ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાસભામાં આજે માર્ગ – મકાન વિભાગનું 20,642 કરોડનુ બજેટ (Budget) પસાર કરાયુ હતું. માર્ગ મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી જગદીશ પંચાલે કહયું હતું કે રાજયમાં દ્વારકા , પાવાગઢ, જાબુંઘોડા , ઘોરડો – ધોળાવીરા, અંબાજી -ઘરોઈ અને વડનગર , સાસણ – સોમનાથ તથા એકતાનગરની ટુરિસ્ટ સર્કિટ વિકસાવવા માટે 1800 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. રાજયમાં વાહનવ્યવહારને સલામત બનાવવા માટે 667 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરીડોર વિકસાવાશે. જેમાં સુરત- સચિન અને નવસારી કોરિડોરનો સમાવેશ થાય છે. તેના માટે બજેટમાં 112 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજયમાં પરિક્રમા પથ વિકસાવવા માટે 1600 કરોડની જોગવાઈ કરાઈ છે. વલસાડના ગોવડા – કલાઈથી શરૂ કરીને કચ્છના નારાયણ સરોવરને જોડતો કોસ્ટલ હાઈવે વિકસાવવા માટે 2440 કરોડની બજેટમા જોગવાઈ કરાઈ છે. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો વિકસાવવા માટે બજેટમાં 100 કરોડની જોગવાઈ કરાઈ છે.