દિવસ બાદ પાવન ચૈત્ર માસ પ્રારંભ થશે. ચૈત્ર માસ એટલે સુદ એકમથી અમાસ સુધી માત્ર હિન્દુ ધર્મના જ નહિ, વિવિધ ધર્મોના અનેક ઉત્સવોની ઉજવણીનો મહિનો…. ચૈત્ર માસના પ્રારંભ સાથે હિન્દી ભાષી પ્રાંતોમાં વિક્રમ સંવતનો પ્રારંભ થશે. જો કે વિક્રમ સંવતનો પ્રારંભ ગુજરાતમાં કારતક સુદ એકમથી થાય છે. કેટલીક વિસંગતતાઓને નજરઅંદાજ કરી ચૈત્ર માસના તહેવારોની વાત આજે કરવી છે. નૂતન વર્ષના પ્રારંભ સાથે મરાઠી લોકો પણ ગુડીપડવાના તહેવાર થકી નૂતન વર્ષની ઉજવણી કરશે. તો પારસી લોકો પણ ‘નવરોજ’ના ઉત્સવ થકી નૂતન વર્ષનું સ્વાગત કરે છે.
આંધ્ર પ્રદેશમાં ચૈત્ર સુદ એકમે ઉગાદી નામનો તહેવાર ઉજવાય છે. અગાદિકાનો અપભ્રંશ શબ્દ છે ઉગાદી. અગાદિકાનો અર્થ છે યુગારંભ, મતલબ બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના આ દિવસે કરેલી. માત્ર મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ જ નહિ પણ ચૈત્ર સુદ એકમ એટલે પંજાબમાં બૈસાખી તરીકે ઉજવાતો મહોત્સવ તો સિંધમાં ચેટીચાંદ, કેરળમાં વિશુ, આસામમાં બિહુ અને જમ્મુ-કાશ્મીરમાં નવરેહ તરીકે ઉજવાતું પર્વ છે. હિન્દુ કેલેન્ડરમાં તિથિઓની વૃદ્ધિ અને ક્ષય જેવી પ્રક્રિયાને લીધે આ વખતે પારસીઓનો નવા વર્ષ પ્રારંભનો ‘જમશેદી નવરોજ’ ગઇકાલથી પ્રારંભ થઇ ચૂકયો છે.
ચૈત્રી પૂનમનો સમય ચિત્રા નક્ષત્રમાં હોવાથી આ માસનું નામ ચૈત્ર પડયું હોવાની માન્યતા છે. હિન્દી કેલેન્ડર મુજબ વિક્રમસંવત 2080નો પ્રારંભ ચૈત્ર સુદ એકમથી થશે એટલે એ મુજબ ગુજરાતી કેલેન્ડરનું વિક્રમસંવત સાત મહિના પછી પ્રારંભ થાય છે. હિન્દી કેલેન્ડર મુજબ નવા સંવત્સરનું નામ નલ હશે. જેનો અધિપતિ બુધ ગ્રહ અને મંત્રી શુક્ર હશે. આ નૂતન વર્ષના પ્રારંભે જયોતિષશાસ્ત્રીઓના કથનાનુસાર કેટલાક ગ્રહ સ્વરાશિમાં જ હશે જેની અસર બધી રાશિઓ પર દેખાશે. જો કે કેટલીક રાશિઓને ભાગ્યોદય કરનારી ફળદાયક પણ હશે. જયોતિષીઓના કહેવા મુજબ 30 વર્ષ પછી શનિ કુંભ રાશિમાં, રાહુ અને શુક્ર મેષ રાશિમાં, કેતુ તુલા રાશિમાં, મંગલ મિથુન રાશિમાં, સૂર્ય-બુધ અને ગુરુ મીન રાશિમાં હશે. ગુરુનું મીન રાશિમાં હોવું એ સંયોગ 12 વર્ષ પછી આવ્યો છે. ગ્રહો અને રાશિના આ સંયોગો ધન, તુલા, સિંહ અને મિથુન રાશિવાળા માટે ખૂબ લાભદાયક નિવડશે.
શિયાળાની ઋતુ પૂરી થવા સાથે ઉનાળો ચૈત્ર મહિનામાં બરાબર તપતો હોય છે ત્યારે વસંત ઋતુ તેની ચરમસીમાએ હોય છે. સર્વત્ર હરિયાળી અને આંબે પાકેલી કેરીઓ બજારમાં આવી ગઈ હોય છે પણ બદલાતી આ ઋતુમાં ખાવા-પીવામાં ખૂબ ધ્યાન રાખવાનું હોય છે તેવી વૈદ્યરાજો સલાહ આપતા હોય છે. ચૈત્ર માસમાં લીમડાનાં પાન ખાવાનું વિશેષ મહત્ત્વ છે. જે લોહી શુદ્ધ કરે છે અને અનેક પ્રકારની બીમારીઓથી રક્ષણ આપે છે. આજે ગૌદાન કરવાવાળા શ્રેષ્ઠીઓ નથી જોવા મળતા પણ આ મહિનામાં ગાયનું દાન કરવાનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે.
