આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુરૂવારના રોજ સિન્ડીકેટ બેઠક મળી હતી. જેમાં છેલ્લા કેટલાક સમયથી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલીંગના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધી હતી. જે હવે હટાવી લેવામાં આવી છે. પરંતુ ઓપન સ્કૂલીંગના વિદ્યાર્થીઓને તેની માર્કશીટ સાચી છે, તે બાબતની એફિડેવિટ કરવાની રહેશે. આ ઉપરાંત સિન્ડીકેટમાં 37 જેટલા મુદ્દા પર ચર્ચા કરાઇ હતી.
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠક ગુરૂવારના રોજ યોજાઇ હતી. આ બેઠકમાં વાઇસ ચાન્સેલર ડો. નિરંજનભાઈ પટેલ, રજીસ્ટ્રાર ડો. ભાઇલાલ પટેલ સહિત સિન્ડીકેટ સભ્યો હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં 23 નંબરના મુદ્દામાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલીંગના વિદ્યાર્થીઓ પર લગાવેલી પ્રવેશ બંધી હટાવી છે. વર્ષ 2017-18માં એનઆઈઓએસ બોર્ડના દસ વિદ્યાર્થીઓની શંકા ઉપજાવે તેવી માર્કશીટની ખરાઇ માટે યુનિવર્સિટી દ્વારા ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવી હતી. જોકે, તેનો પ્રત્યુતર હજુ આવ્યો નથી.
બીજી તરફ 2019-20ની સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ચકાસણી દરમિયાન ઓપન સ્કુલીંગ બોર્ડમાંથી ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓની માર્કશીટ ચકાસવા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જે સમિતિએ વિદ્યાર્થીઓને રૂબરૂ યુનિવર્સિટીમાં બોલાવી પુછપરછ કરી હતી. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ માર્કશીટ ખોટી રીતે મેળવી હોવાનું કબુલ્યું હતું. આવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ઓપન સ્કુલીંગ બોર્ડમાંથી ઉતિર્ણ થયેલા ધો.12ના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, જૂન-23થી પ્રવેશ આપવા ભલામણ કરી હતી. આ ભલામણ આધારે માર્કશીટ ખરી હોવાની એફિડેવીટ કરનાર વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડો. બલદેવ આગજાને પીએચડી માટે િવદ્યાર્થીઓ ફાળવવા એક તક અપાશે
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક પોલીટીકલ સાયન્સ વિભાગના પ્રોફેસર ડો. બલદેવ આગજાને નવા વિદ્યાર્થી ફાળવવા માટે એક તક અપાશે. પ્રો. બલદેવ આગજાને સોંપેલા વિદ્યાર્થીઓએ પીએચડી છોડી દીધી હતી. જેના રિપોર્ટમાં તેઓ પ્લેગેરીઝમ વિપુલ પ્રમાણમાં કરતાં હોવાનું સાબિત થયું હતું. જેથી તેમની પાસે હાલ વિદ્યાર્થીઓ છે તેમનું કાર્ય પુરૂ કરવુ તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
બાકરોલની નોલેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપીમાં લાલીયાવાડી
બાકરોલ સ્થિત નોલેજ ઓફ ઇન્સ્ટીટ્યુટનો સ્નાતક અભ્યાસક્રમ શીખવવા એક વર્ષ માટે ચાલુ જોડાણ આપવા સેનેટ નક્કી કરી શરતોનું પાલન કર્યું છે કે કેમ ? તે અંગે તપાસ કરી હતી. જેમાં પ્રિન્સીપાલ, પ્રોફેસર, ક્લીનીંગ થેરાપીસ્ટનો અભાવ જોવા મળ્યો હતો. લેબમાં કોઇ સાધનો નથી, લાયબ્રેરીમાં બુક્સ નથી. નડિયાદની સુરજબા મહિલા આર્ટ્સ કોલેજમાં કલાર્ક, પ્યૂન નથી. વિષયને લગતા બુક્સ નથી. જ્યારે હાજરીને લઇ કોઇ રેકર્ડ બનાવવામાં આવ્યું નથી.