અંક્લેશ્વર: અંકલેશ્વરના સારંગપુર ગામની લક્ષ્મણ નગરમાંથી રાત્રીના ગુમ થયેલી બે સગી બહેનો પુનાથી મળી આવી હતી. પુના આરપીએફના જવાનોને બંને બહેનો મળી આવી હતી અને જીઆઇડીસી પોલીસ ને જાણ કરતા પોલીસે પુના ખાતે જરૂરી કાર્યવાહી કરી બંને બહેનો ને માતા પિતા ને હવાલે કરી હતી.
અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતા અને દુકાન ચલાવતા મોહમદ રાજુખા મોહમદ સાદીક ખાનની બે સગીરા ગુમ થઇ ગઈ હતી. અનેક શંકાના વાદળો વચ્ચે આખરે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને બહેનોની શોધખોળ આદરી હતી. આ તપાસ દરમિયાન મહારાષ્ટ્રના પુના રેલવે સ્ટેશન ઉપર આરપીએફના જવાનોને શંકા જતા અને બંને દીકરીઓને એકલી જોતા બંનેની પૂછપરછ કરતા તેઓએ અંકલેશ્વરથી આવી ગયા હોવાનું જણાવ્યું હતું અને બંને બહેનોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજુ કરી પુનાની સ્થાનિક પોલીસ દ્વારા બન્ને બહેનોને બાલ સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.
આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆઇડીસી પોલીસ તેના માતા પિતા સાથે પુના ખાતે પહોંચી હતી અને કોર્ટમાં રિપોર્ટ રજુ કરી બંને બહેનો ને માતાપિતા સાથે અંકલેશ્વર ખાતે લાવી પૂછપરછ કરતા તેની માતાએ ઠપકો આપતા ગુસ્સામાં બંને બહેનો ઘરે થી નીકળી તેઓની બહેનપણીના ઘરે ગઈ હતી. ત્યારબાદ સ્ટેશન પરથી ટ્રેનમાં બેસી પુના ખાતે પહોંચી ગઈ હતી. જીઆઇડીસી પોલીસે બંને બહેનોને સ્થાનિક ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજુ કરી માતા પિતાને હવાલે કરી દીધી હતી.
સુરતના ગુમ યુવકની બાઈક કામરેજમાં આંબોલીના તાપી કિનારેથી મળી
કામરેજ : સુરત ખાતે રહેતો અને મિનરલ વોટરના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન કિરણ બાબુભાઈ પટેલ (38) સોમવારે ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ તેની બાઇક આંબોલી તાપી કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. તે તાપી નદીમાં કૂદી પડ્યો હોવાની આશંકાએ સુરત ફાયર વિભાગે તેની શોધખોળ શરૂ કરી છે.
કામરેજ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મહેસાણાના સનીસા ગામનો અને હાલ સુરતના પરવટ પાટિયા સ્થિત ડુંભાલ ફાયર સ્ટેશન પાસે આવેલી કૈલાસ નગર સોસાયટીમાં રહેતો કિરણ બાબુભાઈ પટેલ(ઉ.વ.38) મિનરલ વોટરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. દરમિયાન સોમવારે બપોરે 1.30 કલાકે પત્ની ચંદ્રિકાબેનને થોડીવારમાં આવવાનું કહીને હિરો સીડી ડાઉન બાઈક નંબર જીજે 05 ડીએલ 2452 લઈને નીકળ્યો હતો. તે પરત નહીં આવતા સાંજે 4.00 કલાકે તેની પત્નીએ તેને ફોન કરતાં ફોન બંધ આવતો હતો. તેની પત્નીએ સમગ્ર હકીકત પરિવારજનોને કહેતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન તેની મોટરસાઇકલ કામરેજના આંબોલી ગામે આવેલા જુના પુલની બાજુમાં મેલડી માતાના મંદિરની બાજુ માંથી બાઈક બિનવારસી હાલતમાં મળી આવી હતી. તેના પરિવારજનોએ તે નદીમાં કૂદી પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરતાં સુરત ફાયરબ્રિગેડની ટીમે નદીમાં તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ મોડી સાંજ સુધી તેની કોઈ જ ભાળ મળી નથી. જે અંગે કામરેજ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ પણ આપવામાં આવી છે.