ગાંધીનગર: વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર ગોડાઉનો તથા વ્યાજબી ભાવની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ પણ હાથ ધરવામાં આવે છે અને ગેરરીતિના કિસ્સાઓમાં પરવાના રદ કરવા ઉપરાંત ગુના દાખલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે છે.
તા. ૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં એક દરોડો પડી રૂ. ૩.૫૩ લાખના ઘઉંનો ૧૬,૦૬૦ કિલોનો જથ્થો તથા રૂ. ૫.૨૩ લાખના ચોખાનો ૨૨,૭૮૦ કિલોનો જથ્થો રાજ્યસાત કરી એક વ્યક્તિની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેવી જ રીતે અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬ દરોડા પડી રૂ.૯૦ હજારના ઘઉંનો ૫,૧૨૩ કિલોનો જથ્થો તથા રૂ.૧.૦૭ લાખના ચોખાનો ૫,૧૭૫ કિલોનો જથ્થો રાજ્યસાત કરી ૯ વ્યક્તિઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવી છે.
આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે. આ SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ SIT રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરશે.