સુરત: શહેરના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આ વિસ્તારમાંથી અવારનવાર મારામારીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. અહીં લેડી ડોન ભૂરી ગેંગનો પણ ભયંકર આતંક છે. ત્યારે લેડી ડોન ભૂરી ગેંગમાં અંદરોઅંદરની ખંજરબાજીમાં એકની હત્યા થઈ છે. આ ચકચારી ઘટનામાં હુમલો કરનારની પત્ની પણ ઘાયલ થઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં કમલ પાર્ક સોસાયટી પાસે લેડી ડોન ભૂરીની ગેંગના સાગરીત રાહુલ બોદાનો સોમવારે રાત્રે તેના જ સાથીદાર કલ્પેશ સાથે ઝઘડો થયો હતો. આ બબાલમાં કલ્પેશે ચપ્પુના ઘા ઝીંકી દેતા રાહુલ બોદાનું મોત નિપજ્યું હતું.
- ભૂરી ગેંગના રાહુલ બોદા અને કલ્પેશ વચ્ચે દમણમાં ઝઘડો થયો હતો
- સમાધાન માટેની બેઠકમાં રાહુલ બોદા અને તેના સાગરીતો ચપ્પુ લઈ પહોંચ્યા
- સમાધાન બેઠકમાં રાહુલ બોદા અને કલ્પેશ વચ્ચે ફરી બબાલ થઈ
- રાહુલ બોદાએ ચપ્પુ લઈ કલ્પેશ પર હુમલો કર્યો, પણ કલ્પેશે તેનું ચપ્પુ આંચકી તેના જ પેટમાં હુલાવી દીધું
- રાહુલ બોદાનું મોત, આરોપી કલ્પેશની પત્ની પણ ઘાયલ થઈ
ઘટનાની વધુ મળતી વિગત અનુસાર વરાછાની લેડી ડોન ભૂરીની ગેંગના સાગરીત રાહુલ ઉર્ફે બોદા બાંભણીયાની તેના સાથીદાર કલ્પેશ ડાંગોદરાએ હત્યા કરી છે. રાહુલની હત્યા બાદ કલ્પેશ ફરાર થઈ ગયો હતો. આ બબાલમાં આરોપી હત્યારા કલ્પેશની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ છે. તેમજ મૃતક રાહુલનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. બંને સારવાર હેઠળ છે.
વરાછા કમલપાર્ક સોસાયટીમાં રહેતો કલ્પેશ ડાંગોદરા અને રાહુલ બોદા 6 દિવસ પહેલા દમણ ગયા હતા. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને રાત્રે રાહુલ બોદા તેના મિત્રો સાથે કલ્પેશના ઘરે તેની હત્યાના ઈરાદે પહોંચ્યા હતા. તેઓ કલ્પેશ પર ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા હતા.
તે સમયે કલ્પેશે રાહુલ બોદાના હાથમાંથી ચપ્પુ આંચકી તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને તેનું ઢીમ ઢાળી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ અને ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
સમાધાન મિટીંગમાં બબાલ થઈ અને રાહુલે જીવ ગુમાવ્યો
એક અઠવાડિયા પહેલા રાહુલ અને કલ્પેશ વચ્ચે ઝઘડો થયો હતો જેના સમાધાન માટે કલ્પેશે ઘરે બોલાવ્યા હતા. જેથી રાહુલ અને મિત્ર જીત અને જલદિપ સાથે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં વાતચીત દરમિયાન કલ્પેશે આવેશમાં આવી જઈ રાહુલને ચપ્પુના ઘા માર્યા હતા. આ સાથે જ કલ્પેશને પણ માથામાં ચપ્પુનો ઘા માર્યો હતો.