ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીએ હવે 2024ની લોકસભાની ચૂંટણીની (Election) તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે નવી દિલ્હીમાં પીએમ મોદીના નિવાસસ્થાને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ , રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તથા ગુજરાતના ભાજપના રાજયસભાના તથા લોકસભાના સાસંદો સાથે મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય મેળવવા માટે રણનીતિ પર ચર્ચા થઈ હતી.
પીએમ મોદીએ , ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા, કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ, સી આર પાટીલ તથા ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની અલગથી બેઠક પણ યોજી હતી. 2014 તથા 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમા તમામ 26માંથી 26 બેઠકો મળી છે. દેશમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીની તૈયારી કરવા માટે ગુજરાત ભાજપના ટોચના નેતાઓને નવી દિલ્હીમાં યોજવામાં આવેલી એક બેઠકમાં સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને તમામ સંસદસભ્યો હાજર રહ્યાં હતા. ભાજપના સંગઠનના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રીતે વિધાનસભામાં 156 બેઠકોનો રેકોર્ડ કર્યો છે તેવી રીતે લોકસભાની ચૂંટણીમાં 2014 અને 2019 જેવો દેખાવ જાળવી રાખવા કહેવામાં આવ્યું છે.
ગુજરાતના સાંસદોના રિપોર્ટ કાર્ડ પર પણ પાર્ટી અભ્યાસ કરશે, તે પછી જ ટિકીટ અંગે વિચારણા થશે. કેન્દ્રીય નેતાઓએ વિધાનસભાની જેમ લોકસભામાં પણ વધારે મહેતન કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, રાજ્યના સંસદસભ્યોને ચૂંટણી પહેલાં બચેલા એક વર્ષ સુધી પોતાના મતવિસ્તારમાં સક્રિય રહેવાનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.એટલું જ નહીં , કેન્દ્ર તથા ગુજારત સરાકરની મહત્વની ફલેગશીપ યોજનાઓની માહિતી છેવાડા માનવી સુધી પહોચાડવા , તેમના લાભ મળે છે કે નહીં તેની ખરાઈ કરી તે લાભો મળતા થઈ જાય તેવા પગલા લેવા પણ જણાવાયુ છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ગદર્શન આપ્યું છે. આ બેઠકનો ઉદ્દેશ આવતા વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાનો હતો.