એક દિવસ નિશા હાથમાં ચાનો કપ લઈને બેઠી અને એકની એક દીકરી બંસરી કોલેજમાંથી આવી અને ‘હાય મમ્મી’ કહીને દોડીને તેને વ્હાલ કરી તેના કપમાંથી ચા નો એક સીપ લઈને પોતાના રૂમમાં દોડી ગઈ.પોતાની કોલેજમાં ભણતી ખૂબ નાજુક-સુંદર દીકરી બંસરીને જોઇને નિશા દીકરીના ભવિષ્ય વિષે વિચારવા લાગી અને વિચારોમાં સરી ગઈ.હાથમાં ચા નો કપ એમ ને એમ રહી ગયો.ચા ઠંડી થઈ ગઈ.વધુ ને વધુ વિચારતા નિશા ચિંતામાં સરી પડી કે હવે દીકરી મોટી થતી જાય છે.આટલા લાડકોડથી ઉછેરી છે.
હોશિયાર છે.ખબર નહિ તેને કેવું સાસરું મળશે.કેવો વર મળશે? દીકરીના લગ્નનું વિચારતાં આંખોમાં આંસુ આવી ગયા.ચિંતા કરવા લાગી કે દીકરીનો સંસાર સુખમય હશે કે નહિ.આગળ વધુ ચિંતામાં સરી પડી કે તેના સાસરામાં કોઈ તેને દુઃખી કરશે તો …કોઈ તેનું અપમાન કરશે તો …આમ નિશા વધુ ને વધુ વિચારતી રહી અને તેની ચિંતા વધતી જ ગઈ….અંધારું થઈ ગયું તેની તેને ખબર જ ન રહી. નિશાનો પતિ સુમિત ઘરે આવ્યો, જોયું ઘરમાં અંધારું હતું અને નિશા ઉદાસ ચહેરે બેઠી છે…તેણે નિશા પાસે જઈને પૂછ્યું, ‘નિશા શું થયું? ચા પણ એમ ને એમ છે અને તું કેમ ઉદાસ લાગે છે?’નિશા, પતિને વળગીને રડવા જ લાગી.
સોહમે તેને પાણી આપી પૂછ્યું, ‘શું થયું તે તો કહે.’નિશાએ પોતાના મનની દીકરી બંસરીના ભવિષ્ય માટેની પોતાના વિચારો અને ચિંતાની બધી વાત કરી.’ સુમિતે બધી વાત સાંભળી પછી બોલ્યો, ‘નિશા, તને શું કહું …તારી પર ગુસ્સે થાઉં કે હસું કે પછી તને સમજાવું …’નિશાએ છણકો કર્યો, ‘તમે થોડાં મા છો કે ચિંતા કરો …’સુમિત બોલ્યો, ‘નિશા ગુસ્સો ન કર…ચલ, હું ચા બનાવીને આવું, પછી ગરમાગરમ ચા તારી ચિંતા દૂર કરી દેશે.’ સુમિત ચા બનાવીને બે કપમાં લાવ્યો.ચા પીતાં બોલ્યો, ‘નિશા, દીકરીના ભવિષ્યની કે બીજી કોઈ પણ ચિંતા કરવી જ નકામી છે. તે સમયના વ્યય સિવાય બીજું કંઈ જ નથી.જો ચિંતા કરવાથી આપણા મન પર ભાર વધે છે.
આજનો અત્યારનો સમય નકામો વેડફાય છે અને આમ તું ચિંતા કરે કે આપણે બંને ચિંતા કરીએ, પણ શું ભવિષ્યને બદલી શકવાના છીએ? નહિ. જે થવાનું છે તે જ થશે.ચિંતા આપણા મન અને મગજ પર કબજો જમાવી લે છે અને આપણા મનની શાંતિ અને આજની ખુશી છીનવી લે છે. ચિંતા કરવાથી નકારાત્મક વિચારો, ઉદાસી વધે છે.ક્રોધ આવે છે.સમયની ..સ્વાસ્થ્યની નુકસાની થાય છે અને આજનો આનંદ ખોટી ચિંતાની ચિતામાં હોમાઈ જાય છે.માટે ચિંતા છોડ,ભગવાન પર ભરોસો રાખ ..સકારાત્મક વિચાર કે જે થશે તે સારું જ થશે.’સુમિતે પત્ની નિશાને ખોટી ચિંતાથી દૂર રહેવા સમજાવ્યું.