Editorial

રામનવમીમાં હિંસાની ઘટનાઓને ડામી દેવી જોઇએ

ભગવાન રામની જન્મજયંતિ એટલે કે રામનવમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી  હતી. ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. આ દરમિયાન દેશના અલગ અલગ વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તે જ સમયે બંગાળના હાવડામાં રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જ સંભાળ્યો હતો. દેશમાં રામ નવમી પર વડોદરા, હાવડા, લખનઉ અને ધનબાદમાં હિંસા ભડકી હતી.આ દરમિયાન ગુજરાતના વડોદરાના ફતેપુરામાં રામ નવમીના તહેવાર નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. પોલીસે તોફાની તત્વોનો પીછો કરવા માટે લાઠી બળનો પણ ઉપયોગ કર્યો હતો. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ફતેપુરામાં રામનવમીની સાંજે સર્જાયાં હતાં. અહીં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર અચાનક કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. લોકોમાં ભાગદોડ સર્જાતાં પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે 20 જેટલા ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ટોળાંએ કેટલીક દુકાનો તથા કેટલાંક વાહનોમાં તોડફોડ કરી અને થોડીવારમાં સમગ્ર વિસ્તારમાં અશાંતિનો માહોલ ઊભો થઈ ગયો. અહીં થોડીવાર માટે કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો અને પરિસ્થિતિ થાળે પાડવા માટે પોલીસ કાફલો ખડકી દેવો પડ્યો હતો. અંતે પોલીસે 1500 લોકોના ટોળાં સામે રાયોટિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બિહારના ઓરંગાબાદમાં થયેલી હિંસામાં ઘણાં વાહનોને આગ લગાવાઈ હતી.  25મી માર્ચ એટલે કે રામનવમીના દિવસે જ અહીં હિંસાની શરૂઆત થઈ હતી. શહેરની જામા મસ્જિદ વિસ્તારમાંથી રામનવમીની શોભાયાત્રા નીકળી રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો થયો. હિંસાની સાથે સાથે દુકાનો સળગાવવાની શરૂઆત થઈ, ત્રણ ડઝન દુકાનોને આગના હવાલે કરી દેવામાં આવી. જેમાં લગભગ 10 લોકો ઘાયલ થયાં અને ત્રણ લોકોને ગોળી વાગી હતી. શોભાયાત્રામાં સામેલ લોકોને ઘરે મોકલી દેવાયાં હતાં. તો બીજી તરફ રામ નવમી બાદ બંગાળના વિવિધ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. અહીં ભાજપ અને ટીમએમસી દ્વારા રામનવમીના દિવસે યોજવામાં આવેલી અનેક રેલીઓ બાદ પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે.

આ મામલે બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ અને બંગાળ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ લોકેશ ચેટરજીની પણ અટકાયત કરવામાં આવી હતી. હિંસામાં અસાનસોલ-ડુંગરપુરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. હિંસા વધી જતાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોલીસને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. જો કે અહીં ખાસ વાત એ છે કે, ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોતમ હતા અને રામ નવમીના દિવસે તેમની શોભાયાત્રા કાઢવાની પરંપરા છે. જો કે આ તહેવાર દરમિયાન થતી હિંસા સરકારે ડામી દેવી જોઇએ. ભગવાન શ્રીરામની શોભાયાત્રાને જ્યારે પોલીસ પરવાનગી આપે છે ત્યારે જ તેના રૂટ ઉપર જ્યાં લઘુમત્તિ વિસ્તાર આવતા હોય તેનું સઘન ચેકિંગ એક દિવસ પહેલા જ થઇ જવું જોઇએ. આ વિસ્તારમાં ફ્લેગમાર્ચ થવી જોઇએ અને ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં કોઇ પ્રતિબંધિત હથિયારો લઇને નહીં નીકળે તેનું ધ્યાન જો રાખવામાં આવે તો આવી બબાલ ટાળી શકાય તેમ છે.

Most Popular

To Top