સુરત: સુરત સહિત રાજયભરમાં આગામી પંદરમી એપ્રિલ પછી ગમે તે ઘડીએ જંત્રીના દરો વધી શકે છે. જેને લઇને રાજયભરમાં જમીન મિલકતોના દસ્તાવેજ કરાવવા હોડ લાગી છે. દસ્તાવેજ માટે ટોકન મેળવવા સુરતમાં લાંબુ વેઇટીંગ છે પરંતુ આ સ્થિતિ વચ્ચે રાજય સરકારે કેટલીક સ્પષ્ટતા કરી છે. જે મુજબ પંદરમી એપ્રિલ પહેલા એકિઝકયુટ થયેલા દસ્તાવેજોમાં જૂની જંત્રીનો લાભો મળશે
રાજય સરકારે જંત્રીના દરો વધારવા માટે સને-2011 પછી આંખ ખોલી છે. સરકારે જંત્રીના દરોમાં કોઇ મોજણી કે સ્થાનિક હકકીતો ધ્યાને લીધા વિના સીધા બે ગણો વધારો ઠોકી બેસાડયો હતો. પરંતુ આ મામલે રાજયભરમાં ઉહાપોહ મચતા સરકારે નવી જંત્રીના દરોનો વધારો પંદર એપ્રિલ પછી કરવા જાહેરાત કરી હતી. જંત્રીના નવા દરો આડેની પંદરમી એપ્રિલની ડેડ લાઇન પૂરી થવા આવી છે. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમતેમ જમીન મિલકતધારકો દસ્તાવેજ કરાવવા અધીરા બન્યા છે. કેમકે તેમને નવી જંત્રીથી નુકશાન થઇ શકે છે.
રાજયભરની સબરજીસ્ટ્રાર કચેરીઓમાં મચેલા આ ધમાસાણ વચ્ચે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્પસ અને નોંધણી સર નિરીક્ષક કચેરીએ એક સ્પષ્ટતા સાથે પરિપત્ર જાહેર કરી દીધો છે. આ પરિપત્ર મારફત લોકોમાં કોઇ ગુંચવાડો હોય તો તે દૂર કરવા પ્રયાસ કરાયો છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર પંદરમી એપ્રિલ પહેલા દસ્તાવેજના લેખ ઉપર સહી કરી જંત્રીની રકમ મુજબના સ્ટેમ્પ ખરીદી લીધા હશે તેવા મિલકતધારકો ચાર મહિના સુધી જુના ભાવે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે.
પક્ષકારોએ દસ્તાવેજ પર સહી કરી હોય તે તારીખથી ચાર મહિના સુધી જૂની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધણી થશે. ચાર મહિના પછી વ્યાજબી કારણ હશે તો મિલકતધારક સબ રજિસ્ટ્રારની મંજૂરી લઈને બીજા ચાર માસ સુધી દંડ સાથે દસ્તાવેજ નોંધાવી શકશે. આગામી ૧૫મી એપ્રિલથી ગુજરાતમાં જંત્રીના નવા ભાવ લાગું થવા જઈ રહ્યા છે. હયાત જંત્રીમાં ૧૦૦ ટકા વધારો થશે કે ૨૫ ટકા સુધીનો વધારો થશે તે ૧૩મી એપ્રિલ સુધીમાં માલૂમ પડી
રજાના દિવસે સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે
15મી એપ્રિલથી નવી જંત્રી લાગુ પડનાર છે. આ પહેલા દસ્તાવેજ નોંધણી માટે ધસારો વધવાની શક્યતા અને જન હિતને ધ્યાને લઇને તા. 4, 7 અને 8 એપ્રિલના રોજ આવનારી જાહેર રજાના દિવસે પણ તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવશે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં નિયમિત દિવસોની જેમ આ દિવસો માટે પણ ઓનલાઇન એપાઇન્ટમેન્ટ આપવામાં આવશે.