Madhya Gujarat

નડિયાદના હળદર કેસમાં ટહેલ્યાણી ભાઈઆેની ધરપકડ

નડિયાદ: નડિયાદમાં બનાવટી હળદર પ્રકરણમાં શુક્રવારે વધુ 2 ફરીયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે. ખાસ વાત એ છે કે, આ ફરીયાદો પૈકી સદગુરુ સેલ્સ કોર્પોરેશનમાં ત્રીજા ટહેલ્યાણી ભાઈનું નામ ખુલ્યુ છે. એકબીજાના સબંધમાં થતા ટહેલ્યાણી ભાઈઓ પાંચેક વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમાંય દેવ સ્પાઈસીસમાં તો બંને સગા ભાઈઓ છે. જ્યારે સદગુરુમાં ખુલેલા નામમાં ચેતન ટહેલ્યાણીનું નામ બહાર આવ્યુ છે, જે તેમનો કુટુંબી ભાઈ થાય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા આ ભાઈઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

ખેડા જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલા બનાવટી હળદર પ્રકરણમાં નડિયાદ ગ્રામ્ય પોલીસે વધુ 2 ફરીયાદ નોંધી છે. આ પહેલા ટાઉન પોલીસ મથકે પ્રથમ ફરીયાદ નોંધી હતી. જે એક માત્ર ફેક્ટરીની હતી. પ્રથમ કમળા ખાતે આવેલી સદગુરુ સેલ્સ કોર્પોરેશનના માલિક ચેતન ગોરધન ટહેલ્યાણી સામે ગુનો નોંધ્યો છે. જ્યારે બીજી ફરીયાદ ડી. દેવ સ્પાઈસીસ પ્રા. લિમીટેડ, સિલોડ સીમના માલિક અમિત અને પંકજ ચંદ્રકાંત ટેહલ્યાણી સામે નોંધાઈ છે. આ તરફ નડિયાદ ટાઉન પોલીસે અમિત અને પંકજ ટહેલ્યાણીની અટકાયત કરી રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

તો નવી નોંધાયેલી બંને ફરીયાદમાં બિન આરોગ્યપ્રદ હળદર બનાવવી, લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાનું જાણવા છતા વ્યવસાયિક ફાયદા માટે કોઈ પણ બિલો વગર સ્થાનિક વેપારીઓને વેચવી અને વિદેશમાં એક્સપોર્ટ કરવી અને તેનો ઉપયોગ કરનારા સાથે છેતરપીંડી કરવા સહિત ખાદ્ય પદાર્થોના ઉત્પાદન પ્રક્રિયાના નિયમોનું પાલન ન કરવા ઉપરાંત લેબલીંગ ન કરવુ અને લાયસન્સની શરતોનું ઉલ્લંઘન કર્યાની ફરીયાદ નોંધી છે. દેવ સ્પાઈસીસ અને સદગુરુ સેલ્સ ફેક્ટરીઓમાં દરોડા પાડતા પોલીસને કેટલીય ચોંકાવનારી વિગતો મળી છે. હવે મહત્વનો સવાલ એ છે કે, ફૂડ વિભાગ દ્વારા છીંડે ચઢ્યા એ ચોરની માફક આ ફેક્ટરીઓની પોલ તો ખુલી ગઈ, પરંતુ જિલ્લાભરમાં આવેલી અન્ય ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં સફાઈથી માંડી ભેળસેળના મામલે કેવી સ્થિતિ છે, તે ચકાસી આબરૂ સાચવવી જરૂરી બન્યું છે.

બધા મસાલા માર્કા વગરના
પોલીસના દરોડામાં બીજી જે ચોંકાવનારી વિગતો સામે આવી છે તે ફેક્ટરીના નિયમોનું ઉલ્લંઘન છે. આ ગોડાઉનોમાં માર્કા વગરની થેલીઓમાં કાશ્મીરી મરચુ, તીખુ મરચુ, ચોખાની કુસ્કી, ધાણા પાવડર, હળદર પાવડર, મિક્સ કરેલી કણકી વગેરે મળ્યા છે. જ્યાં કણકી અને કેટલાક પાવડર તો નીચે જમીન પર ગમે તેમ મુકેલા દેખાયા છે. ફૂડ વિભાગે તમામ નમૂના લઈ રીપોર્ટ માટે મોકલ્યા છે.

કમાણીમાં પડેલા ટહેલ્યાણી ભાઈઓએ ફેક્ટરીની સફાઈની પણ તસ્દી લીધી નથી
આ તરફ ગ્રામ્ય પોલીસ મથકે કમળા અને સિલોડના એકમો અંગે નોંધેલી ફરીયાદમાં ગંદકી અંગે ખાસ ઉલ્લેખ કર્યો છે. ફરીયાદમાં જણાવાયુ છે કે, ફેક્ટરીના પ્રોડક્શન યુનિટોમાં મસાલાઓ પડ્યા છે અને કાચો માલ પડ્યો છે. તેની આસપાસ કોઈ પણ પ્રકારની સફાઈ ન કરતા ગંદકી દેખાઈ રહી છે. એટલુ જ નહીં, ઉત્પાદનના મશીનોમાં પણ ગંદકી જોવા મળી છે. તમામ પ્રોડક્શન યુનિટોમાં ગંદકી જોતા ટહેલ્યાણી ભાઈઓ માત્ર રૂપિયા રળી લેવામાં જ વ્યસ્ત હોય તેમ જણાયુ છે.

ફરીયાદમાં અન્ય કલમો ઉમેરાય તેવી વકી
નડિયાદમાં ચકચારી બનાવટી હળદર પ્રકરણમાં ટાઉન પોલીસે આરોપી અમીત ચંદ્રકાંત ટહેલ્યાણી અને પંકજ ચંદ્રકાંત ટહેલ્યાણી (બંન્ને રહે.એ/24, સંતકવરામ સોસાયટી, જવાહરનગર, મંજીપુરા, નડિયાદ) અટકાયત કરી છે. જ્યારે આ વ્યક્તિઓ વિરુદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ ટાઉન પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. FSL અને ફુડ એન્ડ ડ્રગ્સના રીપોર્ટ આવ્યાં બાદ અન્ય કલમનો પણ ઉમેરો થઈ શકે એમ છે.

Most Popular

To Top