સુરત : શહેરમાં મેટ્રોની (Surat Metro) કામગીરીમાં આયોજનની અણઘડતાના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઇ રહી છે. જો કે મેટ્રોના અધિકારીઓ ગાંધીનગર બેઠા છે અને સ્થાનિક પોલીસ અને પાલિકાના તંત્ર વાહકોને શહેરીજનોની હાડમારીની કોઇ પડી નહીં હોય તેમ મેટ્રોના નામે થતા અણઘડ આયોજનોમાં ચૂપચાપ ભાગીદાર બની રહ્યાં છે.
- મોપેડ ચાલકને ઇજા થતા લોકોએ હોબાળો મચાવતા બોરિંગ મશીનનો ડ્રાઇવર મશીન મુકી ભાગી ગયો
- મેટ્રો રેલના અધિકારીઓની અણઘડતા અને બેજવબદારીના કારણે શહેરીજનો પર જીવનું જોખમ
તેથી પ્રજા બીચારી-બાપડી જેવી લાચાર થઇ છે. ત્યારે મંગળવારની રાત્રે ભટાર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીના કારણે એક વાહન ચાલકનો જીવ જોખમમાં મૂકાયો હતો. ભટાર વિસ્તારમાં મેટ્રોના બોરિંગ મશીનની (Boaring Machine) કામગીરી દરમિયાન બેરિકેડ (Barricade) માટે મૂકેલું પતરુ અચાનક તૂટી પડતાં લોકોમાં મેટ્રોની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મેટ્રોની કામગીરીને કારણે અનેક વિસ્તારમાં સ્થાનિક લોકોમાં પહેલાથી જ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે મંગળવારે રાત્રે ભટાર વિસ્તારમાં મેટ્રોની કામગીરીને કારણે થયેલા અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભટાર વિસ્તારમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને તેના કારણે રસ્તો સાંકડો થયો છે અને ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે.
એક તરફ બેરિકેડ ની અંદર બોરિંગ મશીન થી કામગીરી ચાલતી હતી તો બેરિકેડ ની બીજી તરફ વાહન વ્યવહાર ચાલતો હતો. બોરિંગ ની કામગીરી દરમિયાન અચાનક જ બોરિંગ કરી રહેલા મશીનના ડ્રાઈવરની ભૂલ થતાં મશીનનો કોઈ ભાગ બેરિકેડ સાથે અથડાયો હતો અને તેના કારણે બેરિકેડ તરીકે મુકેલુ પતરું અને માટી અચાનક જ ત્યાંથી પસાર થતાં એક એક્ટિવા ચાલક ઉપર પડી હતી.
આ સમયે જ એક એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થતો હતો. બેરિકેડ નું પતરું તેની પર પડતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી. એક્ટિવા ચાલકના બંને હાથે અને શરીરના અન્ય ભાગ પર ઈજા થઈ હતી અને લોકો ભેગા થઈ ગયાં હતા. આ સમય દરમિયાન બોરિંગ ની કામગીરી કરતો ડ્રાઇવર ભાગી ગયો હતો અને તેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)