાં કેટલાક દિવસોથી નગરના ડુંગરાભોગાળ વિસ્તારના મકાનોમાં રહેતાં રહીશો દૂષિત પાણીની સમસ્યા સામે ઝઝુમી રહ્યાં છે. આ વિસ્તારના દરેક ઘરોમાં લગાવાયેલાં નળમાં ગટર મિશ્રીત દૂષિત પાણી આવી રહ્યું છે. ગટર મિશ્રીત ગંદુ પાણી પીવાથી આ વિસ્તારના અનેક રહીશો બિમારીમાં સપડાયાં છે. ત્યારે પાણીની લાઈનમાં સર્જાયેલાં લિકેજની મરામત કરી, ગટરનું પાણી મિક્ષ થતું અટકાવવા અંગે સ્થાનિકો તેમજ કેટલાક જાગૃત નાગરીકોએ તંત્ર સમક્ષ રજુઆતો કરી છે. પરંતુ, પાલિકાનું નઘરોળ તંત્ર સ્થાનિકોની રજુઆતો સાંભળતું નથી. જેને પગલે આ વિસ્તારમાં રોગચાળાની દહેશત પણ વર્તાઈ છે.