Comments

દક્ષિણ ચીન સમુદ્ર અને તાઇવાનને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ફિલિપાઈન્સમાં નવા બેઝ સ્થાપ્યા

ફિલિપાઈન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે જણાવ્યું હતું કે ફિલિપાઈન્સ દેશભરમાં અલગઅલગ જગ્યાએ યુનાઈટેડ સ્ટેટ્સના ફોર્સને ચાર નવાં સૈન્ય મથકો સ્થાપવા દેશે જેમાં વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રની સામે આવેલા પ્રાંતનો પણ સમાવેશ થાય છે. માર્કોસ વહીવટીતંત્રે ગયા મહિને જાહેરાત કરી હતી કે તે ૨૦૧૪ના એન્હાન્સ્ડ ડિફેન્સ કોઓપરેશન એગ્રીમેન્ટ (EDCA) હેઠળ અગાઉ નિયુક્ત કરાયેલા પાંચ સ્થાનિક થાણા ઉપરાંત ચાર નવા ફિલિપાઈન લશ્કરી થાણાઓમાં અમેરિકી દળોની ફરતી બેચને અનિશ્ચિત સમય માટે રહેવાની મંજૂરી આપશે.

નવા બેઝ માટેના સ્થાનોમાં ઉત્તરી ફિલિપાઈન્સના વિસ્તારોનો સમાવેશ થશે. આ એક એવું પગલું છે જે ચીનને છંછેડી શકે એવી શક્યતા છે કારણ કે આનાથી અમેરિકી દળો દક્ષિણ ચીન અને તાઈવાનની સારી એવી નજીકની જગ્યાએ તૈનાત થઈ શકશે. ફિલિપાઈન્સના પ્રમુખના જણાવ્યા અનુસાર તેઓ અમેરિકાને જે ચાર વધારાની સાઇટ્સ આપી રહ્યા છે તે ઉત્તરમાં, પલાવાનની આસપાસ અને દક્ષિણી વિસ્તારમાં સ્થિત છે. માર્કોસે જણાવ્યું હતું કે ચોક્કસ સ્થાનોની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ઉમેર્યું હતું કે આનાથી ફિલિપાઈન્સના સૌથી મોટા ટાપુ, લુઝોન (જે તાઇવાનની સૌથી નજીકનો મુખ્ય ફિલિપાઈન ટાપુ છે) તેની પૂર્વ બાજુની સંરક્ષણ પ્રણાલી વધુ મજબૂત બનશે. ફિલિપાઈન્સના ભૂતપૂર્વ લશ્કરી વડાએ જાહેરમાં જણાવ્યું હતું કે અમેરિકાએ ઇસાબેલા, ઝામ્બેલ્સ અને કાગયાન પ્રાંતોમાં લશ્કરી થાણાઓ સ્થાપવા માંગ કરી હતી. આ બધા લુઝોન ટાપુ પર ઉત્તર તરફ તાઈવાનની બાજુએ અને દક્ષિણપશ્ચિમમાં પાલવાન પ્રાંત જે દક્ષિણ ચીન સમુદ્રના વિવાદિત સ્પ્રેટલી ટાપુ નજીક છે ત્યાં આવેલા સ્થળો છે.

જોકે કેટલાક સ્થાનિક સરકારના નેતાઓ યુએસ દળોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવાના માર્કોસના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેઓને ચિંતા છે કે જો તાઇવાનને લઈને યુએસ અને ચીન વચ્ચે કોઈ સંઘર્ષ થાય તો સંઘર્ષમાં તેઓ નાહકના પિસાઈ જશે. માર્કોસે જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક સરકારી અધિકારીઓને તેમના વિસ્તારોમાં યુએસ સૈન્યની હાજરીનું મહત્વ સમજાવશે. માર્કોસ માને છે કે અધિકારીઓ તેમના વિસ્તારોમાં યુએસ લશ્કરી સાઇટ્સ સ્વીકારવા તૈયાર થઈ જશે.

અમેરિકાએ પાંચ વર્તમાન થાણા – પલાવાનમાં એન્ટોનિયો બૌટિસ્ટા એર બેઝ, પમ્પાંગામાં બાસા એર બેઝ, નુએવા એકિજામાં ફોર્ટ મેગ્સેસે, સેબુમાં બેનિટો ઇબુએન એર બેઝ અને મિંડાનાઓમાં લુમ્બિયા એર બેઝ -ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ૮૦ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. ફિલિપાઈન સૈનિકોને સંબોધતા માર્કોસે તેમને સતર્ક રહેવા કહ્યું હતું કારણ કે દેશની સુરક્ષા સામેનો બાહ્ય ખતરો વધુ જટિલ અને અણધાર્યો બની રહ્યો છે. આ અંગે કોઈ સ્પષ્ટીકરણ આપ્યા વિના માર્કોસે કહ્યું કે તેઓ દેશ સામે ઉભરતા ખતરાથી વાકેફ છે અને તેના સામના માટે આપણી વ્યૂહરચનામાં કેટલીક ગોઠવણોની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે યુએસ અને ફિલિપાઈન દળો આવતા મહિને તેમની સૌથી મોટી લડાયક કવાયત યોજવાના છે, જેને બાલીકાટન કહેવાય છે.

ચીને વારંવાર વોશિંગ્ટન પર ચીનને લશ્કરી રીતે રોકવાનો તેમજ બેઇજિંગ અને તેના એશિયન પડોશીઓ જેમ કે ફિલિપાઇન્સ વચ્ચે ફાચર નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. મનીલામાં ચીની દૂતાવાસે તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘લશ્કરી સહયોગ દ્વારા આર્થિક તકો અને નોકરીઓનું સર્જન કરવું એ ઝેર વડે તરસ છીપાવવા સમાન છે. આવો સહકાર પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકશે અને ફિલિપાઈન્સને ભૂરાજકીય સંઘર્ષના ઊંડાણમાં ખેંચી જશે અને આગળ જતાં તેના આર્થિક વિકાસને નુકસાન પહોંચાડશે’. આમ, એક તરફ ચીન અમેરિકા સામેની ધરીમાં રશિયાને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે તો બીજી તરફ અમેરિકા ચીની ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવી રહ્યું છે. આગામી સમયમાં તાઇવાન મુદ્દે અમેરિકાની દખલગીરી સામે ચીન કેવા પગલાં લે છે તે જાણવું રસપ્રદ રહેશે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top