આણંદ : ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના નવીનતમ પગલા અને પ્રયોગરૂપે સતત નવમા વર્ષે લિબરલ આર્ટ્સનો વર્કશોપ યોજાયો હતો.જેમાં પેઈન્ટીંગ, ફોટોગ્રાફી, મીડિયા એન્ડ ગ્રાફીક ડીઝાઇન, ડાન્સ અને ડ્રામા જેવા લિબરલ આર્ટ્સના કોર્સીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 5 કોર્સીસમાંથી વિદ્યાર્થીઓ કોઈ 1 કોર્સ પસંદ કરે છે જેનું શૈક્ષણિક કાર્ય વર્કશોપ મોડમાં કરવામાં આવે છે.
ચાંગા સ્થિત વિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના નવીનતમ પગલા અને પ્રયોગરૂપે સતત નવમા વર્ષે આયોજિત ત્રણ દિવસીય લીબરલ આર્ટ્સના વર્કશોપમાં પ્રોફેશનલ વિદ્યાશાખાઓના પ્રથમ વર્ષના 200 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કોર્સનો અભ્યાસ કર્યો હતો. ચારૂસેટ યુનિવર્સિટીમાં ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અંતર્ગત સંચાલિત હ્યુમાનીટીઝ એન્ડ સોશ્યલ સાયન્સીઝ વિભાગ હેઠળ પેઈન્ટીંગ, ફોટોગ્રાફી, મીડિયા એન્ડ ગ્રાફીક ડીઝાઇન, ડાન્સ અને ડ્રામા જેવા લિબરલ આર્ટ્સના કોર્સીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ અંગે ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચારૂસેટના વિદ્યાર્થીઓની સફળ કારકિર્દી માટે જરૂરી એવા તમામ કૌશલ્યો શીખવાની સાથે સાથે સર્વાંગી વિકાસ પામે તેવું સ્વપ્ન ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે સેવ્યું છે. આ સ્વપ્નને સાકાર કરવા અને ચારૂસેટને ‘વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી’ બનાવવાના મુખ્ય ઉદેશ્યને પ્રાપ્ત કરવા યુનિવર્સિટીમાં નવીનતમ પગલા લેવામાં આવી રહ્યા છે. આમાંનું એક અભૂતપૂર્વ પગલું એટલે કોર્સીસ ઓફ લીબરલ આર્ટ્સ છે.
ફેકલ્ટી ઓફ હયુમિનિટીઝના ડીન ડો. ભાસ્કર પંડયાએ જણાવ્યું હતું કે, સતત નવમા વર્ષે આયોજિત આ વર્કશોપમાં 47 લિબરલ આર્ટ્સના તજજ્ઞો, 11 કોર્સ કોર્ડીનેટર, 22 ઇન્સ્ટીટયુટ ફેકલ્ટી કોર્ડીનેટર અને 40 સ્ટુડન્ટ વોલેન્ટીઅરના માર્ગદર્શન અને મેનેજમેન્ટ હેઠળ બી. ટેક., બી. બી. એ., બી. સી. એ., બી. એસ. સી. (આઈટી), બી. એસ. સી. , પેરામેડીકલના 2200 જેટલા વિદ્યાર્થીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ વર્કશોપ હેઠળ ભારતના શ્રેષ્ઠતમ કળાવિજ્ઞાનના કલાકારો અને તજજ્ઞોમાં ગુજરાતના સૌથી વધારે એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર કેતન મોદી, ખ્યાતમાન ચિત્રકાર કનુ પટેલ, વિખ્યાત ડિઝાઇનર પારસ ભોજક, વિદ્યાનગર સ્થિત સી.વી.એમ. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના પ્રાધ્યાપકો ઉપરાંત અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા અને પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફરો, ચિત્રકારો, ડાન્સ-ડ્રામા કોરિયોગ્રાફર્સ અને ડીઝાઇનરોનો સમાવેશ થાય છે.
આ વર્કશોપના સંચાલન અને શૈક્ષણિક કાર્ય સાથે શરૂઆતથી જ જોડાયેલ આંતરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા પેઈન્ટર અને રંગમંચના જાણીતા કલાકાર કનુ પટેલે ચારૂસેટના આ પગલાને બિરદાવતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે લિબરલ આર્ટ્સના અભ્યાસક્રમોને ક્રેડીટ કોર્સીસ તરીકે મુખ્ય અભ્યાસક્રમોમાં આટલા મોટા પાયે સમાવેશ કરવામાં આવે તેવું દેશની કોઈ યુનિવર્સિટીમાં પ્રથમવાર જોવા મળ્યું છે.