સુરત: (Surat) બેંગલુરુથી સુરત એરપોર્ટના (Airport) રનવે પર ઉતરવા માટે એપ્રોચ બનાવી 1500 મીટરની ઉંચાઈથી એર એશિયાની ફ્લાઈટ વેસુ તરફનાં રનવેથી લેન્ડ થઈ રહી હતી એ જ સમયે કોલકાતાથી આ જ એરલાઈન્સની (Airlines) બીજી ફ્લાઈટ નીચે આવી લેન્ડિંગ માટે એપ્રોચ બનાવે એ પહેલાજ એર ટ્રાફિક કન્ટ્રોલ પાયલટને ઊંચાઈ વધારવા અને ચકરાવો લેવા મેસેજ આપતાં પાયલટે 5000 મીટરની ઊંચાઈએ ફ્લાઇટને (Flight) લઈ જઈ વેસુથી ઉતરાણ વિસ્તાર સુધીનો ચકરાવો લગાવી 15 મિનિટ પછી સેફ લેન્ડિંગ કર્યું હતું. એરપોર્ટ પર ક્યારેક ફ્લાઈટ બિફોર ટાઈમ આવી જતી હોય ત્યારે આ સ્થિતિ ઊભી થતી હોય છે. એવિએશન ક્ષેત્ર માટે આ સામાન્ય ઘટના ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં એટીસી સજાગ ન હોય ત્યારે જ સમસ્યા ઊભી થતી હોય છે.
- સુરત એરપોર્ટ નજીક એર એશિયાની બેંગલુરુ અને કોલકાત્તાની ફ્લાઈટ એકજ સમયે આવી પહોંચી
- બેંગલુરૂની ફ્લાઈટ 1500 મીટરની ઉંચાઈથી લેન્ડ થઈ રહી હોવાથી એટીસીએ કોલકાતાની ફ્લાઈટનાં પાયલટને ઊંચાઈ વધારી ચકરાવો લેવા જણાવ્યું
એરપોર્ટનાં સૂત્રોનાં જણાવ્યાં મુજબ વેસુ નજીક આજે એક ફ્લાઈટ ખૂબ નીચે આવી ગયા પછી આ ફ્લાઈટ ફરી ઊંચાઈ પકડી ચકરાવો લીધો હતો. સાંજે ચાર વાગ્યાનાં સમયગાળામાં બેંગલોર અને કોલકાત્તાથી ફ્લાઇટ સુરત એરપોર્ટ નજીક આવી પહોંચી હતી. બંને ફ્લાઈટ એક સાથે રનવે પર આવી જાય તો અકસ્માત થવાની શક્યતા બને પણ સજાગ એટીસી દ્વારા બેંગલુરુથી આવેલી ફ્લાઇટ 1500 મીટર સુધી આવી ગઈ હોવાથી લેન્ડિંગ ક્લિયરન્સ અપાયું હતું.અને એ યથાવત રાખી કોલકાતાથી આવેલી બીજી ફ્લાઇટનાં પાયલટને ઊંચાઈ વધારવા સાથે ચકરાવો લઈ લેન્ડ કરવા જણાવવામાં આવ્યું હતું. સુરત એટીસીનાં સ્ટાફે કોલકાત્તાની ફ્લાઇટનાં પાયલટને લેન્ડિંગ માટે રાહ જોવા જણાવ્યું હતું.એર એશિયાની બંને ફ્લાઈટ સેફ લેન્ડિંગ કર્યું હતું.