અંકલેશ્વર: ઔદ્યોગિક હરણફાળમાં દેશમાં નંબર વન રહેલું ગુજરાત (Gujarat) રાસાયણિક કચરાના (Chemical waste) ઉત્પાદનમાં પણ દેશમાં પહેલા નંબર રહ્યું છે. વર્ષ 2021-22માં દેશમાં કુલ 1.23 કરોડ મેટ્રીક ટનથી વધુ હેઝાર્ડ વેસ્ટ (Hazard West) જનરેટ થયો હતો, જેમાં 34 ટકા 42.02 લાખ મેટ્રીક ટન સાથે ગુજરાત અને 9.7 લાખ મેટ્રીક ટન સાથે ભરૂચ (Bharuch) જિલ્લો પહેલા નંબરે રહ્યો છે.
દેશમાં જેટ ગતિએ થઇ રહેલા ઔદ્યોગિક અને શહેરીકરણના કારણે તેની માઠી અસરો પર્યાવરણ ઉપર પડી રહી છે. ઔદ્યોગિકરણ અને શહેરીકરણની હરણફાળ વચ્ચે હેઝાર્ડ્સ, બાયોમેડિકલ, અર્બન અને ઇ-વેસ્ટના નિકાલની સમસ્યા દિન-પ્રતિદિન ઘેરી બની રહી છે. દેશમાં વર્ષે ઠલવાતા કુલ 1.23 કરોડ મેટ્રિક ટન રાસાયણિક જોખમી કચરામાં 34 ટકાના ઉત્પાદન સાથે 2021-22માં ગુજરાત અગ્રેસર રહેતાં ચિંતાનો વિષય બન્યો છે.
ગુજરાત સહિત દેશમાં વધતી જતી વસતી, શહેરીકરણ, આધુનિકીકરણ અને ઔદ્યોગિકરણના કારણે પર્યાવરણના જતનની સમસ્યા વધુ ઘેરી બનવા સાથે અનેક પડકારો ઊભા થઇ રહ્યા છે. ઔદ્યોગિક હરણફાળમાં દેશમાં નંબર વન રહેલું ગુજરાત રાસાયણિક કચરાના ઉત્પાદનમાં પણ દેશમાં પહેલા નંબરે આવતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. જીપીસીબી, સીપીસીબી સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ હેઝાર્ડ વેસ્ટના નિકાલ માટે વધુ સુવિધાઓ વિકસાવવા કમર કસી છે.
ગુજરાતમાં વડોદરાથી વાપી સુધીનો ઔદ્યોગિક પટ્ટો સૌથી વધુ રાસાયણિક કચરાનું ઉત્પાદન કરે છે. દેશમાં 40000થી વધુ કંપનીઓ રાસાયણિક કચરાનું ઉત્પાદન કરે છે, જેમાં 22 ટકા કંપનીઓ નંદેસરી, ભરૂચ, અંકલેશ્વર, દહેજ, પાનોલી, ઝઘડિયા, વિલાયત, સાયખા, સુરત અને વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલી છે.
દેશમાં રોકાણ અને માળખાકીય સવલતો વિકસાવવામાં હરણફાળ ભરી ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યને જોખમી રાસાયણિક કચરો ઉત્પન્ન કરવામાં પણ સીપીસીબીના અહેવાલ મુજબ નંબર વન ઘોષિત કરાયું હતું. વર્ષે 9.7 લાખથી વધુ મેટ્રિક ટન રાસાયણિક કચરાના ઉત્પાદન સાથે ભરૂચ જિલ્લો ગુજરાતમાં અગ્રેસર રહ્યો છે. જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
કયા રાજ્યમાં વેસ્ટનું વર્ષે કેટલું ઉત્પાદન?
- 42 લાખ મેટ્રીક ટન ગુજરાત
- 31 લાખ મેટ્રીક ટન મહારાષ્ટ્ર
- 11 લાખ મેટ્રીક ટન આંધ્રપ્રદેશ
- 5.84 લાખ મેટ્રીક ટન છત્તીસગઢ
- 5.40 લાખ મેટ્રીક ટન રાજસ્થાન
- 5.14 લાખ મેટ્રીક ટન પશ્ચિમ બંગાળ
- 5.12 લાખ મેટ્રીક ટન તમિલનાડુ
- 4.69 લાખ મેટ્રીક ટન ઝારખંડ
- 3.34 લાખ મેટ્રીક ટન ઉત્તરપ્રદેશ
- 3.32 લાખ મેટ્રીક ટન મધ્યપ્રદેશ
- 2.33 લાખ મેટ્રીક ટન પંજાબ
રાજ્યમાં જોખમી કચરા માટે ટ્રીટમેન્ટ, સ્ટોરેજ અને ડિસ્પોઝલ ફેસિલિટી TSDF અંગેનો ડેટા પૂરો પાડતા કેન્દ્ર સરકારના રિપોર્ટમાં જણાવાયું છે કે, SLF સુરક્ષિત લેન્ડફિલ્સ અને ઇન્સિનેરેટર્સ બંને સાથે 4 સંકલિત TSDF, માત્ર SLF સાથે 15 TSDF અને માત્ર incinerators સાથે 44 TSDF છે. જે ઉત્પાદિત થતા વેસ્ટ સામે ઓછી ક્ષમતાના છે.
વર્ષ 2019-20માં ગુજરાતમાં 24.85, 2020-21માં 31.93 અને 2021-22માં 42.02 લાખ મેટ્રીક ટન હેઝાર્ડ વેસ્ટ જનરેટ થયો છે. ગુજરાતમાં 9.7 લાખ મેટ્રીક ટન સાથે ભરૂચ જિલ્લા બાદ 7.32 લાખ મેટ્રીક ટન સાથે અમદાવાદનો નંબર આવે છે. જ્યારે મુંબઈમાં 6.73 લાખ મેટ્રીક ટન હેઝાર્ડ વેસ્ટ જનરેટ થાય છે.