સુરત: શહેરના પ્રાઇમ આર્કેડ પાસે આવેલી બંધન બેંકમાં નાણાં મૂકવા જઇ રહેલા કાપડ દલાલ સાથે ઠગે છેતરપિંડી કરી હતી. તેમાં તમારી રેનોલ્ટ કારની નીચે 10 રૂપિયાની નોટો પડી છે તે ઉઠાવી લો તેમ કહેતાં સાચે જ દસની નોટ વેપારી ઉઠાવવા ગયો હતો.
- ‘તમારી રેનોલ્ટ કારની નીચે 10 રૂપિયાની નોટો પડી છે તે ઉઠાવી લો’ કહેતાં વેપારી નોટ ઉઠાવવા ગયા ને કારમાંથી બેગ ગાયબ
- કાપડના વેપારીને રસ્તા પર પડેલી દસની નોટ ઉઠાવવાનું રૂ.4.80 લાખમાં પડ્યું
દરમિયાન વેપારીએ જેવી દસની નોટ ઉઠાવી કે તરત જ રેનોલ્ટ ગાડીમાં પડેલી 4.80 લાખ રૂપિયા રોકડા ભરેલી બેગ ઉઠાવી ઠગ ફરાર થઈ ગયો હતો. આ મામલે કેતન કાંતિલાલ દોશી (ઉં.વ.32) (રહે., સ્ટર્લિંગ હાઉસ, ઉગત રોડ) દ્વારા અડાજણ પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં તેણે જણાવ્યું કે, પોતે કાપડની દલાલી કરે છે. તેના પર સતત ફોન આવતા હોવાને કારણે ગાડીમાં ફોન પર વાત કરી રહ્યા હતા.
એ વખતે સામે ઊભેલા એક અજાણ્યાએ તમારા પૈસા પડી ગયા છે તેમ કીધું હતું. પોતે કારમાંથી ઊતરતાં દસની સાત નોટો ફેંકેલી હતી. પોતે આ નોટો કોઇ ભિખારીને આપી દેશે તેમ વિચારી વીણવાનું શરૂ કર્યુ હતું. દરમિયાન તેઓ કારમાં બેસતા જ તેમણે ડ્રાઇવિંગ સીટની બાજુની સીટમાં મૂકેલી બેગ ગઠિયો ઉઠાવી ગયો હોવાનું જણાયું હતું. તેમની બેગમાં 4.80 લાખ રૂપિયાનાં બંડલ હતાં. જે પોતે બેંકમાં ભરવા જઇ રહ્યા હતા. અડાજણ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત મનપાના કર્મચારીને ચેક રિટર્નના બે કેસમાં 1-1 વર્ષની સજા અને 9 લાખ રૂપિયાનો દંડ
સુરત : સુરત મનપામાં નોકરી કરતા કર્મચારીએ મિત્ર પાસેથી લીધેલા ઉછીના રૂપિયાની ચૂકવણી માટે આપેલા બે ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપીને બંને કેસમાં 1-1 વર્ષની કેદની સજા અને 9 લાખ રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો છે.
કેસની વિગત એવી છે કે રાંદેર રોડ પર શાંતિ પેલેસ રોડ પર રહેતા ફરિયાદી દર્શન દેવેન્દ્રભાઈ દોશી ફર્નિચર વેચાણનું કામ કરે છે. આરોપી અલ્પેશ પ્રવિણચંદ્ર મહેતા (રહે. દાહીમાનગર સોસાયટી, સુભાષ ગાર્ડન પાસે, દાંડી રોડ,મોરા ભાગળ)સુરત મનપામાં મુગલીસરા ખાતે આવેલી કચેરીના આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે.
ફરિયાદી અને આરોપી અલ્પેશ બંને સારા મિત્રો હોવાથી અલ્પેશે ફરિયાદીને ધંધા માટે રૂપિયાની જરૂરત છે એવું જણાવી 6 લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા. મિત્રતામાં ફરિયાદીએ આરોપીને રૂપિયા આપ્યા હતા. તે રૂપિયાની ચૂકવણી માટે અલ્પેશે ફરિયાદીને બે ચેક આપ્યા હતા. તે ચેક ફરિયાદીએ કોર્ટમાં જમા કરાવતા તે ચેક અપુરતા ભંડોળમા કારણે રિટર્ન થયા હતા. આ બાબતે ફરિયાદીએ એડવોકેટ મારફત આરોપી અલ્પેશ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી અલ્પેશને કસુરવાર ઠેરવીને બંને કેસમાં 1-1 વર્ષની કેદની સજા અને ચેકની રકમથી દોઢ ગણી રકમનો દંડ ફટકારી તે રકમ ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો.