ખેરગામ : ખેરગામના (Khergam) વાડ ગામે ત્રણ ઈસમોએ ખેતરમાં (Farmer) ધસી આવી એક ઈસમે જુવારના છોડ ઉપર ટ્રેક્ટર (tractor) ફેરવવાનું શરૂ કરતાં ખેડૂતે ટ્રેક્ટર ચાલકને ટોક્યો હતો. બાદમાં સાથે આવેલા બે ઈસમે ખેડૂત ઉપર લાકડીથી હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા. આ બનાવમાં છોડાવવા માટે વચ્ચે પડેલા તેમના કુટુંબના બે સભ્યને પણ માર મારતાં મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો.
વાડ ગામે ભવાની ફળિયામાં રહેતા ઈશ્વર બાબર પટેલ (ઉં.વ.70) પોતાની જમીન ઉપર ખેતી કરી પરિવારજનોનું ગુજરાત ચલાવે છે. ગત તા.6 એપ્રિલે સાંજે ઈશ્વરભાઈ જુવારના ખેતરમાં કામ કરી રહ્યા હતા. એ દરમિયાન બાબુ ખાલપ આહીર (રહે.સોલધરા, ચીખલી, હાલ રહે.દશેરા ટેકરી પેટ્રોલ પંપ સામે, ખેરગામ), નવીન ભાણા આહીર અને ટ્રેક્ટર ડ્રાઇવર સાગર નવીન આહીર (બંને રહે.વાડગામ, કાવલા ખડક ફળિયા) ખેતરમાં ટ્રેક્ટર લઇ ધસી આવ્યા હતા. ટ્રેક્ટર ચાલક સાગરે પશુચારા માટે વાવેલી જુવાર ઉપર ટ્રેક્ટર ફેરવતાં ઈશ્વરભાઈએ કહ્યું કે, ‘આ જમીન તમારી નથી. તમે કેમ અમારી જમીનમાં ખેડો છો? એમ કહેતાં ટ્રેક્ટર ડ્રાઇવર સાગર ટ્રેક્ટર ઊભું રાખીને ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં બાબુએ લાકડાના દંડા વડે ઈશ્વરભાઈને માર માર્યો હતો. જેથી તેમને ડાબી આંખમાં ઈજા થતાં લોહીની ધારા વહેવા લાગી હતી.
વધુમાં બાબુ અને નવીને ગાળો બોલી ‘અમે આહીરનું તમે શું કરી લેવાના છો’ ? કહી ઈશ્વરભાઈને વધુ માર માર્યો હતો. આ બનાવમાં ઈશ્વરભાઈને બચાવવા માટે તેના ભાઈ રતિલાલનો દીકરો ધર્મેશ આવી પહોંચ્યો હતો. પરંતુ બાબુ અને નવીને ધર્મેશને પણ અપશબ્દો બોલી દંડાથી માર માર્યો હતો. એ સમયે ઈશ્વરભાઈના મોટાભાઈ રમેશના દીકરા વિજયની 13 વર્ષની પુત્રી પૂજા છોડાવવા માટે આવતાં બાબુ અને નવીને ધક્કો મારતા પૂજાને પગના ભાગે ઇજા થઈ હતી.
બૂમાબૂમ કરતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા. જેને કારણે ‘આજે તો તમે બચી ગયા છો, હવે પછી મળશો તો જાનથી મારી નાંખીશું’ એવી ધમકી આપી તેઓ જતા રહ્યા હતા. આ બનાવમાં ઘવાયેલા ઓને સારવાર માટે ખેરગામના સરકારી દવાખાને લઈ જવાયા હતા. બાદમાં ત્રણ આરોપી બાબુ આહીર, નવીન આહીર અને સાગર આહીર સામે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખેરગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.