Gujarat

ખેડૂતો બાજરી પાકનું ઉત્પાદન કરે તે માટે પ્રોત્સાહનરૂપે ક્વિન્ટલ દીઠ રૂ.300ની બોનસ સહાય ચૂકવાશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે કૃષિ તથા તેને સલગ્ન વિભાગની વર્ષ ૨૦૨૩-૨૪ માટે ત્રણ ગણી રૂ.૨૧,૬૦૪ કરોડ બજેટની જોગવાઇ પસાર કરાઈ હતી. આ કૃષિ વિભાગની અંદાજપત્રીય જોગવાઈ પરની ચર્ચાનો જવાબ આપતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહયું હતું કે ખેડૂત (Farmer) સમૂદાયની માંગને ધ્યાને લઈ આગામી વર્ષ માટે ૭૫,૦૦૦થી વધુ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂ.૩૭૫ કરોડની અને ફાર્મ મશિનરી માટે ૬૮,૦૦૦ જેટલા ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂ.૨૪૦ કરોડની જોગવાઈ મળી કુલ રૂ.૬૧૫ કરોડની માતબર રકમની જોગવાઈ સૂચવવામાં આવી છે.

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રની ગત વર્ષની સરખામણીમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે ત્રણ ગણી રૂ.૨૧,૬૦૪ કરોડ બજેટ જોગવાઇ સૂચવવામાં આવી છે. ખેડૂતોના મહામૂલા પાકને રોઝ અને ભુંડ જેવા જંગલી પશુઓથી થતા નુકશાન સામે રક્ષણ આપવા હેતુ ગત વર્ષની જોગવાઈ રૂ. ૧૨૦ કરોડ સામે આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે સાડા ત્રણ ગણો વધારો કરી, એટલે કે રૂ.૪૦૦ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ સૂચવવામાં આવી છે. જેમાં કાંટાળા તારની વાડ બનાવવા રૂ.૩૫૦ કરોડની જોગવાઈ કરી, ક્લસ્ટરમાં વિસ્તારની મર્યાદામાં પણ પાંચ હેક્ટરના સ્થાને એક હેકટર ક્લસ્ટર વિસ્તાર કરવા માટે સંકલ્પ કર્યો છે. વિશેષમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી કરનારને સહાય હેતુ રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને તેને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે વિશેષ રસ દાખવી રાજ્યના ખેડૂત અને ખેતીને ઉન્નત બનાવવા તમામ પાસાઓ પર વિચારણા કરીને આયોજનબદ્ધ રીતે સરકાર આગળ વધી રહી છે. જેમાં આવનારા ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેને અનુરૂપ ખેતીને આધુનિક બનાવવા આગામી નાણાકીય વર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી નવી પહેલના ભાગરૂપે સ્માર્ટ ફાર્મીગની યોજના, ટ્રેનીંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન (TALIM), ઇન્ડેક્ષ્ટ-એની સ્થાપના, રાજયમાં મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા ખેડૂતોને મીલેટ્સની ખેતી માટે પ્રોત્સાહન આપવા અને પ્રચાર પ્રસાર માટે નવી બાબત રજૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતો બાજરી પાકનું ઉત્પાદન કરે તે માટે પ્રોત્સાહનરૂપે ક્વીન્ટલ દીઠ રૂ.૩૦૦ની બોનસ સહાય ચૂકવવાનું આયોજન કર્યુ છે.

Most Popular

To Top