SURAT

સુરતમાં શાકભાજીવાળાને ટક્કર મારી કાર સડસડાટ દોડી ગઈ, CCTV આવ્યા સામે

સુરત: સુરતમાં વાહનો એટલા બેફામ દોડવા લાગ્યા છે કે હવે અહીં પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. સુરતમાં હીટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે, જેમાં રસ્તાની સાઈડ પર ચાલતા એક શાકભાજીવાળા અને વૃદ્ધનું મોત થયું છે. આ બંને ઘટનામાં ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યા છે.

ડિંડોલીમાં રહેતો અને શાકભાજીની લારી ચલાવતો એક યુવક રવિવારે સાંજે ડિંડોલી આરજેડી પ્લાઝા પાસેથી લારી લઈ જઈ રહ્યો હતો. દરમિયાન કારચાલકે તેની લારીને ટક્કર મારી હતી. આ બનાવમાં લારીવાળાનું ગંભીર ઈજાને કારણે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલા પ્રિયંકા-2ની બાજુમાં આવેલી સાંઈ સોસાયટીમાં રહેતો 20 વર્ષિય અંકિતભાઈ વસંતલાલ ગુપ્તા શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. અંકિત રવિવારે સાંજે ડિંડોલી વિસ્તારમાં આવેલા આરજેડી પ્લાઝા પાસેથી લારી લઈ જઈ રહ્યો હતો.

દરમિયાન અજાણ્યા કારચાલકે લારીને ટક્કર મારી હતી, જેમાં અંકિતને ગંભીર ઇજા પહોંચતાં તેને સૌપ્રથમ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લવાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ આ સમગ્ર બનાવને પગલે પોલીસે વાહનચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુની તપાસ શરૂ કરી છે.

વેડ રોડના વૃદ્ધનું અજાણ્યા વાહન અડફેટે મોત
સુરત: વેડ રોડ ખાતે રહેતા એક વૃદ્ધ ભરીમાતા રોડ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં તેનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ વેડ રોડ ખાતે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 60 વર્ષિય છોટેલાલ મોતીલાલ યાદવ પંડોળ ખાતે લૂમ્સના કારખાનામાં મજૂરીકામ કરી પત્ની સહિત બે પુત્ર અને પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. છોટેલાલ પોતાના નિત્યક્રમ મુજબ સોમવારે ભરીમાતા રોડ ટૂંકી તલાવડી નજીક પગપાળા ચાલીને નોકરી પર જઈ રહ્યા હતા.

દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતાં આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ત્યારબાદ પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરાઈ હતી. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ આ બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top