નડિયાદ: રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર-2022ના અરસામાં નડિયાદ વિધાનસભા ક્ષેત્રના વિવિધ વિકાસ કામો માટે 4 કરોડ 80 લાખ જેવી માતબર રકમની ફાળવણી કરી હતી. આ વિકાસકામોમાં બીજા નંબરે જે મોખરે કામ હતુ, તે શહેરના ચકલાસી ભાગોળથી મહિ કેનાલ તરફ ફતેપુરા રોડ પર 400 મીટરની સંરક્ષણ દિવાલ બનાવવાનું હતુ. જો કે, આ કામની ફાળવણી કર્યાને આજે 8 મહિના બાદ સ્થળ પર માત્ર 2 મીટરની દિવાલ બનાવેલી દેખાઈ રહી છે.
નડિયાદ વિધાનસભાના મત વિસ્તારમાં 480 લાખના વિકાસ કામોની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તત્કાલિકન માર્ગ અને મકાન વિભાગ મંત્રી જગદીશ પંચાલનો આભાર વ્યક્ત કર્યો હતો. નડિયાદમાં 4.80 કરોડના કામમાંથી 2 કરોડ રૂપિયા નડિયાદ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં સંરક્ષણ દિવાલ બનાવવા માટે મંજૂર કરાયા છે. સંરક્ષણ દિવાલના 9 કામો માટે 2 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવાયો હતો. આ પૈકી સંરક્ષણ દિવાલોમાં સૌથી પહેલુ જ કામ નડિયાદ ફતેપુરા-ચકલાસી રોડ પર ચકલાસી ભાગોળથી મહિ કેનાલ સુધી 400 મીટરની સંરક્ષણ દિવાલ માટે 40 લાખ રૂપિયા ફાળવાયા હતા.
જો કે, સપ્ટેમ્બર માસ બાદ 8 મહિના વિતી જવા છતાં હજુ અહીં સ્થળ પર 400 મીટરની કોઈ સરંક્ષણ દિવાલ દેખાતી નથી. ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર જતા રામજી મંદિરની સામે આવેલા બે કાંસના જોડાણ ઉપરના રોડની આસપાસ 2-2 મીટર એમ કુલ 4 મીટરની દિવાલ બનાવાયેલી દેખાઈ રહી છે. પરંતુ 400 મીટરની દિવાલનો ક્યાંય પત્તો નથી. જેના કારણે લાખો રૂપિયાના વિકાસ કામોની જાહેરાતો માત્ર કાગળ પર સિમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. આ બાબતે કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે તો માર્ગ અને મકાન વિભાગનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.
જોખમી વરસાદી કાંસ પર સરંક્ષણ દિવાલ બનાવવાની હતી
ચકલાસી ભાગોળથી ફતેપુરા તરફ જતા રસ્તા પર શરૂઆતના 500 મીટરના રસ્તામાં ખુલ્લી વરસાદી કાંસ આવેલી છે. આ કાંસની બાજુમાં રોડ છે અને આ રોડ અને કાંસની વચ્ચે કોઈ પણ પ્રકારની પ્રોટેક્શન વોલ ન હોવાથી અકસ્માતની શક્યતાઓ રહેલી હોય છે. જેના કારણે અહીંયા કાંસની ઉપર સંરક્ષણ દિવાલ બનાવવાની માગ વર્ષોથી ચાલી આવી હોવાના કારણે 40 લાખની ફાળવણી કરાઈ હતી. જો કે, કોઈ પણ પ્રકારની સંરક્ષણ દિવાલ બનાવવામાં તંત્રએ રસ દાખવ્યો નથી.
દિવાલના અભાવે કાંસ કચરાથી ભરાઈ ગયાે
અહીંયા કાંસની ધાર પર સ્થાનિકો કચરો નાખતા હતા, જે સમાયાંતરે નગરપાલિકા દ્વારા ભરાતો ન હોવાના કારણે રખડતા પશુઓ અને પવનના કારણે કચરો કાંસમાં ઉતરતો હોય છે. ત્યારે જો અહીંયા સંરક્ષણ દિવાલ હોય તો કચરો અંદર જવાની શક્યતાઓ ઘટી જાય છે. પ્રોટેક્શન વોલના અભાવે જ અડધી કાંસ કચરાથી ભરાઈ ગયેલી જોવા મળે છે.