Columns

રાખતા શીખો ધીરજ

એક દિવસ સાંજે પ્રાર્થના પહેલા ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને પ્રાર્થના બાદ એક બહુ જ અગત્યના ગુણ વિષે સમજાવવાનો છું જે જીવનમાં કેળવવો બહુ જરૂરી છે અને તેનાથી તમારું જીવન સાચે જ આનંદમય બનશે.’ગુરુજીએ આટલું કહ્યું એટલે બધા જ તે ગુણ વિષે જાણવા આતુર બન્યા. ગુરુજીએ પ્રાર્થના શરુ કરી અને આજે બધાનું ધ્યાન પ્રાર્થનામાં ઓછું હતું બધાનું મન ગુરુજી શું સમજાવશે તે વિચારતું હતું…આજે રોજ કરતાં ગુરુજીએ લાંબી પ્રાર્થના કરી એટલે બધાની ધીરજ ખૂટવા આવી.છેલ્લે હનુમાન ચાલીસા નો પાઠ શરુ કરતા પહેલાં ગુરુજી બોલ્યા, ‘ચાલો, આજે એકવાર નહિ પણ ૧૧ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરીએ.

’આ સાંભળી પેલા મહત્વના ગુણ વિષે જાણવા આતુર બનેલા શિષ્યોની ધીરજ ખૂટી ગઈ એક થી વધુ શિષ્યો બોલી ઉઠ્યા, ‘ગુરુજી માફ કરજો પણ આજે એક વાર પાઠ કરીએ કાલે ૧૧ વાર કરીશું આજે તમે પહેલા મહત્વના ગુણ વિષે સમજાવવાના છો તે સમજાવો હવે અમારી ધીરજ ખૂટી રહી છે અમે તે ગુણ વિષે જાણવા અને અપનાવવા આતુર છીએ.’ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘ઠીક છે તમારી ધીરજ ખૂટી ગઈ છે તો આજે એક વાર પાઠ કરી લઈએ પછી હું મહત્વના ગુણ વિષે વાત કરું …’

હનુમાન ચાલીસાનો પાઠ કરી લીધા બાદ બધા જાણવા આતુર બન્યા ગુરજી બોલ્યા, ‘ચાલો હવે વાત કરું મહત્વના ગુણની જે હું ઈચ્છું છું કે તમે બધા તેના મહત્વ વિષે જાણો અને જીવનમાં તે ગુણ અચૂક કેળવો.તે ગુણ છે જે અત્યારે તમારા કોઈનામાં નથી ….’આ સાંભળી બધા એક બીજાની સામે જોવા લાગ્યા.ગુરુજી બોલ્યા, ‘તે મહત્વનો ગુણ છે જે તમારા બધાની હમણાં જ થોડીવાર પહેલા જ ખૂટી ગઈ છે …તે છે ‘ધીરજ’આ ધીરજ રાખતા શીખીએ તો જીવન ચારેબાજુથી સુંદર બની શકે છે.જો તમારા સ્વજનો અને પરિવાર જનો સાથે ધીરજ રાખશો તેમના દરેક વર્તનને ધીરજ રાખી સમજતા શીખશો તો એકમેક વચ્ચે પ્રેમ વધશે અને આ પ્રેમ જીવન મહેકાવશે.

કોઈ દુરના -બહારના વ્યક્તિણી સાથેના વ્યવહારમાં ધીરજ રાખી વર્તન કરશો તો તેના પ્રત્યે આદર દર્શાવશો અને માન અને આદર આપશો તો તમે પોતે પણ માન સન્માન મેળવી શકશો.પોતાની જાત સાથે થોડી ધીરજ રાખશો …સફળતા ન મળે તો પણ મહેનત કરતા રહેશો …ભૂલ થાય તો પણ તે સુધારી ફરી શરૂઆત કરશો …ધીરજ રાખશો તો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે અને હિંમતથી સફળતા તરફ આગળ વધી શકશો.જીવનમાં જે માંગો તે ન મળે તો ધીરજ ગુમાવી ભાગ્યને દોષ આપશો કે ભગવાનને ફરિયાદ કરશો તો બસ ફરિયાદ કરતા જ રહી જશો પણ જો ઈશ્વર જે કરે તે સારું કરશે જયારે આપશે તે સારું આપશે તેમ વિચારી ધીરજ રાખશો તો તમારી શ્રધ્ધા વધુ ને વધુ અડગ બનશે.એટલે જીવનમાં સૌથી મહત્વનું છે ધીરજ રાખતાં શીખો.’ગુરુજીએ મહત્વના ગુણ વિષે સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top