તમે સવારે ઉઠો અને રોડ પર, ગાર્ડનમાં કે જિમમાં એક નજર કરો તો વૉકિંગ, જોગિંગ અને કસરત કરીને પોતાની હેલ્થને સારી રાખવા સુરતી યંગ સ્ટર્સ પરસેવો પાડતા દેખાશે. હવે માત્ર યંગ સ્ટર્સ જ નહીં પણ મિડલ એજ સુરતીઓ પણ ફિટ રહેવા માટે કલાકો મથતા હોય છે. દર વર્ષે 7 એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પોતાની હેલ્થ માટે જાગૃત કરવાનો છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો આ દિવસને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરના લોકોને હેલ્થ લેવલ પર સારા રાખવા અને સમાજને જીવલેણ રોગો પ્રત્યે જાગૃત કરવાનો છે. કોવિડની જ સ્થિતિ આપણે જોઇ હતી ને કે, રોગપ્રતિકારક શક્તિ વધારી કોવિડથી દૂર રહેવા માટે લોકો જાત જાતના નુસખા અપનાવતા જોવા મળેલા. એ વખતે જાત-જાતના ઉકાળા તરફ સુરતીઓ વળેલા. ત્યાર બાદ થી છેલ્લા 2-3 વર્ષથી સુરતીઓમાં હેલ્થ મેન્ટન રાખવા માટેની સજાગતા વધી છે. ડાયટ અને વર્ક આઉટના ડિફરન્ટ નુસખા અજમાવી સુરતીઓ હેલ્થ મેન્ટેન કરવા લાગ્યા છે. આપણે અહીં જાણીએ કે, સુરતીઓ ક્યાં ક્યાં નુસખા અપનાવી પોતાને ફિટ રાખવા મથી રહ્યાા છે.
તબાટા વર્ક આઉટ: જિમ ટ્રેનર સોહન સાલવી
શહેરના જાણીતા જિમ ટ્રેનર સોહન સાલવીએ જણાવ્યું કે, હેલ્ધી રહેવાના નુસ્ખા તરીકે લોકો તબાટા કરે છે. તબાટા વર્ક આઉટ ખુલ્લી જગ્યામાં કરી શકાય છે. તેના માટે કસરતના કોઈ સાધનની જરૂર નથી હોતી. તે બેલી ફેટ ઘટાડવા અને કમર (વેસ્ટની) સાઈઝ નાની કરવા કરાય છે. આ વર્ક આઉટનો ટ્રેન્ડ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી જોવા મળે છે. લેગ અપડાઉન કરવું વગેરે કસરત આ વર્ક આઉટમાં શામિલ છે. તે 40 મિનિટ સુધી કરી શકાય. સુરતના 20થી 30 ટકા ફિટનેસ પ્રિય લોકો આ વર્ક આઉટ તરફ વળ્યા છે.
સ્વિમિંગ એરોબિક્સ
સ્વિમિંગ એરોબિક્સ સ્વિમિંગ પુલમાં કરાવાય છે. આનાથી સૌથી ફાસ્ટ રિઝલ્ટ મળે છે. નોર્મલી સ્વિમિંગ કરવાથી કેલેરી બર્ન તો થાય જ છે. પણ જ્યારે પાણીમાં વર્ક આઉટ કરીએ તો ઝડપથી રિઝલ્ટ મળે છે. જીમવાળા આ વર્ક આઉટ માટે સ્વિમિંગ પુલ રેન્ટ પર લઈ આ વર્ક આઉટ ઓર્ગનાઇઝ કરે છે. અત્યારે આ વર્ક આઉટ બહુ પસંદ કરવામાં આવી રહ્યું છે.
