વ્યારા: કુકરમુંડાના આમોદા મૌલીપાડા ગામે સસરા પર કોયતા વડે હુમલો કર્યો હતો. હત્યાના પ્રયાસ બદલ બે વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ હુમલામાં (Attack) આધેડની ડાબા હાથની બે આંગળી, જમણા હાથની એક આંગળી (Finger) છૂટી પડી ગઈ હતી. પોતાની પત્ની (Wife) અઢી માસ પહેલાં ગુમ થઈ હોય સાસરિયા પક્ષે એકબીજા ઉપર આક્ષેપો કરતાં બંને વચ્ચે તકરાર ચાલતી હતી.
- પત્ની અઢી માસ પહેલાં ગુમ થઈ જતાં તકરાર ચાલતી હતી
- ડાબા હાથની બે આંગળી, જમણા હાથની એક આંગળી કાપીને છૂટી પાડી દીધી, બે વિરુદ્ધ ગુનો નોંધાયો
કુકરમુંડાના આમોદા મૌલીપાડા ગામે તા.૧૩/૦૪/૨૦૨૩નાં રોજ બપોરે ૧ વાગ્યાના અરસામાં રાકેશ પ્રતાપસિંગ ગાવીતનાં પ્રકાશ વિજયસીંગ વસાવાની બહેન અંજન સાથે પતિ-પત્ની તરીકેના સંબંધ હોય તેમજ અંજનબેન અઢી માસ પહેલા ગુમ થઈ હોય તેના આક્ષેપો પ્રકાશ વસાવા અને રાકેશ ગાવીત બંને એકબીજા ઉપર કરતા હતા. આમ બંને વચ્ચે તકરાર ચાલતી હતી.
આ દરમિયાન પ્રકાશ વસાવાના ઘરે તેનાં પિતા વિજયસિંગ દાવાભાઇ વસાવા (ઉં.વ.૬૨) ઘરમાં સૂતો હોય તેમને કોયતાથી ઘા કરતા ડાબા હાથની બે આંગળી તથા જમણા હાથની એક આંગળી કાપીને છૂટી પાડી દીધી હતી. આધેડનાં માથા, ગળા, કપાળ, છાતી તથા ખભા ઉપર ઉપરાછાપરી જાનથી મારી નાંખવાના ઇરાદે મરણતોલ ઘા કરી ખૂન કરવાની કોશિશ કરી હતી. પ્રકાશ વસાવા પોતાના પિતાને બચાવવા વચ્ચે પડતાં તેને પણ નાક તથા છાતીના ભાગે ઇજા પહોંચાડી કોયતાની બીક બતાવી પ્રતાપસીંગ દામુભાઇ ગાવીત સાથે બાઇક ઉપર બેસી નાસી છૂટ્યો હતો. પ્રકાશની ફરિયાદને આધારે પોલીસે રાકેશ ગાવીત, પ્રતાપસીંગ ગાવીત (બંને રહે.,આશાપુર, તા.કુકરમુંડા, જિ.તાપી) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ધરમપુરમાં ખેતરના પાળ પર કાંટીયા બાબતે મારામારીમાં દાતરડું હાથમાં લાગ્યું
ધરમપુર: ધરમપુર તાલુકાના બરૂમાળ ગામમાં રાધાબેન છોટુભાઈ ગાંવિત (ઉં.આ.50) પરિવાર સાથે રહે છે. તેઓ પુત્ર પ્રતિક તથા પતિ સાથે સવારે ખેતીકામ માટે ગયા હતાં. ત્યાં ગુલાબ જીવલ્યા માહલા ખેતરના પાળ ઉપરથી કાંટાની વાડ કાઢતો હોય જે બાબતે ટકોર કરી હતી. જે બાદ ગુલાબે રાધાબેન અને દિકરા સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી અને તેમના હાથમાનું દાતરડું રાધાબેનના હાથમાં લાગતા ઈજા પહોંચી હતી. જયારે દિકરા પ્રતિકને માર માર્યો હતો. આ ઝપાઝપીમાં ગુલાબ નીચે પડી જતા ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે રાધાબેન ગાંવિતે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.