Editorial

ફિનલેન્ડ નાટોમાં જોડાયું: રશિયા હવે શું કરશે?

રશિયાએ ગયા વર્ષના ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યુ તે પછી કેટલાક યુરોપિયન દેશો અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી સહકાર સંગઠન નાટોમાં જોડાવા માટે ઉંચાનીચા થતા હતા. આની સામે રશિયા ધમકીઓ ઉચ્ચારતું હતું. નાટો સંગઠન એ બીજા વિશ્વયુદ્ધ પછી ખૂબ સક્રિય થયેલું એક લશ્કરી સહકાર કે સુરક્ષા સહકાર સંગઠન છે જે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન(નાટો) ના નામે રચાયું હતું. આમાં મોટે ભાગે એટલાન્ટિક મહાસાગરના ઉત્તરના ભાગના દેશો જોડાયા હોવાથી તેને નોર્થ એટલાન્ટિક ટ્રીટી એટલે કે સંધિનું સંગઠન કહેવાય છે. આ નાટો દેશો વચ્ચે એવો કરાર છે કે તેના સભ્ય એવા કોઇ પણ દેશ પર બાહ્ય આક્રમણ થાય તો સંગઠને તેની મદદે ધસી જવું.

બીજા વિશ્વ યુધ્ધ પછી આખી દુનિયાના દેશો બે છાવણીઓ વચ્ચે વહેંચાવા લાગ્યા હતા. નાટો છાવણી અને વોર્સો છાવણી. અમેરિકાની આગેવાની હેઠળ નાટો છાવણી હતી અને તે સમયના સોવિયેટ સંઘની આગેવાની હેઠળ વોર્સી છાવણી હતી. જો કે સમય જતા સોવિયેટ સંઘ વિખેરાઇ ગયો અને વોર્સો છાવણી પણ અપ્રસ્તુત બની ગઇ. પણ નાટો સંગઠન હજી સક્રિય છે. હવે વધુ યુરોપિયન દેશો આ સંગઠનમાં નહીં જોડાય તે માટે રશિયા ધમપછાડા કરતું હતું પરંતુ હાલમાં ફિનલેન્ડ ધરાર નાટો સંગઠનમાં જોડાઇ ગયું છે. ફિનલેન્ડ મંગળવારે નાટોના લશ્કરી ગઠબંધનમાં જોડાયું છે, જેની સાથે મોસ્કોના આક્રમણને પગલે યુરોપ ખંડના દેશોના પાછા ભેગા થવાની પ્રક્રિયાથી રશિયાને મોટો ફટકો પડ્યો છે.

આ નોર્ડિક દેશ નાટોમાં જોડાયો તે સાથે વિશ્વના આ સૌથી મોટા સુરક્ષા ગઠબંધન સાથેની રશિયાની સરહદ બમણી થઇ ગઇ છે અને તે યુરોપના સુરક્ષા ચિત્રમાં એક મોટો ફેરફાર દર્શાવે છે. બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયેટોના હાથ પરાજય પછી આ દેશે તટસ્થ રહેવાનો અભિગમ સ્વીકાર્યો હતો. પરંતુ રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને યુક્રેન પર આક્રમણ કર્યા બાદ રશિયાના પાડોશીઓમાં ફેલાયેલા ગભરાટ વચ્ચે ફિનલેન્ડના નેતાઓએ સંકેત આપ્યો હતો કે તેઓ નાટો ગઠબંધનમાં જોડાઇ શકે છે.

ફિનલેન્ડનું નાટોમાં જોડાવાનું પગલું પુટિનના માટે એક મોટો વ્યુહાત્મક અને રાજકીય ફટકો માનવામાં આવે છે. રશિયાએ ચેતવણી આપી હતી કે ફિનલેન્ડ નાટોનું સભ્ય બનશે તો રશિયા માટે સુરક્ષા ખતરો ગણાશે અને પોતે આ બાબતે વળતા પગલા લેશે. ફિનલેન્ડ રશિયા સાથે ૧૩૪૦ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે અને તેણે નોર્થ એટલાન્ટિક ટ્રીટી(નાટો) સંગઠનમાં જોડાવા માટે ગયા વર્ષના મે મહિનામાં અરજી કરી હતી. સ્વીડને પણ નાટોમાં જોડાવા અરજી કરી છે પણ તુર્કીયે અને હંગેરી જેવા નાટોના કેટલાક સભ્ય દેશોએ ઉઠાવેલા વાંધાઓને કારણે તેને હજી પ્રવેશ મળ્યો નથી. જો સ્વીડનને પણ નાટો સંગઠનમાં જોડાઇ જવાની મંજૂરી અપાય તો રશિયાને વધુ એક આંચકો લાગી શકે છે. રશિયાને એ ભય છે કે નાટો સંઠગન મોટું થતું જશે અને વધુ યુરોપિયન દેશો તેમાં જોડાશે તો પોતાની સામેનો પડકાર પણ વધતો જશે.

હવે જ્યારે ફિનલેન્ડ નાટોમાં જોડાઇ જ ગયું છે ત્યારે રશિયા કેવા પગલા ભરે છે તે જોવાનું રહે છે. હાલ એવા તો અહેવાલ આવી ગયા છે કે ફિનલેન્ડ પર રશિયા તરફી હેકરોનો એક હુમલો તો થઇ જ ગયો છે. ફિનલેન્ડની સંસદે જણાવ્યું છે કે તેની વેબસાઇટ પર કથિત ડિનાયલ ઓફ સર્વિસ હુમલો થયો છે જેને કારણે આ સાઇટનો ઉપયોગ કરવાનું મુશ્કેલ બની ગયું છે. ઘણા પેજીસ લોડ થઇ શકતા નથી અને કેટલીક કામગીરીઓ થઇ શકતી નથી.

નોનેમ૦૫૭ નામના એક રશિયા તરફી હેકર ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી છે અને કહ્યું છે કે ફિનલેન્ડ નાટોમાં જોડાયું તેના વળતા પગલા તરીકે આ હુમલો કરવામાં આવ્યો છે. રશિયન પ્રમુખ પુતિન એક અદક પાંસળી નેતા છે, તેઓ જાત જાતના ગતકડાં કરી અને કરાવી શકે છે. તેઓ આ યુધ્ધમાં પશ્ચિમી દેશોને આપણું હુમલાની ધમકી સુદ્ધાં આપી ચુક્યા છે. ફિનલેન્ડ નાટોમાં જોડાયું છે ત્યારે હવે આગળ શું થાય છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top