કેરીનું નામ પડે અને ભલભલાના મોંમાં પાણી આવી જાય. ઉનાળામાં તરબૂચ, દ્રાક્ષ કે શક્કરટેટી જેવાં કેટલાક રસીલા ફળો તો માણવા મળે જ છે પરંતુ ફળોના રાજા કેરીની તો વાત જ અલગ છે. કેટલાક લોકો તો એવા હોય છે જેઓ કેરી માટે જ ઉનાળાની રાહ જોતાં હોય છે. હોળી પછી તો માર્કેટમાં પણ અલગ અલગ પ્રકારની કેરીનું આગમન શરૂ જ થઈ જાય છે એટલે ભાવ ભલે ગમે એટલા હોય પણ સ્વાદ રસિયાઓ તેની પરવા નથી કરતાં. ને વાત જ્યારે સુરતીઓની હોય તો પછી પૂછવું જ શું. સુરતીઓની ગણના તો આમ પણ ખાવા પીવાના શોખીનો તરીકે થતી હોય છે ત્યારે તેઓ ભલે વિદેશમાં સ્થાઈ થયા હોય પણ કેરીની મજા માણવાનું કેમ ચૂકે. ઘણાં સુરતીઓ એવા છે જેઓ કેરી ખાવાની લાલચ રોકી જ નથી શકતા એટલે દર વર્ષે વિદેશમાં કેરી મંગાવીને સ્વાદ તો માણી જ લે છે. તો ચાલો જાણીએ કે વિદેશમાં વસતાં સુરતીઓમાં કેરીનો ક્રેઝ કેવો છે.
કેરીની જાતો
કેસર, હાફુસ, માણેક, તોતાપુરી, લંગડો, નીલમ, જમાદાર, માલગોવા, રાજભોગ, દશેરી, દશહરી, દાડમી, સફેદા, બદામી, દાડમીયા, સરદાર, સિંદુરીયા, રત્નાશગીરી, રાજાપુરી જેવી વિશ્વમાં કેરીની પ૦૦ ઉપરાંતની જાતો જોવા મળે છે. જેમાં સુરતીઓને તો ખાસ કરીને કેસર, હાફૂસ, રાજાપુરી, લંગડો તથા તોતાપુરી પર પસંદગી ઉતારતા હોય છે. કેસર માટે તો કહેવાય છે કે એ તો હંમેશા મીઠી જ હોય એટ્લે દરેકને એ ભાવતી જ હોય છે. જ્યારે રાજાપુરી ખટાશ પડતી હોવાથી અથાણાં બનાવવા માટે ખાસ પસંદ કરાય છે. લંગડો કેરી ચોમાસામા પાકે છે અને તેમાં રેસા વધુ હોય પરંતુ તેનામાં એક અલગ જ પ્રકારની મીઠાશ હોય છે.
કેરીનો ટેસ્ટ સુરતની યાદો તાજી કરી દે છે: છોટુભાઈ ઘીવાલા
અમેરીકામાં રહેતા છોટુભાઈ ઘીવાલા કહે છે કે, ‘’હું વર્ષોથી અમેરીકામાં રહું છુ અને મારી વાઈફ પણ અમેરિકન હોવાથી મારી દીકરીઓ પણ અમેરીકામાં જ મોટી થઈ છે. જો કે અમે અમુક સમયે સુરતની મુલાકાત લેતા રહેતા અને હું તો મૂળ સુરતી જીવ એટ્લે બીજા ખાવાની સાથે જ કેરીની સિઝનમાં મન લલચાય તો જાય જ. એટ્લે દર વર્ષે આ સિઝનમાં આવવું શક્ય ન હોવાથી હું સુરતથી ખાસ હાફૂસ અને કેસર કેરી મંગાવું છુ. જો કે સુરત જેવો સંતોષ તો નથી મળતો પરંતુ કેરીનો ટેસ્ટ સુરતની યાદો જરૂર તાજી કરી દે છે. મારી વાઈફ અને દીકરીઓને તો કેરીની સિઝન ચાલુ થાય ત્યારથી જ કેરી ખાવાની તાલાવેલી લાગી જાય છે. કેરીની સિઝનમાં આવવાનું તો મન થાય પરંતુ ગરમી માફક આવતી ન હોવાથી આવવાનું ટાળીએ છીએ.’’
કેરીની બનાવટો
કેરી તો બધાને ભાવે જ, પણ આ સિવાય પણ કાચી કે પાકી કેરીમાથી વિવિધ બનાવટો બનાવવામાં આવે છે જેથી વિવિધ સ્વરૂપે આખું વર્ષ કેરીનો ટેસ્ટ માણી શકાય. કાચી કેરીમાંથી આંબોળીયા, આમચૂર પાવડર, અથાણા, મુરબ્બો, ચટણી, સરબત, બાફલો જેવી વિવિધ બનાવટો બનાવી શકાય છે જયારે પાકી કેરીમાંથી જયુસ, પલ્પ, પાવડર, જામ/જેલી, કેન્ડી, ટોફી, કેરીના પાપડ તથા પીણાં બનાવીને તેનો અલગ અલગ રીતે ટેસ્ટ માણવામાં આવે છે. આ બધી વસ્તુઅો વિદેશમાં બનાવવી શક્ય ન હોવાથી આ વસ્તુઓ પણ NRI સુરતીઓ મંગાવતા હોય છે.
વિદેશમાં વલસાડી હાફૂસની માંગ વધુ : બાબુભાઇ શેખ
સુરતમાં તો વર્ષોથી કેરી રસિયાઓને કેરી ખવડાવે જ છે પણ સાથે જ વિદેશમાં વસતા સુરતીઓની પણ કેરીની માંગ પૂરી કરવા હંમેશા તત્પર રહેતા બાબુભાઇ શેખ કહે છે કે, ‘’સુરતીઓ આમ પણ ખાવા પીવાના શોખીન છે એટ્લે વિદેશમાં ભલે અવનવા ટેસ્ટ માણી લેતા હોય પણ કેરીની સિઝનમાં તો તેમની જીભ લલચાઈ જ જાય. આપણાં સુરતીઓમાં અસ્સલ કોળી પટેલ, રાણા સમાજ અને મોઢ વણિક સમાજમાં તો જમાઈને કેરીગાળો કરાવવાનો રિવાજ છે પણ જેઓ હવે વિદેશોમાં વસી ગયા છે ત્યારે આવા રિવાજો તો શક્ય નથી પરંતુ સુરતથી કેરી મંગાવીને ખાવાનો રિવાજ તો ચાલુ જ છે.
બાબુભાઇ વધુમાં કહે છે કે, મારી પાસે US, UK અને ગલ્ફમાથી ઓર્ડરો આવે છે. જેમાં શરૂઆતમાં રત્નાગિરી હાફૂસ આવે એ એક્સપોર્ટ કરવામાં આવે છે જ્યારે અસલ સુરતીઓને વલસાડી હાફૂસ વધારે પસંદ છે ત્યાર પછી બીજા નંબરે કેસર કેરી પર પસંદગી ઉતરે છે. અને મુસ્લિમ સમાજની વાત કરીએ તો તેઓ લંગડો કેરી મંગાવવાનું ખાસ પસંદ કરે છે. અમારા ગ્રાહકો સુધી કેરી સારી રીતે પહોંચે એ માટે અમે તેને ડઝન પ્રમાણે કાચી જ પેક કરીએ છીએ જેથી ત્યાં પહોંચે ત્યાં સુધી પાકી તો જાય પણ બગડે નહીં.’’