કોલકાતા : સુરતના (Surat) જાણીતા ક્રિકેટ કોચ (Cricket Coach) અપૂર્વ દેસાઇનો પુત્ર અને યુવા ક્રિકેટર આર્ય દેસાઇનો હાલમાં રમાઇ રહેલી ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઇપીએલ) 2023 (IPL 2023) માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) દ્વારા પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. 20 વર્ષિય ડાબોડી બેટસમેન આર્ય દેસાઇ પાર્ટટાઇમ જમણેરી ઓફ બ્રેક બોલિંગ પણ કરે છે. આર્ય દેસાઇ ગુજરાતની ટીમ વતી ત્રણ ફર્સ્ટક્લાસ મેચ રમી ચૂક્યો છે અને તેમાં તેના નામે 151 રન બોલે છે. આર્ય દેસાઇને કોલકાતા નાઇટ રાઇડર્સે રૂ. 20 લાખની કિંમતે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આર્યએ જાન્યુઆરીમાં જ ગુજરાતની ટીમ વતી પોતાનું ફર્સ્ટક્લાસ ડેબ્યુ કર્યું હતું, જો કે હજુ સુધી ગુજરાતની ટીમ વતી લિસ્ટ-એ કે પછી ટી-20 ક્રિકેટ રમ્યો નથી.
પોતાની ત્રણ ફર્સ્ટક્લાસ મેચમાંથી તેણે વિદર્ભ સામે નાગપુરમાં જાન્યુઆરીમાં રમાયેલી મેચમાં ઓપનીંગમાં આવીને 88 રનની પ્રભાવક ઇનિંગ રમવાની સાથે જ સુરતના જ ભાર્ગવ મેરાઇ સાથે 117 રનની બીજી વિકેટની ભાગીદારી પણ કરી હતી. આ મેચમાં ગુજરાતે પહેલા દાવમાં બનાવેલા 256 રનમાં આર્ય 88 રન સાથે હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. આ ઉપરાંત આર્યએ અંડર-25માં રમેલી 8 વન ડે મેચમાં 54ની એવરેજ અને 2 સદી તેમજ 2 અર્ધસદી સાથે 432 રન તેમજ સીકે નાયડુ ટ્રોફીની 5 મેચમાં 78.86ની એવરેજથી 2 સદી સાથે 559 રન બનાવ્યા છે. આર્યની કેકેઆરમાં પસંદગી થવા બદલ જીસીએના વાઇસ પ્રેસિડન્ટ અને એસડીસીએના પ્રેસિડન્ટ હેમંત કૌન્ટ્રાક્ટર, એસડીસીએના સેક્રેટરી હિતેન્દ્ર પટેલ, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેશ દેસાઇ સહિતના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા છે. એ ઉલ્લેખનીય છે કે આર્ય હાલમાં જ સુરતમાં રમાયેલી સુરત ક્રિકેટ લીગ (એસસીએલ)માં સુરત ઓલ સ્ટાર્સ ટીમ વતી રમ્યો હતો અને ઓલરાઉન્ડર તરીકે તેનું પ્રદર્શન સારું રહ્યું હતું.
રાકેશ પટેલ પછી સુરતનો બીજો ખેલાડી આઇપીએલ ફ્રેન્ચાઇઝીમાં પસંદગી પામ્યો
સુરતના આર્ય દેસાઇની આજે કોલકાતા નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝી દ્વારા હાલમાં ચાલી રહેલી આઇપીએલ માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે, તેની સાથે જ તે સુરતનો એવો બીજો ખેલાડી બન્યો છે જેની આઇપીએલ ફ્રેન્ચાઇઝી ટીમમાં પસંદગી થઇ હોય. આ પહેલા સુરતના રાકેશ પટેલની મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી દ્વારા પસંદગી કરવામાં આવી હતી. રાકેશ પટેલ હાલ ત્રુપુરાની ટીમમાં કન્ડીશનીંગ કોચ તરીકેની ભૂમિકા ભજવે છે.