ફકત વ્યક્તિ જ નહીં, પણ રાષ્ટ્રો માટે પણ વિધાતા કેટલીક વાર અજીબ સંયોગો રચે છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મની પર અન્ય યુરોપિયન રાષ્ટ્રોનું પ્રચંડ દબાણ સર્જાયું અને તેને ખાળવા માટે ત્યાં એક મજબૂત અને રાષ્ટ્રવાદી નેતાની જરૂરિયાત ઊભી થઇ. આ અવકાશને પૂરવા માટે હિટલર આગળ આવ્યો. તે મોચીનો દીકરો હતો અને ખાસ ભણેલો નહોતો. તેણે રાજકીય પક્ષ (Nazi) બનાવ્યો અને Nazismનો ખ્યાલ રજૂ કર્યો. જર્મન પ્રજામાં જાતિઅભિમાન અને દેશાભિમાનની લાગણી જન્માવી અને તે માટે તેણે યહૂદીઓનો બલિના બકરા તરીકે ઉપયોગ કર્યો (તે સમયે ખ્રિસ્તી પ્રજામાં યહૂદીઓ આર્થિક શોષણખોર તરીકે કંઇક અપ્રિય હતાં).
જર્મન પ્રજામાં પ્રિય બનીને અને પ્રતિસ્પર્ધીઓને સામ, દામ અને દંડની નીતિ વડે દૂર કરીને તે જર્મન રાષ્ટ્રનો તારણહાર (Fuherar) બની ગયો. પરંતુ બાળપણની કુંઠિત લાગણીઓથી ગ્રસિત હિટલરે જર્મનીને એક મોટા War Machine માં તબદિલ કરીને યુરોપનાં અન્ય રાષ્ટ્રો પર લશ્કરી ચડાઇ કરી અને તેમને જર્મનીની તાબેદારી હેઠળ લાવ્યો. પોતાની વિકૃત માનસિકતાને પોષવા તેણે લાખો યહૂદીઓ તેમજ અન્ય યુરોપિયનોને Concentration Camps માં ધકેલીને તેમનાં પર બેસિતમ જુલમ ગુજાર્યો.
હિટલરના જુલમથી ત્રાહિમામ્ પોકારેલા બ્રિટન, ફ્રાન્સ, રશિયા જેવાં રાષ્ટ્રોએ મિત્રસંગઠન રચી તેમની સામે મોરચો માંડયો, જે બીજા વિશ્વયુદ્ધમાં પરિણમ્યો. આ યુદ્ધના આખરી દોરમાં (સાલ- 1945) રશિયન સેના જર્મનીના બર્લિન શહેરમાં દાખલ થતાં હિટલરે પોતાની પ્રેમિકા ઇવા બ્રાઉન સાથે આપઘાત કર્યો અને આમ તેના અધિનાયકવાદનો અંત આવ્યો. આ અધિનાયકવાદને પરિણામે જર્મન રાષ્ટ્ર તારાજ થઇ ગયું. સાંપ્રત સમયમાં જર્મનીમાં હિટલરનું નામ પણ લેનારને ધૃણાની દૃષ્ટિથી જોવામાં આવે છે. ઇતિહાસનું આ અતિ રકતરંજિત પૃષ્ઠ દર્શાવે છે કે કોઇ પણ જાતિસમૂહ કે રાષ્ટ્ર માટે અધિનાયકવાદને પોષવો એ પોતાની બરબાદીને નોંતરવા બરાબર છે.
નવસારી – કમલેશ મોદી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પરીક્ષા કાર્યમાં તંત્રની ત્રુટિઓ
હાલમાં પરીક્ષા ચાલી રહી છે. વિદ્યાર્થીઓ આખું વરસ મહેનત કરે છે ત્યારે અવારનવાર સમાચાર મળતા રહે છે કે પરીક્ષાના પેપરમાં જોડણી ખોટી હતી. આવી જ જોડણી જો વિદ્યાર્થી જવાબમાં લખે તો એને માર્કસ મળે ખરા? વળી પરીક્ષાની સપ્લીમેન્ટરી વિદ્યાર્થીઓ પાસે 15 થી 20 મિનિટ મોડી પહોંચી. આવા સમયે સમયની કિંમત વિદ્યાર્થી સિવાય કોને ખબર હોય? અને જો 15-20 મિનિટ મોડી સપ્લીમેન્ટરી મળી તો વિદ્યાર્થીઓને એટલો સમય વધારી અપાયો નહીં. આમાં નુકસાન તો વિદ્યાર્થીઓને જ થયું કહેવાય.
આવા સમયે વિદ્યાર્થીઓની માનસિક હાલત શું થતી હશે એનો વિચાર કર્યો છે ખરો? આજે ટી.વી. પર જોવા મળ્યું. ડી સેટનું પેપર પરીક્ષાના સમયે જ વાયરલ થયું. આને કોની ભૂલ સમજવી એ જ સમજાતું નથી. આને માટે જવાબદાર કોણ? સંસ્કૃતના પેપરમાં કોર્ષ બહારનું પૂછવામાં આવ્યું. આથી એની પરીક્ષા ફરીથી લેવાશે એમ જાહેર કર્યું. તો જયારે પેપર કાઢયું ત્યારે એ વ્યકિતને કોર્ષની ખબર નહોતી? આ તો કેવું અંધેર? આ ભૂલોની વણઝાર કયાં જઇને અટકશે કોને ખબર?
સુરત – શીલા એસ. ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.