Dakshin Gujarat

વાપીમાં મહિલાને હેરાન કરવા પડોશીએ અપનાવ્યો અનોખો તુક્કો, પણ પોલીસે પકડી પાડ્યો

વલસાડ : વાપીમાં (Vapi) સાઇબર ક્રાઇમનો (Cyber Crime) અનોખો કિસ્સો બહાર આવ્યો છે. એક યુવકે પડોશી મહિલાઓને હેરાન કરવા તેમનો મોબાઇલ નંબર મેળવી વિવિધ ટુરીસ્ટ વેબસાઇટ (Tourist Website) પર નાખી દીધો હતો. જેના કારણે ઇન્કવાઇરી માટે ટુરિસ્ટ વેબસાઇટના કર્મચારીઓના ફોનથી મહિલાઓ ત્રાસી ગઇ હતી. આ મામલો વલસાડ સાઇબર પોલીસ મથકે પહોંચતા પોલીસે તેના પડોશીને પકડી પાડ્યો હતો.

  • મહિલાનો મોબાઇલ નંબર પ્રવાસની સાઇટો પર નાખી દીધો, ઇન્કવાઇરીના ફોનથી મહિલા પરેશાન થઇ ગઇ

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપી કસ્ટમ રોડ પર ખોજા સોસાયટીમાં ગોલ્ડન પાર્કમાં રહેતી નઝમા સલીમ સુરાણી અને તેની પાડોશી અફશાના રયાઝ અબ્બાની પર ટુરીસ્ટ પેકેજ આપતી વિવિધ વેબસાઇટ પરથી રોજના 15 થી 17 ફોન આવતા હતા. તેઓ આ ફોનથી કંટાળી ગયા હતા.

ફોન કરનાર કહેતા હતા કે, તમારા દ્વારા વેબસાઇટ પર રજિસ્ટર કરાવાયું છે. જેમાં તમારો ફોન નંબર અને ઇમેઇલ આઇડી છે. ત્યારે આવું કૃત્ય કોણે કર્યું તેની શોધ માટે તેમણે વલસાડ સાઇબર પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના પગલે સાઇબર પોલીસે બનાવની તપાસ કરી આવું કરનાર કોણ છે તેની શોધ કરતા તેમના પડોશમાં રહેતો આશિક અઝીઝ ખોજા (રહે. ગોલ્ડન પાર્ક, ખોજા સોસાયટી, વાપી) હોવાનું બહાર આવ્યું હતુ. જેના પગલે પોલીસે તેને પકડી પાડી તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ધરમપુરમાં ક્રેઇન ચાલકે અડફેટે લેતા આધેડનું મોત
ધરમપુર : ધરમપુરના કૈલાશ રોડ નજીક પંક્ચરની દુકાન પાસે પોતાનાં ઘરનો સામાન લેવા માટે જઈ રહેલા એક આધેડને સામેથી આવી રહેલી ક્રેઇનના ચાલકે અડફેટમાં લેતા તેમને પગ તથા શરીરનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

ધરમપુરના કૈલાશ રોડ ખાતે રહેતાં દિનેશ મોહન તળાવીયા (ઉવ.52) જેઓ દુકાનમાં ઘરનો સામાન લેવા માટે ચાલતા જઈ રહ્યા હતા. તેજ અરસામાં અનિલભાઈની પંક્ચરની દુકાન પાસે તસ્કરી તલાટ તરફથી ક્રેઇનનો ચાલક ઇમામ એહમદ અલી (રહે. લાકડમાડ મૂળ રહે. બસતી યુપી)એ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતાં રાહદારી દિનેશ તળાવીયાને અડફેટમાં લેતા તેને પગ તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત દિનેશ મોહન તળાવીયાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જે અંગેની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે જીગ્નેશ તળાવીયાએ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top