Comments

રોજગારીની સમસ્યા હિંસક બનતી જાય છે

બિહારના શ્રમિકો પર દક્ષિણ ભારતના એક રાજ્યમાં સ્થાનિક શ્રમિકો દ્વારા હુમલાના સમાચાર થોડા દિવસ પહેલાં માધ્યમોમાં આવ્યા હતા. પણ દેશનાં મુખ્ય સમાચાર માધ્યમોએ આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી નહીં! ખરેખર આ ઘટના સાવ નાની અને વ્યક્તિગત નથી! બીજા રાજ્યના શ્રમિકો નીચા વેતનદરે કામ કરવા તૈયાર થાય છે એટલે સ્થાનિક શ્રમિકોની કાં તો રોજગારી ઝૂંટવાય છે અથવા તેમણે પણ નીચે વેતનદરે કામ કરવું પડે છે. થોડાં વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં ખાસ તો મુંબઇમાં ‘બહારના’ લોકો દ્વારા કામ કરવાનો મુદ્દો ખાસો ચગ્યો હતો અને તેને રાજકીય હવા પણ મળી હતી.

દેશમાં બેરોજગારી વધતી જાય છે તેમાંય ઘર ચાલી શકે, બાળકો ભણી શકે અને ભવિષ્ય માટે થોડી બચત રહે તેવી આવક (વેતન) આપતી રોજગારી ન મળવી તો ચિંતાજનક બનતી જાય છે. આ દેશની 60 ટકા કરતાં વધારે વસ્તી યુવાનોની છે. મતલબ કે કાર્યશીલ છે. 15 થી 60 વર્ષના 70 કરોડથી વધારે લોકો કામ માંગી રહ્યા છે. 1991ના ખાનગીકરણ ઉદારીકરણ બાદ સરકારી નોકરીઓ સતત ઘટતી જાય છે. ખાનગી ક્ષેત્રમાં જ હવે નોકરી છે. જો કે ખાનગી ક્ષેત્ર વધતું જતું હતું ત્યારે રોજગાર પણ વધતો જતો હતો એટલે પહેલા વીસ વર્ષમાં ખબર ન પડી પણ હવે ખાનગી ક્ષેત્રમાં પણ રોજગારી સ્થિર થઇ ગઇ છે માટે કામ શોધનારાનું દબાણ વધ્યું છે.

ખાનગી ક્ષેત્રમાં રોજગારીના મુખ્ય ત્રણ ભાગ પાડી શકાય. નોકરી સ્વવ્યવસાય અને શ્રમ મતલબ કે કાં તો ખાનગી શાળા, બેંક દવાખાના ઓફિસોમાં નોકરી કરો અથવા પોતાનો ધંધો વ્યવસાય કરો અથવા મજૂરી કરો. ભારતમાં આર્થિક અસમાનતા માત્ર વ્યક્તિગત નથી. ક્ષેત્રીય પણ છે. બે કે ચાર રાજ્યો સમૃદ્ધ અને ઔદ્યોગિક -ધંધાકીય પ્રવાહોમાં અગ્રેસર છે. થોડાક વિકસી રહ્યા છે અને હજુ ઘણાં રાજ્યો સામાજિક, આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે ત્યાં માળખાકીય સુવિધાઓનો પણ પૂરતો વિકાસ થયો નથી! આવાં રાજ્યોમાંથી વસ્તીનું મોટા પાયે સ્થળાંતર બીજાં રાજ્યોમાં થાય છે. થઇ રહ્યું છે!

હવે સ્વાભાવિક છે કે પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ શોધવા જનાર નીચા વેતને પણ કામ કરવા મજબૂર થાય. વળી આપણે ભલે રાષ્ટ્રિય એકતા, રાષ્ટ્રવાદની મોટી-મોટી વાતો કરતા હોઇએ, પણ ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો બીજા રાજ્યના નીચા દરે કામ કરતા શ્રમિકોને જ પ્રથમ પસંદગી આપે છે. એટલે સ્થાનિક શ્રમિકોને કામ ગુમાવવાનો વારો આવે છે. હવે દુનિયાનો ઇતિહાસ તપાસો. માણસે ત્યારે જ હથિયાર ઉઠાવ્યાં છે, જયારે કોઇએ ધંધા રોજગાર પર તરાપ મારી હોય! કારણ રોજગારી છીનવાય એટલે અસ્તિત્વના પ્રશ્નો ઊભા થાય છે.

