સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેમજ જાહેર રસ્તા ઉપર વાહનોનું પાર્કિંગ ન થાય એ માટે પે એન્ડ પાર્ક શરૂ કરાયા છે. પરંતુ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો દ્વારા અહીં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી અને લારી-ગલ્લાનાં દબાણો અહીં થઈ રહ્યા છે. વરાછામાં કિરણ ચોકના પે એન્ડ પાર્કમાં વાહનોની જગ્યાએ લારી-ગલ્લા ચાલી રહ્યા છે. જેને કારણે લોકોને રોડ પર વાહનો પાર્ક કરવાનો વારો આવ્યો છે અને તેને પગલે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે.
મનપાએ પાર્કિંગની સુવિધા માટે પે એન્ડ પાર્ક શરૂ કર્યા છે અને ત્યાં પણ દબાણની સમસ્યા
મનપા દ્વારા જે જગ્યા પે એન્ડ પાર્ક માટે આપવામાં આવી છે તે જગ્યાનો હેતુફેર થઈ રહ્યો હોવાની ફરિયાદ ઊઠી છે. તેમ છતાં મનપા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વરાછામાં કિરણ ચોક પાસે આવેલા મનપાના પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટર દ્વારા લારી-ગલ્લાવાળાને જગ્યા આપી દીધી હોય તેવી ફરિયાદો ઊઠી છે.
આ વિસ્તારમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો બેફામ બની વાહનચાલકોને ઇલેક્ટ્રિક મશીનની રસીદ પણ આપવામાં આવતી નથી. પરંતુ મેન્યુઅલી હાથમાં જ રસીદ આપવામાં આવે છે. જેથી અહીં સ્થાનિકોની ફરિયાદ છે કે, અહીં વાહનો પાર્ક થતાં નથી અને લારીઓનું દબાણ રહે છે. જેના કારણે લોકોને વાહનો રોડ ઉપર પાર્ક કરવા પડી રહ્યા છે અને ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે.
જાહેરમાર્ગ પર દબાણ કરનાર, કચરો ફેંકનાર, થૂંકનારા સામે મનપાની તવાઈ, વધુ 700 કેમેરા ગોઠવાશે
સુરત: શહેરના ટ્રાફિક જંકશન પર થતા ગેરકાયદે દબાણ, જાહેરમાં કચરો ફેંકનાર, રોડ પર ગમે ત્યાં થૂકનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા સુરત મહાનગરપાલિકાએ કમર કસી છે, જે માટે શહેરમાં વધુ 700 સીસીટીવી કેમેરા મૂકીને શહેરની સુરત બગાડનારા તત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે. જવાબદાર સામે દંડની શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે હાલ મનપા દ્વારા શહેરમાં 2600 કેમેરા લગાવાયા છે, તેમાં વધારો કરી વધુ 700 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરાયું છે.
શહેરના ટ્રાફિક જંકશનો પર એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવાશે
સુરત શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો કરવા માટે સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ પ્રોજેકટ શરૂ કરાયો છે. જે અંતર્ગત સુરત શહેરના કુલ 118 ટ્રાફિક જંકશનો પર એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ATCS) લગાવવામાં આવશે. તેમજ હયાત 158 ટ્રાફિક જંકશન પર લાગેલા સિગ્નલોને પણ એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ(ATCS) માં અપગ્રેડ કરવામાં આવશે. આ સિસ્ટમ થકી શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે.
ટ્રાફિક સર્વેલન્સ સિસ્ટમની મદદથી કાર્યવાહી કરાશે
ટ્રાફિક જંકશન પર ટ્રાફિક સર્વેલન્સ સીસ્ટમ થકી ટ્રાફિક જંકશન પર થતા ગેરકાયદેસર દબાણ, કચરો ફેકનાર, સ્પીટીંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અન્ય સિવિક સર્વિસ જેવી કે, પોટ હોલ આઈડેન્ટીફીકેશન, રોડ માર્કિંગ વગેરેનું મોનીટરીંગ કરીને તેનું તાકીદે નિરાકરણ કરાશે.
ટ્રાફિક જંક્શન પર રેડલાઈટ વાયોલેશન ડિટેક્શન સિસ્ટમ, સ્પીડ વાયોલેશન ડિટેક્શન સિસ્ટમ પણ લગાવાશે
આ પ્રોજેકટ અંતર્ગત કુલ 12 જંકશન પર રેડલાઈટ વાયોલેશન ડીટેકશન સિસ્ટમ (RLVD), 15 સ્થળો પર સ્પીડ વાયોલેશન ડિટેક્શન, 17 સ્થળો પર ઓટોમેટીક નંબર પ્લેટ રેગ્નીશન સિસ્ટમ તથા 50 જંકશનો પર ટ્રાફિક સર્વેલન્સ સિસ્ટમ લગાવવામાં આવશે. જેના થકી શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી શકાશે. આ તમામ સિસ્ટમોનું મોનિટરીંગ ICCC તથા પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાંથી કરી શકાશે. ટ્રાફિક નિયમના ભંગ બદલ થયેલા દંડની આવકના 25 ટકા રકમ રાજય સરકાર તરફથી સુરત મહાનગરપાલિકાને ફાળવવામાં આવશે. જે પ્રોજેકટના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે મદદરૂપ થશે.