નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (IPL 2023) સાતમી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે આવતીકાલે મંગળવારે અહીં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે, ત્યારે દિલ્હીની ટીમ સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતનો (Gujarat) વિજય રથ રોકવાનો પડકાર હશે. આ મેચમાં દિલ્હી પોતાના બોલરો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. બીજી તરફ, શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને (CSK) હરાવનારી ગુજરાત ટાઇટન્સ કેન વિલિયમ્સન ઇજાને કારણે આઇપીએલમાંથી આઉટ થયો હોવા છતાં કાગળ પર મજબૂત દેખાય છે.
- મેચમાં દિલ્હી કેપિટલ્સને નબળી બેન્ચ સ્ટ્રેન્થ અને મજબૂત બોલિંગ આક્રમણની ખામી નડે તેવી સંભાવના
- એન્ગીડી અને નોર્કિયા આ મેચ પછી ટીમ સાથે જોડાવાના છે ત્યારે ઇશાંત શર્માનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ થઇ શકે
દિલ્હી કેપિટલ્સને સિઝનની શરૂઆતની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 50 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ભારતીય ઝડપી બોલરોથી સૌથી વધુ નિરાશ થઈ હતી અને એનરિક નોર્કિયાની ગેરહાજરીમાં તેના બોલરો લખનઉના બેટ્સમેનોને પરેશાન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ચેતન સાકરિયા અને મુકેશ કુમાર ચોક્કસ લાઇન લેન્થ બોલિંગ કરવા માટે જાણીતા છે પરંતુ લખનૌ સામે બંને તદ્દન બિનઅસરકારક રહ્યા હતા.
આવી સ્થિતિમાં શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાને તેમની સામે રન બનાવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. હવે જ્યારે નોર્કિયા અને લુંગી એન્ગીડી આ મેચ પછી જ ટીમ સાથે જોડાવાના હોવાથી દિલ્હી કેપિટલ્સની ટીમ અનુભવી ઈશાંત શર્માનો ઉપયોગ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે કરી શકે છે. જેઓ દિલ્હીના પ્રેક્ટિસ સેશનને જોઈ રહ્યા છે, તેઓ માને છે કે તેની ગતિ અને શાર્પનેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોચ રિકી પોન્ટિંગ અને ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ ટીમ કોમ્બિનેશન શોધવા માટે સખત મહેનત કરવી પડશે. ટીમ સાકરિયાના સ્થાને મુસ્તફિઝુર રહેમાનને તક આપી શકે છે, પરંતુ તેના માટે રિલે રોસોને બહાર બેસવું પડશે.