Vadodara

જે સાઈટ સાંજે 6 કલાકે સાફ થઇ જવી જોઈએતે રાતે 10 વાગે પણ ગાડીઓનો ખડકલો

વડોદરા: શહેરને એક તરફ ઇન્દોરની માફક ચોખ્ખું ચણાટ કરવાના સપનાઓ જોવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓને દિલથી એવી ઈચ્છા નહિ હોય કે આપણું શહેર સ્વચ્છતામાં નંબર વન બને કારણ કે જો એમ થાય તો તેઓની કમાણીનો રસ્તો બંધ થઇ જાય અને કોન્ટ્રાક્ટરો સાથેની મીલીભગત બંધ થઇ જાય. કેટલાક અધિકારીઓ ડોર ટુ ડોર મુદ્દે ગાંધારી બની ગયા છે. તેઓને તમામ ગેરરીતિ દેખાઈ રહી છે પરંતુ તેઓ જાણી બુઝીને આંખે પાટા બાંધી રહ્યા છે. સંચાલકો ટેન્ડરની શરતોનું જ છડેચોક ઉલ્લંઘન કરે છે છતાં તેઓને સાચવવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

શહેરના ડોર ટુ ડોર માટે ચાર પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં બપોરે 2 કલાકે તમામ ગાડીઓ એકત્રિત થાય છે અને ત્યાંથી કચરો મોટી ગાડીમાં ઠાલવી ડમ્પિંગ સાઈટ ઉપર જાય છે. આ ચારેય સાઈટને રોજ સાફ કરી સાંજે 5 કલાકે દવાનો છંટકાવ કરી ફોટો પાડી અધિકારીને મોકલવાનો હોય છે. શું રોજ આ કામગીરી થાય છે ખરી? શહેરમાં ચાર સ્પોટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ગધેડા માર્કેટ, એલ.એન્ડ ટી. સર્કલ, મુજમહૂડા અને અટલાદરા. આ ચારેય સ્પોટ ઉપર બપોરે 2 કલાક સુધીમાં ડોર ટુ ડોરની તમામ ગાડીઓ પહોંચે છે અને શહેરમાં બપોર બાદ કચરો ઉઘરાવતો નથી આ નાની ગાડીઓમાંથી મોટી ગાડીમાં કચરો ઠલવાય છે અને ત્યાર બાદ તેને જામ્બુવા પાસે ડમ્પિંગ સાઈટમાં મોકલવામાં આવે છે.

આ ચારેય સ્પોટ ઉપર સાંજે 5 કલાક સુધીમાં સાફ સફાઈ કરી દેવાની હોય છે. આમ થાય છે કે કેમ તે અંગે તપાસ કરવા ગુજરાત મિત્રની ટીમે રાતે 10.30 કલાકે મુજમહુડા ખાતે ચકાસણી કરી. જ્યાં અનેક ગાડીઓનો ખડકલો જોવા મળ્યો હતો. કચરો જેમનો તેમજ હતો. અને ગાડીઓ માં ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. ત્યારે રોજ સાફ સફાઈ કરી ફોટા મોકલવાનું તો દૂર રહ્યું. શું અધિકારીઓ આવું ઓડિટ કરે છે? અને સબ સલામત છે તેમ કહેનાર આધિકારીઓને આ સાદર અર્પણ.

સોલિડ વેસ્ટ વિભાગના હેડ ફોન ઊંચકવા રાજી નથી અને પાલિકામાં મળતા નથી
ડોર ટુ ડોર સેવામાં નિયમોનું પાલન થાય છે કે કેમ તે પૂછવા સોલિડ વેસ્ટના હેડ શૈલેષ નાયકનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ થઇ શક્યો ન હતો. તેઓએ ફોન ઊંચક્યો ન હતો. ત્યારે તેઓ પાલિકા કચેરીમાં ખુબ ઓછા આવે છે જેથી સંપર્ક થઇ શકતો નથી. એમ પણ તેઓના નિવૃત્તિને આરે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેઓ કદાચ આ બધામાં પાડવા માંગતા ન હોય તેમ લાગી રહ્યું છે.

છતાં દર મહિને બીલો તો પાસ થઇ જ જાય છે
આ રોજનું છે. ક્યારેય કોન્ટ્રાક્ટર દ્વારા સમય પર સાફ સફાઈ કરવામાં નથી આવતી. નિયમ ભલે હોય કે ફોટા પાડીને મોકલવા પરંતુ મેળાપીપણામાં બધું ચાલતું હોય તેમ લાગે છે. ફોટા ન મોકલવા છતાં દર મહિને બીલો તો પાસ થઇ જ જાય છે. -આશિષ જોષી , કોર્પોરેટર

સુપરવાઈઝરે ફોન ઊંચક્યો પણ ડરી ગયા
ડોર ટુ ડોરના દક્ષિણ ઝોનના કરણ નામક સુરવાઇઝરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ ફોન ઊંચક્યો હતો અને થોડા જવાબો પણ આપ્યા હતા. જો કે ત્યારબાદ પોલ ખુલી જવાના ડરે તેઓએ ફોન કાપી અને સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. તો વિષ્ણુ નામક સુપરવાઇઝરનો ફોન સતત કવરેજ એરિયાની બહાર આવતો હતો.

Most Popular

To Top