હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે માઈભક્તોનું કીડીયારૂ ઉભરાયું હતું જેમાં રવિવારે અઢી લાખ જેટલા માઈભક્તોએ યાત્રાધામ પાવાગઢ ખાતે પધારી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીની ચૈત્રી નવરાત્રી દરમ્યાન આરાધના કરી માતાજીની પૂજા કરવાનો અનેરો મહિમા અને અપરંપાર શ્રદ્ધા ભાવ હોઈ દર વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુ માઈભક્તો માતાજીના દર્શનાર્થે પાવાગઢ ખાતે આવે છે ચૈત્રી નવરાત્રીનો આરંભ થયેલ છે જોકે આ વર્ષે ચાલતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ગત બુધવારથી શનિવાર સુધી એટલેકે આગલા ચાર દિવસ નવરાત્રીના ચોથા નોરતા સુધી જોઈએ તેવી ભીડ માઈ ભક્તોની પાવાગઢ ખાતે જામી ન હતી.
પરંતુ ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે રવિવારની રજાને અનુલક્ષીને સમગ્ર ગુજરાત સહિત આંતર રાજ્યોમાંથી પણ માઈભક્તો પાવાગઢ ખાતે ઉમટી પડતા રવિવારે અઢી લાખ જેટલા ભક્તજનોના આગમનથી પાવાગઢ ધામ ખાતે માનવ કીડીયાળુ ઉભરાયેલું જોવા મળ્યું હતું અને લાખો ભક્તજનો દ્વારા જય માતાજી અને જય મહાકાળી માતાજીનો જયધોષ કરાતા સમગ્ર પાવાગઢ ડુંગર માતાજીના જયધોષથી ગુંજી ઉઠ્યો હતો અને પાવાગઢની તળેટીથી લઈ માચી અને છેક ડુંગરની ટોચ પર માતાજીના મંદિર પરિસર સુધી જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ ઉમટેલું જોવા મળ્યું હતું જેમાં વહેલી સવારથી સાંજ સુધીમાં અઢી લાખ જેટલા માઈભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જેમાં રવિવારે યાત્રિકોનો અભૂતપૂર્વ ઘસારો રહેવા પામતા સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સમગ્ર પાવાગઢ ડુંગરથી લઈ તળેટી સુધી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેમાં પોલીસના જવાનોએ સતત ખડેપગે તૈનાત રહી યાત્રિકોને સુરક્ષા અને સલામતી પ્રદાન કરી હતી જ્યારે માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા પણ અઢી લાખ ભક્તજનોને મંદિરમાં આરામ અને સહુંલસ સાથે દર્શન કરવા માટેની તમામ સગવડો ઊભી કરી અઢી લાખ જેટલા ભક્તજનોને માતાજીના દર્શન કરાવવામાં આવ્યા હતા.
પાદરાના રણુ ગામે માઈ ભક્તો તુળજા ભવાની માતાના દર્શને ઉમટી પડ્યા
પાદરા: પાદરાના રણુ ગામે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે રવિવારે સાંકડો માઈ ભક્તો માં તુળજા ભવાની માતાના દર્શને ઉમટી પડ્યા હતા. પાદરાના રણુ ગામે આવેલ મા તુળજા ભવાની માતાજીના મંદિરે પાદરા તાલુકા જિલ્લા અને રાજ્યમાંથી ભક્તો ચૈત્રી નવરાત્રીમાં દર્શન માટેઆવે છે. ચૈત્રી નવરાત્રીના પાંચમા નવરાત્રીએ રવિવારની રજાને લઈ માઇ ભક્તો વહેલી સવારથી જ વડોદરા તરફથી પાદરા રોડ પર જતા માર્ગો પરભક્તોનો દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા. વહેલી સવારના નિજ મંદિરના દ્વાર મહંત કવિન્દ્રગીરીજી દ્વારા ખુલ્લા મુકતા મંદિર પરિસર ખાતે હજારો માય ભક્તોએ માં તુળજાભવાનીના ભારે જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. પાંચમાં નોરતે માં તુળજા ભવાની માતાજીને મા લક્ષ્મી – માં સરસ્વતી નો શણગાર કરવામાં આવ્યો હતો સાથે સાથે શ્રીયંત્ર- પૂજા- હવનસહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ માતાજીને ગાયકવાડી દાગીના ધરાવ્યા હતા જે રણું તુળજાભવાની માતાજીને હીરા જડિત થી જડેલા દાગીના અર્પણ કરાયા હતા.