Charchapatra

દેશના વિકાસમાં કોંગ્રેસનો મોટો ફાળો

2014માં મોદીજીની સરકાર આવ્યા પછી વધેલી મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચારની વાત નીકળે એટલે મોટા ભાગના મોદીભકતો વળતો જવાબ આપતાં શ્રીલંકા અને પાકિસ્તાનની હાલત બતાવી કહે છે આપણે મોદી છે તેથી જ બચ્યાં છીએ. સત્ય એ છે કે શ્રીલંકા અને પાકિસ્તાન આ બંને દેશ પાસે આપણા જેટલી ઔદ્યોગિક વિવિધતા નથી. શ્રીલંકા પાસે મત્સ્ય ઉદ્યોગ અને ટુરિઝમ છે અને એ દેશ એના ઉપર જ નભે છે. કોરોના ફેલાતાં શ્રીલંકાનો ટુરિઝમ ઉદ્યોગ પડી ભાંગતાં એ દેવાદાર બની ગયું. પાકિસ્તાન પાસે મત્સ્ય, પશુપાલન અને સૂકા મેવાની ખેતી છે.

પરંતુ 70 વર્ષની આઝાદી દરમ્યાન એને એક પણ ઠરેલ દિમાગનો નેતા ન મળ્યો. જે આવ્યા તે બધા ઇસ્લામી જેહાદી દિમાગવાળા આવ્યા, જે માત્ર ભારત વિરુધ્ધ ઝેર ફેલાવી પોતાનાં ગજવાં ભરી વિદેશ ભાગી ગયાં. પાકિસ્તાનમાં ખાસ ધંધા ઉદ્યોગ વિકસ્યા નહીં. દેશ શસ્ત્ર ખરીદીમાં દેવાદાર બનતો ગયો. ભારતને નહેરૂ, ઇંદિરા, નરસિંહરાવ જેવા ઉત્તમ ઠરેલ દિમાગના નેતાઓ મળ્યા જેમણે ભારતમાં વેપાર ધંધા ઉદ્યોગો સ્થાપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કોંગ્રેસના ઉત્તમ નેતાઓએ દેશ ચલાવ્યો . 70 વર્ષ વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ઔદ્યોગિક ક્ષેત્રે દેશે અનેક હરણફાળ ભરી.

કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં ભારતમાં ખેતી, કાપડ, હીરા, પોલ્ટ્રી, બાંધકામ, ફુડ પ્રોસેસીંગ, ચાય બાગાન, બીલ્ડીંગ મરીટીયલ, વાહન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, ફિલ્મ ઉદ્યોગ, ડેરી અને પશુપાલન, ટુરીઝમ, મેડીસીન અને ફાર્મા ઉદ્યોગ સાથે અવકાશ વિજ્ઞાન, એટમીક સાયન્સમાં દેશ સ્વપ્રયત્ને પગભર થયો છે. આજે એ જ મજબૂત બુનિયાદ પર દેશ અડીખમ ઊભો છે. મોદીજીને તો તૈયાર ગાદી મળી છે. એમણે માત્ર થોડા કાનૂની સુધારાઓ કર્યા છે. એમને દુનિયામાં થયેલી ટેકનોલોજી ક્રાંતિનો બહુ મોટો ફાયદો થયો છે. પોતે હિંદુસ્તાનના મસીહા હોય એવો ઢોંગ કરે છે. દેશના વિકાસમાં કોંગ્રેસનો ખૂબ મોટો ફાળો છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્ત્રી હનુમાનજીની પૂજા કરી શકે છે
સંસ્કારી નગરી નવસારીમાં મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. જેમાં મોરારિબાપુએ કહ્યું કે સ્ત્રી પણ હનુમાનજીનું પૂજન, અર્ચન કરી શકે છે. ન જાણે કોણે એવું ઘુસાડી દીધું છે કે સ્ત્રી હનુમાનજીની પૂજા ન કરી શકે. હનુમાનજી પવનપુત્ર છે, પવન છે તો આપણે છીએ. હવે થોડું વધુ ચિંતન સ્ત્રીમાં છે અને માના લીધે જ જીવાત્માની ઉત્પત્તિ છે. ધર્મગ્રંથોમાં   નારેશ્વરનું પૂજન છે એટલે દેવી-દેવતાઓએ પણ સ્ત્રીનું મહત્ત્વ જાળવ્યું છે. એટલે જ સ્ત્રીને અર્ધાંગિની પણ કહેવામાં આવે છે. ભક્તો ભગવાનને ‘બા’ તરીકે સંબોધીને એના ખોળામાં આળોટે છે. એકબીજામાં પરમેશ્વર છે. તે બધામાં છે તે જ સ્ત્રીમાં પણ છે. સ્ત્રીને કોઈ પૂજામાં વિધિવિધાન કરવા ન આપવું એ ધાર્મિક અન્યાય છે.
વિજલપોર- ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top