નવી દિલ્હી : આઇસીસી (ICC) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જૂનમાં ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ઇંગ્લેન્ડના ઓવલમાં રમાશે. ટૂર્નામેન્ટની આ સાયકલ 2021માં શરૂ થઈ હતી. ટ્રેન્ટ બ્રિજ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની છેલ્લી મેચ સોમવારે સમાપ્ત થઈ હતી. હવે ટેબલ ટોપર ઓસ્ટ્રેલિયા અને બીજા નંબરની ટીમ ઈન્ડિયા વચ્ચે ફાઈનલ મેચ થશે. આ ફાઈનલ મેચ પહેલા વિઝડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે.
વિઝડને આ ટીમમાં ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ વિકેટકીપર ઋષભ પંત, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહનો સમાવેશ કર્યો છે. આ ચેમ્પિયનશિપ દરમિયાન પંતે 12 મેચમાં 43.4ની એવરેજથી બે સદી અને 5 અડધી સદીની મદદથી 868 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 12 મેચમાં 37.38ની એવરેજથી 673 રન બનાવ્યા છે. આ સાથે તેણે 43 વિકેટ પણ લીધી હતી. જસપ્રીત બુમરાહે 10 મેચમાં 45 વિકેટ લીધી છે. ટીમ ઈન્ડિયા માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ત્રણમાંથી બે શ્રેષ્ઠ ખેલાડીઓ ફાઈનલ મેચ રમવાના નથી.
ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા અને શ્રીલંકાના દિમુથ કરુણારત્નેને ટીમમાં ઓપનર તરીકે રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે શ્રીલંકાનો દિનેશ ચંદીમલ અને પાંચમા ક્રમે ઈંગ્લેન્ડનો જોની બેયરસ્ટો છે. આ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 1915 રન બનાવનાર જો રૂટને વિઝડન દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે પાકિસ્તાનના બાબર આઝમનું નામ પણ તેમાં સામેલ નથી. પેટ કમિન્સ, જસપ્રીત બુમરાહ અને નાથન લિયોન સાથે કાગિસો રબાડા બોલિંગ આક્રમણમાં છે. ટીમમાં ઓસ્ટ્રેલિયાના ચાર, ભારતના ત્રણ, શ્રીલંકાના બે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડના એક-એક ખેલાડી છે.
વિઝડનની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇલેવન
ઉસ્માન ખ્વાજા (ઓસ્ટ્રેલિયા), દિમુથ કરુણારત્ને (શ્રીલંકા), માર્નસ લાબુશેન (ઓસ્ટ્રેલિયા), દિનેશ ચંદીમલ (શ્રીલંકા), જોની બેયરસ્ટો (ઇંગ્લેન્ડ), ઋષભ પંત (વિકેટકીપર-ભારત), રવિન્દ્ર જાડેજા (ભારત), પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા), કગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા), નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા), જસપ્રિત બુમરાહ (ભારત).