સુરત: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજન દ્વારા સુરતમાં તા. 5 એપ્રિલે લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટ ખુલ્લી મુકવામાં આવી હતી. સુરતમાં લેબોરેટરીમાં ઉગાડવામાં આવતા હીરાના ઉત્પાદનમાં થયેલી પ્રગતિને વૈશ્વિક સ્તરે દર્શાવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વભરમાં યોજાયેલા વિવિધ પ્રદર્શનોમાં મુખ્ય હીરા ખરીદતી કંપનીઓના ડેટાના આધારે 500 સંભવિત ખરીદદારોને આ ઇવેન્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે અને તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ વિજય માંગુકીયાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ભાગ લેવા માટે 23 દેશોમાંથી 33 ખરીદદારો સુરત આવ્યા છે.
આ મીટમાં ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચે વન-ટુ-વન વ્યક્તિગત મીટીંગ ગોઠવવામાં આવે છે. ડીલ ફાઇનલ થયા પછી, ખરીદદારોને ફેક્ટરી અથવા ઓફિસની મુલાકાત આપવામાં આવશે. તેની પાછળનો હેતુ ખરીદદારોને વેચાણકર્તાઓની કામગીરી વિશે વધુ માહિતી આપવાનો છે. લેબગ્રોન ડાયમન્ડ્સ, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજિયન દ્વારા ડાયરેક્ટ ટ્રેડને વધુ પ્રોત્સાહન આપવા માટે સુરતના મગદલ્લા સર્કલ પાસે લા મેરીડિયનના રૂબી હોલ ખાતે સૌપ્રથમ બાયર્સ સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે.
સુરતના લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર સંકેત પટેલે કહ્યું કે, ડાયમંડ પ્રત્યે વિશ્વભરમાં લોકોની વિચારસણી બદલાઈ છે. હવે કુદરતી કે લેબગ્રોન નહીં પરંતુ માઈન ડાયમંડ અને લેબ ડાયમંડ તરીકે ઓળખવા લાગ્યા છે. યુરોપિયન દેશોએ લેબગ્રોન ડાયમંડને સ્વીકારી લીધો છે. આ સાથે જ લેબગ્રોન ડાયમંડ ઉપરાંત લેબગ્રોન જ્વેલરી ક્ષેત્રે ખૂબ તકો હોવાનું સંકેત પટેલે જણાવ્યું હતું.
લેબગ્રોન ડાયમંડની સાથે હવે લેબગ્રોન જ્વેલરી તરફ ઉત્પાદકોનું ફોક્સ
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં ડીજીએફટીના વિરેન્દ્ર સિંહે કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહી છે. પાછલા સમયમાં લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં 1100 ટકાનો વધારો થયો છે. 2022-23માં 28,258 કરોડનો એક્સપોર્ટ થયું છે. જે એક રેકોર્ડ છે. અહીંનો વિકાસ દર 29 ટકા રહ્યો છે. સુરત એસઈઝેડમાંથી 2020-21 થી 2022-23માં 826 કરોડના લેબગ્રોન ડાયમંડની નિકાસ કરવામાં આવી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડની સાથે લેબગ્રોન જ્વેલરીની ઈન્ક્વાયરી વધી છે. ઉત્પાદકો હવે લેબગ્રોન જ્વેલરી યુનિટ સ્થાપવા માંગે છે. સેઝમાં દર મહિને બેથી ત્રણ યુનિટ શરૂ થઈ રહ્યાં છે.