ગુજરાતની પ્રજા પર ‘વેપારી પ્રજા’નું લેબલ લાગેલું છે અને આપણે તેને સાચું પાડવા તનતોડ પ્રયત્ન પણ કરીએ છીએ. એટલે મજૂરી છીનવાઈ જવા સામે સરેરાશ ગુજરાતી જંગે નથી. ઉલટાનું ગુજરાતમાં શારીરિક શ્રમ કે સીધા પોતે જ જોતરાવું પડે તેવા વ્યવસાયમાં બિનગુજરાતી વધતાં જાય છે. ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ ફેકટરી કારખાનાનાં મકાન બાંધવા સાથે જ મજૂરોને પડયા રહેવાની ઓરડીઓ બાંધી આપે છે. આજે ગુજરાતના નાના-નાના છેવાડાના તાલુકાઓમાં પણ ફેકટરી અને કારખાનાં સ્થપાયાં છે ત્યાં ઝારખંડ બિહારનાં મજૂરો આવી વસ્યાં છે. જો નવી વસ્તી ગણતરીના આંકડા સામે આવે અને તેમાં સ્થળાંતરિત વસ્તીના આંકડા જુદા પડે તો ગુજરાતમાં 7 કરોડની વસ્તીમાં 2 કરોડ બિનગુજરાતી હોય તેમ પણ બને.

રોજગાર માટે સ્થળાંતરની આ પેટર્ન પણ કેવી વિચિત્ર છે કે ‘આર્થિક પછાત રાજ્યોમાંથી શ્રમિકો સમૃદ્ધ રાજ્યોમાં આવી મજૂરી કરે અને સમૃદ્ધ રાજ્યોના યુવાનો વિદેશ જઇને!’ આજે નહિ તો કાલે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ રોજગાર મુદ્દે અસંતોષ વધશે જ અને અત્યારે અંદર-અંદર લડતાં શ્રમિકો કયારેક ભેગાં થઇને પણ વિદ્રોહ કરી શકે છે. તો મૂળ મુદ્દો એ છે કે કામની શોધમાં ઉદ્ભવેલું દબાણ પરિવાર ચલાવવાની મજબૂરી શ્રમિકોને નીચે વેતને કામ કરવા પ્રેરે છે અને આ જ દબાણથી કામ ખૂંચવાઈ જાય તે શ્રમિકો ઉશ્કેરાઈને હુમલા કરે છે. મૂળ મુદો વ્યાપક બનતી બેરોજગારીનો છે.

એ વાત સત્ય જ છે કે કામ શોધનારા તમામને સરકાર નોકરી ન જ આપી શકે, પણ સરકારે બજારમાં ખાનગી ક્ષેત્ર દ્વારા અપાતાં વેતનો નિયમિત કરવાં જ જોઇએ. ઉદ્યોગકારો અને વ્યાવસાયિકો પરિસ્થિતિનો લાભ ઉઠાવી નીચા-સાવ નીચા વેતન ન જ ચૂકવી શકવા જોઈએ. બીજું, રાજયોમાં પ્રવર્તતી આંતર માળખાકીય સુવિધાઓની અસમાનતા દૂર થવી જોઈએ. બિહારના મજૂરને છેક તામિલનાડુમાં કામ શોધવા જવું પડે! આ કેવો વિકાસ? વિચારવું પડશે. રોજગારીનું ચિત્ર ગંભીર સમસ્યાઓ અને અરાજકતાભર્યા ભવિષ્યને બતાવે છે! માટે સૌએ આ બાબત વિચારવી પડશે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top