જલદાનનું પણ મહત્ત્વ વિશેષ રહેલું છે. તમે પરબ બંધાવી શકો છો કે ચાર રસ્તાઓ જેવી જગ્યાએ ઠંડા પાણીના માટલા મુકાવી શકો છો. મહિમા જાણતા ઘણા લોકો બ્રાહ્મણોને કે જરૂરિયાતવાળા લોકોને કાળા માટલાનું દાન કરે છે. પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીની સગવડ કરવી એ પણ જલદાનનો એક પ્રકાર છે. આખો મહિનો ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ જે સર્વ પ્રકારે લાભદાયક છે. ઉપરાંત સૂર્યદેવને રોજ અર્ધ્ય ચઢાવવું જોઈએ. ભૂદેવો અને પંડિતો આ ચૈત્ર માસમાં પિતૃકાર્ય કરવાનું પણ સૂચન કરે છે. પીપળાને, કેળને, લીમડો, વડ અને તુલસીને આ મહિનામાં જળ ચઢાવવાને ખૂબ શુભ મનાય છે.
શારદીય નવરાત્રિ જેટલું જ મહત્ત્વ ધરાવતી ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ એકમથી ચાલુ થાય છે. માઈભકતો અને દેવી ઉપાસકો આ નવરાત્રિમાં નવેય દિવસ માતાજીનાં પૂજન, અર્ચન સાથે ઉપવાસ રાખતા હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૈત્રી નવરાત્રિના માત્ર ફ્રૂટ ખાઈને ઉપવાસ કરે છે. ચૈત્ર માસમાં સૂર્ય મેષ રાશિમાં પ્રવેશે છે એટલે ચૈત્રને સૌરમાસ કહેવાય છે અને સૂર્યપૂજાનું પણ આ મહિનામાં વિશેષ મહત્ત્વ રહેલું છે.
ચૈત્રમાસમાં ઓખાહરણ કથાનું પઠન અને શ્રવણ કરવાની ગુજરાતમાં વિશેષ ધાર્મિક પરંપરા રહી છે. સનાતનીઓ માટે નવરાત્રિ, રામનવમી, હાટકેશ્વર જયંતી, હનુમાનજયંતી, ગૌરીપૂજા, સ્વામીનારાયણ જયંતી જેવા અનેક તહેવારો લાવતા પાવન ચૈત્ર માસને આજની ભાષામાં કહીએ તો ધર્મનિરપેક્ષ મહિનો પણ કહી શકાય કારણ કે શીખધર્મના બીજા ગુરુ અંગદદેવની જન્મજયંતી, મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ પ્રારંભ, પારસીઓનો નવરોજ, ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર ગુડ ફ્રાયડે અને ઇસ્ટર સન્ડે, મહાવીર જયંતી તથા સિંધી સમાજની ઝુલેલાલ જયંતી અને ચેટીચાંદ પણ ચૈત્ર માસ દરમ્યાન આવે છે.
ચૈત્ર માસ દરમ્યાન આવતા આ સર્વધર્મીય તહેવારોને વિગતે જોઈએ. ચૈત્ર માસ બે દિવસ પછી તા.22મીને બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે એટલે કે મહિનાના પ્રારંભે તા. 22મીએ ગુડી પડવો, નવરાત્રી પ્રારંભ, હિન્દુ નવ વર્ષ પ્રારંભ તથા ઝુલેલાલ જયંતી છે. તા. 23મીને ગુરુવારે સિંધી સમાજનો મોટો ઉત્સવ ચેટીચાંદ ઉજવાશે. તા. 24ને શુક્રવારે ગણગૌર, મત્સ્યજયંતી અને ગૌરી પૂજાનાં વ્રત-તહેવાર છે. તો રમઝાન માસનો પ્રારંભ પણ 24મીએ થાય છે તા. 29મીને બુધવારે દુર્ગાષ્ટમી છે. તા.30મીને ગુરુવારે રામનવમી તથા સ્વામીનારાયણ જયંતી છે. એપ્રિલની તા.1લીને શનિવારે કામદા એકાદશી છે. તો 2જી એપ્રિલે ભગવાન વિષ્ણુના અવતાર વામનજીની વામન દ્વાદશી છે.
4થી એપ્રિલને મંગળવારે મહાવીર જયંતી. 5મી એપ્રિલને બુધવારે નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાટકેશ્વર જયંતી છે. તા. 6ઠ્ઠી એપ્રિલને ગુરુવારે હનુમાન જયંતી છે. 7મી એપ્રિલ શુક્રવારે ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર ગુડ ફ્રાયડે અને 9મીને રવિવારે ઇસ્ટર સન્ડે છે. તા.14મીએ આંબેડકર જયંતી અને 20મી એપ્રિલે અમાસનું ખગ્રાસ સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું નહિ હોવાથી પાળવાનું રહેતું નથી પણ મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિવાળાએ આ દિવસે ખાસ ધ્યાન રાખવું. શારીરિક, માનસિક કે આર્થિક વ્યવહારો બહુ સાચવીને કરવા એવું જયોતિષીઓ જણાવે છે. આમ તો દરેક વ્રત-તહેવારોનું જે તે લોકો માટે આગવું મહત્ત્વ હોય છે. વધુ પ્રચલિત એવા ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ, રમઝાન, રામનવમી, મહાવીર જયંતી, હનુમાન જયંતી, ગુડ ફ્રાયડે અને નવરોજ ના તહેવારોને દિવસે જાહેર રજાઓ હોવાથી અને મહત્ત્વતા અધિક હોવાથી ધામધૂમથી ઉજવણી થાય છે.