આણંદ : આણંદ અમૂલમાં વર્ષ 2022-23 દરમિયાન સંઘનો વાર્ષિક ઉથલો રૂ.11,753 કરોડને પણ પાર કરી ગયો છે. જે અત્યાર સુધીમાં ઇતિહાસમાં સૌથી વધુ છે અને ગયા વર્ષની સરખામણીમાં 13.74 ટકા જેટલો વધારે છે. વર્ષ 2022-23 દરમિયાન દેશભરમાં દૂધનું ઉત્પાદન ઘટેલું છે. દરેક રાજ્ય અને સંઘમાં પણ તેની સીધી અસર જોવા મળી છે. તેમ છતાં પણ અમૂલ ડેરી દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કુલ અંદાજીત 150 કિલોગ્રામ દૂધનું સંપાદન કરવામાં આવ્યું હોવાનું અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે આણંદ અમૂલ ડેરી ખાતે તેના વ્યવસાય અને વિકાસ વિષે બે દિવસના પરિસંવાદ બેઠકમાં જણાવ્યું હતું.
આણંદ અમૂલ ડેરી દ્વારા તેના વ્યવસાય અને વિકાસ વિષે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, નિયામક મંડળના સભ્ય, મેનેજીંગ ડિરેક્ટર અમિત વ્યાસ તેમજ મંડળીઓના ચેરમેન, સેક્રેટરીની બે દિવસની પરિસંવાદ બેઠક યોજાઇ હતી. જેમાં 10મીના રોજ ખેડા જિલ્લાના અને 11મીના રોજ આણંદ અને મહિસાગર જિલ્લાના દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી હાજર રહ્યાં હતાં. આ પરિસંવાદ બેઠકના અંતે ચેરમેને આવનારા વર્ષમાં પણ અમૂલ ડેરી તેના સભાસદોના આર્થિક વિકાસ માટે પ્લાન્ટનું વિસ્તૃતિકરણ, નવીનીકરણ અને નવી નવી ખાદ્ય ચીજ વસ્તુઓ બજારમાં મુકી અમુલ ડેરીનું આવતા વર્ષના ટર્ન ઓવરનું લક્ષ્ય 13,100 કરોડ રાખવામાં આવ્યું છે અને શક્ય હોય તેટલા વધુ દૂધના ભાવ પણ સભાસદોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પરિસંવાદ બેઠકના અંતે ચેરમેન વિપુલભાઈ પટેલે આવનારા વર્ષમાં પણ અમુલ ડેરી તેના સભાસદોના આર્થિક વિકાસ માટે પ્લાન્ટનું વિસ્તૃતિકરણ, નવીનીકરણ અને નવી નવી ખાદ્ય ચીજવસ્તુઓ બજારમાં મુકી અમુલ ડેરીનું આવતા વર્ષના ટર્ન ઓવરનું લક્ષ્ય રૂ.13,100 કરોડ રાખવામાં આવ્યું છે અને શક્ય હોય તેટલા વધુ દૂધના ભાવ પણ સભાસદોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમૂલ ડેરી દ્વારા સેક્સ સોર્ટડ સિમેન થકી બમણા દૂધનો લક્ષ્યાંક રાખેલો છે. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો ઉપયોગ પણ ચાલુ કર્યો છે. જેના સારા પરિણામ મળ્યાં છે.
પૂના અને કોલકત્તા ખાતે નવા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે
આ બેઠકમાં અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે જણાવ્યું હતું કે, આવનારા વર્ષ દરમિયાન પૂના અને કોલકત્તા ખાતે નવા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે સોલર સિસ્ટમ, બાયોગેસ પ્લાન્ટ, રેન વોટર હર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. બમણા દૂધ ઉત્પાદનના લક્ષ્યને ધ્યાનમાં લઇ સોર્ટેડ સેક્સ સિમેન અને એમ્બ્રિઓ ટ્રાન્સફર પધ્ધતિનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. હાલ સુધીમાં 3.58 લાખ જેટલા સોર્ટેડ સેક્સ સિમેનનું વેચાણ કર્યું છે, જેના સારા પરિણામ પણ મળ્યાં છે. આવનારા સમયમાં સિમેન સ્ટેશન ઓડ ખાતે અમૂલ પોતાની સોર્ટેડ સેક્સ સિમેન લેબ સ્થાપિત કરશે.
પશુપાલકોને ગત વર્ષની સરખામણીએ 7.50 ટકા વધુ ભાવ મળ્યો
ચાલુ વર્ષે અમૂલ ડેરી દ્વારા સભાસદ મંડળીને રૂ.900 પ્રતિ કિલો અંતિમ ભાવ મળે છે. જે ગયા વર્ષની સરખામણીમાં 7.50 ટકા જેટલો વધુ આપવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત આટલા અંતિમ ભાવ અનુસાર રકમ સભાસદોને ચુકવવામાં આવશે. દૂધની ગુણવત્તા વધુ સારી આવે તે માટે અમૂલ ડેરીની તમામ દૂધ મંડળીઓમાં ત્રણ હજારથી વધુ મિલ્ક એનાલાયઝર મશીન મુકવામાં આવ્યાં છે. જેનાથી ગુણવત્તાયુક્ત દૂધ સંપાદન વધ્યું છે. પશુપાલનના ધંધાને વધુ નફાકારક બનાવવા માટે પશુપાલકોને ડિજિટલ બેલ્ટ, યોગ્ય સમયે રસીકરણ તેમજ ટીએમઆરનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો.
આયુર્વેદિક દવાથી વિઝીટમાં ઘટાડો થયો
પશુઓમાં થયેલા રોગના ઉપચાર માટે હોમિયોપેથિક અને ઇથનોવેટ દવાઓનો ઉપયોગ કરી પશુપાલનના ખર્ચમાં ઘટાડો કરવાનો એમડીએ પશુપાલકોને આગ્રહ કર્યો હતો. જોકે, ચાલુ વર્ષે અમૂલ દ્વારા આપવામાં આવતી વેટેનરી વિઝીટમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનો વપરાશ વધાર્યો છે, જેના ઘણા સારા પરિણામ મળ્યા છે અને જેનાથી ચાલુ વર્ષે વિઝીટમાં પણ 18 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.