ખેડા: ખેડા ટાઉન પોલીસમથકના પી.આઈ આર.એન.ખાંટે ખેડા ચોકડી ઉપર લધરવધર હાલતમાં ભટકતાં રાજસ્થાનના એક કિશોરનું તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં આવેલ છાજા ગામમાં રહેતો 15 વર્ષીય કિશોર છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં ધોલેરાના પીપળી ગામ નજીક એક હોટલમાં કામ કરતો હતો. પરંતુ, હોટલ માલિકના શોષણથી કંટાળીને તે થોડા દિવસો અગાઉ ત્યાંથી નીકળી ગયો હતો અને ફરતો ફરતો ખેડા આવી પહોંચ્યો હતો. બે દિવસ અગાઉ કિશોર ખેડા ચોકડી ખાતે લધરવધર હાલતમાં ઉભો હતો.
દરમિયાન રાઉન્ડમાં નીકળેલાં ખેડા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.ખાંટે ગાડી ઉભી રાખી તેની પાસે ગયા હતાં અને તેની પુછપરછ કરી હતી. દરમિયાન કિશોરે હોટલ માલિકના શોષણની સઘળી હકીકત જણાવી હતી અને પોતાના વતન રાજસ્થાન જવા માટે રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું. જેથી પી.આઈ આર.એન.ખાંટ અને તેમની ટીમે કિશોરની પૂછપરછ કરી પરિવારજનોની ભાળ મેળવી, તેમનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કર્યા હતાં. બીજી બાજુ પોલીસે તેને નાહવાની વ્યવસ્થા કરી હતી. તેમજ બે જોડી નવા કપડાં અને બુટ પણ લઈ આપ્યાં હતાં અને ખાવા-પીવા તેમજ રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. જે બાદ પોલીસની ટીમે માત્ર દિવસમાં જ પરિવારજનોનો સંપર્ક કરી, તેમને ખેડા પોલીસમથકે બોલાવ્યાં હતાં. જ્યાં પોલીસે તેના પરિવારજનોને સોંપ્યો હતો. જતાં સમયે પણ પી.આઈ બાળકને થોડા ઘણાં રૂપિયા આપી આર્થિક મદદ કરી હતી. જે બદલ પરિવારજનોએ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.ખાંટનો આભાર માન્યો હતો.
ભુલા પડેલાં વૃધ્ધાને તેમના ઘરે પહોંચાડ્યાં
ભુલા પડેલાં 65 વર્ષીય એક વૃધ્ધા બપોરના સમયે ખેડા ટાઉન પોલીસમથકે પહોંચ્યા હતાં. જેથી પોલીસે તેમની પુછપરછ કરી હતી અને તેમનો સામાન પણ ચેક કર્યો હતો. દરમિયાન આ વૃધ્ધા પાસેના થેલામાંથી એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં ભુલા પડેલાં આ વૃધ્ધા રાજકોટના શારદાબેન માયાશંકર જોશી હોવાનું માલુમ પડ્યું હતું. જેના આધારે પી.આઈ ખાંટે રાજકોટ પોલીસ ડીવીઝનમાં જાણ કરી, શારદાબેનને એસ.ટી બસ મારફતે રાજકોટ મોકલ્યાં હતાં. જ્યાં રાજકોટ પોલીસે એસ.ટી બસમથકેથી શારદાબેનનો કબ્જો મેળવી, તેમનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.