સૂર્યાસ્ત પછી નહીં જમવું, સુવાના ત્રણ કલાક પહેલા જમી લેવું: ડાયટિશ્યન રચના દલાલ
શહેરના જાણીતા ડાયટિશ્યન રચના દલાલે જણાવ્યું કે, સુરતીઓ હવે હેલ્થ સારી રાખવા માટે સૂર્યાસ્ત પહેલા જમી લે છે કે, પછી સુવાના ત્રણ કલાક જમી લે છે. આ ટ્રેન્ડ ઘણા સુરતીઓ અત્યારે ફોલો કરી રહ્યા છે. જો સૂર્યાસ્ત પછી લેટ નાઈટ જમે તો તમારા એન્ઝાઇમ હોર્મોન્સની વર્ક કેપેસિટી ઓછી થાય છે. તે સમયે બોડી રીપેરીંગ ફેઝમાં હોય છે તેવા સમયે બોડી પાસે કામ કરાવો તો સ્ટ્રેસ લાગે. જેટલું જલ્દી જમો એટલો પૂરેપૂરો સમય ડાઇજેશન માટે મળે. ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગનો પણ નવો ટ્રેન્ડ જોવા મળે છે. ઘણા લોકો લંચ અથવા ડિનર સ્કીપ કરવાનું પસંદ કરવા લાગ્યા છે. ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગમાં 16 કલાક કાઈજ નહીં ખાવાનું અને પછીના 8 કલાકમાં બે વાર મીલ લે. તેનું સાયન્ટેફિક રિઝન એ છે કે, તમારું બોડી ત્રણ કે ચાર ક્લાકમાં વધુ નહીં ખાઈ શકે એટલે જંક ફૂડ કે બીજા સુગરી ફૂડ ઓટોમેટિક ઓછા લેવાના થાય. આ ફસ્ટિંગથી ઇનિશિયલ લેવલમાં સારું રિઝલ્ટ મળે છે.
આયુર્વેદિક ડાયટ
હેલ્થને મેન્ટેન્ડ રાખવા માટે સુરતના લોકો હવે આયુર્વેદિક ડાયટ તરફ વળ્યા છે. જેમાં ફ્રૂટ્સ, સીડ, નટ્સ, મિલેટ એટલે કે જુદા-જુદા પ્રકારના અનાજ બાજરી, જુવાર,જવ, કોદરી ઉપરાંત એલોવેરા, નાગરવેલનાં પાન, કઢી લીમડો, અંબાળીની ભાજી, નાળીની ભાજી, સરગવાના પાન, સરગવાની સિંગ શામેલ છે. આનાથી વજન પણ ઉતરે છે અને હેલ્થને ઇન્ટરનલ રાહત પણ આપે છે. સુરતના લોકો કેરાલા, ઋષિકેશ જઈને આ ડાયટ કરે છે.
ગુડ હેલ્થ માટે વિવિધ પ્રકારના જ્યુસનો ઉપયોગ
હેલ્થ મેઈન્ટેન્ડ રાખવામાં અલગ પ્રકારના નુસ્ખામાં હળદરના જ્યુસના સેવનનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હળદર પાવડરનો જુદા જુદા ડ્રિંક્સમાં પણ ઉપયોગ કરાય છે. હળદરની ફાંકી પણ બનાવાય છે. કાળી મરી, કાળી જીરી, અજમો, મેથીની ફાંકી પણ હેલ્થ માટે ઉપયોગમાં લેવાય છે. ડાયટિશ્યનના કહેવા પ્રમાણે જ્યુસ થેરાપીમાં સફેદ કોળાનો જ્યૂસ વજન ઘટાડવા ડાયાબિટીઝ કંટ્રોલ માટે કારેલાનો જ્યુસ, કેન્સર માટે બીટ ગાજર, તુલસીના જ્યુસનો સેવન કરવા તરફ પણ સુરતીઓ વળ્યા છે.
ભાંગડા-ઝૂમ્બા
ભાંગડા-ઝૂમ્બાથી આખી બોડીમાંથી ફેટ લોસ થાય છે. આ ટ્રેન્ડ નવો જ છે. 100માંથી માત્ર 10 ટ્રેનર્સ ભાંગડા-ઝૂમ્બા કરાવે છે. તે એક કલાકનું હોય અને તેનાથી રિઝલ્ટ મળવામાં 2થી 3 મહિના લાગે. સુરતના 20થી 30 ટકા ફિટનેસ પ્રિય લોકો આ અજમાવી રહ્યાં છે.
તુકમરીયાનું પાણી
તુકમરીયામાં બેઝિકલી સોલ્યુબલ ફાયબર હોય છે. જે પેટને ક્લીન કરે છે. પેટ ભરેલું રાખે છે અને કબજિયાત દૂર થાય છે. 30થી 35 ટકા સુરતીઓ તુકમરીયાનું પાણી પીવે છે.