Vadodara

મકરપુરા જીઆઈડીસીની સુમિત પેકેજિંગ કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી

વડોદરા: વડોદરા શહેરમાં ગરમીના વધતા જતા તાપમાન વચ્ચે આગની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.તેવામાં શહેર નજીક મકરપુરા જીઆઈડીસીમાં આવેલી સુમિત પેકેજીંગ કંપનીમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વિકરાળ આગ લાગી હતી.જેને પગલે ફાયરબ્રિગેડ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.7 થી વધુ ફાયર વાહનો કામગીરીમાં લાગ્યા હતા.સવારે લાગેલી આગ 9 કલાક બાદ સંપૂર્ણ કાબુમાં આવી હતી.

વડોદરામાં આગની ઘટનાઓનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે.ત્યારે શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી સુમિત પેકેજીંગ કંપની આવેલી છે.આ કંપનીમાં પુઠ્ઠા બનાવવાનું કામ કરવામાં આવે છે.કંપની દ્વારા તૈયાર પુઠ્ઠાનો માલ અને કાચો માલ ગોડાઉનમાં મુકવામાં આવે છે.આ ગોડાઉનમાં વહેલી સવારે 4 વાગ્યાના સુમારે વડોદરા ફાયરબ્રિગેડને આગનો કોલ મળ્યો હતો.જેથી તુરંત જીઆઇડીસી ફાયર સ્ટેશનના ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા કામગીરી શરૂ કરી હતી.

ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જોકે ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરવા દીધી ન હતી.એક તબક્કે સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.વહેલી સવારે લાગેલી આગને પગલે સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી.મહત્વની બાબત છે કે આ કંપનીમાં સવારની જ શિફ્ટમાં કામગીરી કરવામાં આવે છે.નાઈટ શિફ્ટમાં કામગીરી બંધ રહેતી હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી.

ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ
મકરપુરાની કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સવારે 4 કલાકે સીક્યુરીટી ગાર્ડે આ આગના ધુમાડા જોયા હતા. કંપનીમાં દિવસ દરમિયાન જ કર્મચારીઓ કામ કરતા હોય છે જેથી રાત્રે કોઈ કર્મચારી ન હતા. અમારા વિભાગ દ્વારા હાલ કંપનીને ક્લોઝર આપવામાં આવ્યું છે. તમામ બાબતોની ચકાસણી બાદ ઉત્પાદન પ્રક્રિયા પુનઃ શરુ કરવા જાણ કરાશે. -બી.આર.પ્રજાપતિ, અધિકારી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ

Most Popular

To Top