નવી દિલ્હી: કેદારનાથ (Kedarnath) અને બદ્રીનાથ (Badrinath) મંદિરમા (Temple) દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે મંદિર સમિતિએ એક બેઠક યોજી હતી. જેમાં મંદિરમાં વિશેષ દર્શન માટે આવતા દર્શનાર્થીઓ માટે ફી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી કેદારનાથ અને બદ્રીનાથના વિશેષ દર્શન માટે ભક્તોએ 300 રૂપિયા ચૂકવવા પડશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેદારનાથમાં 100 કિલોનું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવશે. આ સાથે જ ટેમ્પલ કમિટીના સ્ટાફ જ પ્રોટોકોલની વ્યવસ્થાનું ધ્યાન રાખશે.
મળતી માહિતી અનુસાર BKTC એ દેશના 4 મુખ્ય મંદિરો તિરુપતિ બાલાજી, શ્રી વૈષ્ણો દેવી, શ્રી મહાકાલેશ્વર અને શ્રી સોમનાથ મંદિરોમાં પૂજા અને દર્શન માટેની વ્યવસ્થાના સંચાલનનો અભ્યાસ કરવા માટે 4 ટીમો મોકલી હતી. ટીમના અહેવાલના આધારે, BKTC એ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોની મુલાકાત લેતા તમામ પ્રકારના વીઆઈપીના વિશેષ દર્શન અને પ્રસાદ માટે વ્યક્તિ દીઠ 300 રૂપિયાની ફી નક્કી કરી છે.
BKTCની કેનાલ રોડ ઓફિસમાં ચેરમેન અજેન્દ્ર અજયની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બોર્ડ સમક્ષ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. BKTCની બોર્ડ મીટિંગમાં આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે 76,25,76,618 રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. આ સાથે બોર્ડની બેઠકમાં આગામી કામો અંગેનો વિગતવાર એકશન પ્લાન પણ મંજૂર કરવામાં આવ્યો હતો. બજેટ રજૂ કરતા BKTCના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર યોગેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે બદ્રીનાથ માટે 39,90,57,492 કરોડ અને કેદારનાથ માટે 36,35,19,126 કરોડનો ખર્ચ પ્રસ્તાવિત છે.
કેદારનાથ ધામમાં 100 કિલો ત્રિશુલ સ્થાપિત કરવામાં આવશે
કેદારનાથમાં 100 કિલોના અષ્ટધાતુ ત્રિશુલની સ્થાપના કરવામાં આવશે. આ સાથે માર્કંડેય મંદિર મક્કુમઠના પેવેલિયનનું પણ જીર્ણોદ્ધાર કરવામાં આવશે. કેદારનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
પ્રોટોકોલની વ્યવસ્થા માત્ર BKTCના કર્મચારીઓ જ જોશે
મંદિરોમાં પ્રોટોકોલ હેઠળ દર્શન માટે આવતા વીઆઈપીને દર્શન અને પ્રસાદ વિતરણની જવાબદારી માત્ર BKTCના કર્મચારીઓ જ સંભાળશે. તેનાથી VIP સુવિધાના નામે અરાજકતા સર્જાશે નહીં. અત્યાર સુધી પોલીસ, પ્રશાસન, BKTC વગેરે VIP લોકોને દર્શન આપવા પોતપોતાની રીતે દર્શન વ્યવસ્થા કરે છે.
હંગામી કર્મચારીઓને EPFની સુવિધા મળશે
BKTCના હંગામી કર્મચારીઓની ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે તેમને EPFની સુવિધા આપવામાં આવશે. BKTC માં IT સંબંધિત કામોને મજબૂત કરવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી યુનિટની રચના કરવામાં આવશે. આનાથી ઈ-ઓફિસ સ્થાપવાની સાથે સાથે અનેક વિભાગોનું કોમ્પ્યુટરાઈઝેશન કરવાનું સરળ બનશે.
વિદ્યાપીઠમાં આયુર્વેદિક ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે
BKTC એ વિદ્યાપીઠ (ગુપ્તકાશી) ખાતે બંધ થયેલી આયુર્વેદિક ફાર્મસીને ફરીથી શરૂ કરવાનો અને વિવિધ ઉત્પાદનો તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આ BKTC દ્વારા સંચાલિત આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સુવિધા પણ પૂરી પાડશે.