સુરત: દક્ષિણ ગુજરાત વીજકંપનીના અંધેર કારભારને લઈ અડાજણના એક સામાન્ય પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. વીજકંપનીએ મિડલ ક્લાસ પરિવારને બે હજારને બદલે સીધું પોણા ત્રણ લાખનું બિલ ફટકારતાં પરિવાર ચિંતામાં મુકાઇ ગયો છે.
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અંધેર કારભારથી સામાન્ય પરિવારને ઝાટકો
- અડાજણમાં રહેતા હીરાદલાલનું રેગ્યુલર બિલ 2 હજાર આવતું હતું, પણ આ વખતે સીધું 2.79 આપી દેતાં તમ્મર આવી ગયા
સૂત્રોના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)એ સુરતમાં એક હીરાના દલાલને રૂ.2.79 લાખનું બિલ ફટકાર્યુ છે. લાખોમાં બિલ આવતાં પરિવાર ચિંતામાં મુકાઇ ગયો છે. આ અંગે જ્યારે DGVCLના અધિકારીઓ સાથે વાત કરી તો બિલ તો કોઈ પણ સંજોગોમાં ભરવું જ પડશે તેમ જણાવ્યું હતું. હીરા દલાલીનું કામ કરતા અને સુરતના અડાજણ દીપા કોમ્પ્લેક્સમાં રહેતા જિગ્નેશ કુંભાણીને DGVCLએ રૂ.2.79 લાખનું બિલ આપ્યું હતું.
આ અંગે જિગ્નેશભાઈએ જણાવ્યું કે, દર વખતે એવરેજ રૂ.2000થી 2500 બિલ આવે છે. જ્યારે આ વખતે લાખોમાં બિલ આવતાં પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને હીરા દલાલ બિલ જોઈને ડિપ્રેશનમાં આવી ગયા હતા. જિગ્નેશ કુંભાણી મહિને રૂ.15-20 હજાર રૂપિયા કમાય છે અને તેવી સ્થિતિમાં DGVCLએ તેમને લાખોનું બિલ પકડાવી દેતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. બિલમાં ભૂલ થઈ હોવા અંગે રજૂઆત કરી તો બિલ તો ભરવું જ પડશે તેવો પ્રતિસાદ વીજ કંપનીના અધિકારીઓએ આપ્યો છે.
નવાગામ ડિંડોલીની ખાડીમાં તરુણ પડી ગયો
સુરત: નવાગામ ડિંડોલીના મહાદેવનગરની ખાડીમાં શુક્રવારે એક અજાણ્યો તરુણ પડી ગયો હતો. ફાયર વિભાગને ઘટના અંગે કોલ મળતાની સાથે જ ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર ગુરુવારે સાંજે 4:50 કલાકે નવાગામ ડિંડોલીના મહાદેવનગરની નજીક ખાડીમાં કોઈ અજાણ્યો તરુણ પડી ગયો હોવાનો કોલ ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો.
ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ તુરંત જ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ખાડીમાં ઊતરીને શોધખોળ કરી હતી. મોડી રાત સુધી તેની શોધ ચાલી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણકારી આપી હતી કે કોઈ અજાણ્યો 15થી 17 વર્ષનો તરુણ સાંજે ખાડી ઉપરના પુલ પરથી પસાર થઇ રહ્યો હતો અને અકસ્માતે તે ખાડીમાં પડી ગયો હતો. જો કે, ભેસ્તાન ફાયરની ટીમ દ્વારા મોડી સાંજ સુધી ખાડીમાં ઘણી શોધ કરવા છતાં પણ તરુણ મળી આવ્યો ન હતો.