નડિયાદ: કઠલાલ તાલુકાના પીઠાઈ ટોલનાકા નજીક ઈન્દોર-અમદાવાદ હાઈવે પર રોંગસાઈડમાં પુરપાટ ઝડપે પસાર થતાં ડમ્ફરના ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર સાત મિત્રો પૈકી બે ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે પાંચ મિત્રોને ઈજા પહોંચી હતી. સાતેય મિત્રો ઉજ્જૈન મંદિરમાં દર્શન કરી પરત ગાંધીનગર જઈ રહ્યાં હતાં. ગાંધીનગરમાં રહેતાં અને રેલ્વે વિભાગમાં ચીફ ટીકીટ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં ઓમનારાયણ પ્રતાપસિંહ પરમાર શનિવારના રોજ પોતાના મિત્રો મધુકુમાર વિરસીંગ રાજપુત, ગજાનંદ ભોલેનાથ ઉપાધ્યાય, વિનોદ રાજપાલસિંહ ચૌહાણ (તમામ રહે.ગાંધીનગર) તેમજ મુકેશભાઈ કાનજીભાઈ દેસાઈ (રહે.મહેસાણા), હનુમાનસિંગ શ્રીબલવીરસિંગ રાજપુત (રહે.પાલી, રાજસ્થાન) અને ઉમેદસિંગ મોહનસિંહ રાજપુત (રહે.ચાંદખેડા, અમદાવાદ) સાથે ગત શનિવારના રોજ ઈનોવા ગાડી નં જીજે 18 બીજે 9019 લઈને મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલ મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં.
જ્યાં દર્શન કર્યાં બાદ રાત્રીના સાડા દશ વાગ્યાના અરસામા તેઓ પરત ગાંધીનગર આવવા રવાના થયા હતાં. વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં તેઓ ઈન્દોર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવ પર આવેલ કઠલાલ તાલુકાના પિઠાઈ ટોલનાકા નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે માર્ગ પર સામેથી રોંગસાઈડમાં પુરપાટ ઝડપે આવતાં રજીસ્ટ્રેશન નંબરપ્લેટ વગરના ડમ્ફરના ચાલકે એકાએક ઓમનારાયણ પરમારની ઈનોવા ગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઈનોવા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ગાડીમાં સવાર વિનોદભાઈ રાજપાલ ચૌહાણ (ઉં.વ 36) અને ગજાનંદ ભોલેનાથ ઉપાધ્યાય (ઉં.વ 40) નું ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
જ્યારે, ઓમનારાયણ પરમાર, મુકેશભાઈ દેસાઈ, હનુમાનસિંગ રાજપુત, મધુકુમાર રાજપુત અને ઉમેદસિંહ રાજપુતને વત્તાઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે જ ડમ્ફર મુકી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. દરમિયાન માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ મામલે ઓમનારાયણ પરમારની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે ડમ્ફરચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.