Dakshin Gujarat

સાપુતારા ઘાટમાં દ્રાક્ષનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ગયો અને પછી બની આવી ઘટના

સાપુતારા: (Saputara) મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દ્રાક્ષનો (Grapes) જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઇસર ટેમ્પો નં. જી.જે.33.ટી.8003 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્યધોરી માર્ગનાં બારીપાડા ચીખલી નજીકનાં ઉતરાણમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આઈસર ટેમ્પો (Tempo) પલ્ટી મારી ગયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પામાં ચાલક સાથે સવાર અન્ય બે ઈસમો કેબિનમાં દબાતા સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે માર્ગમાંથી પસાર થતા વાહનચાલકો અને બારીપાડાનાં ગ્રામજનો સહીત સાપુતારા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ દબાયેલા ઈસમોને બહાર કાઢ્યા હતા. હાલમાં આ બન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા સવારોને સુરત ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે સ્થળ પર રાત્રીનાં અરસામાં સ્થાનિકો દ્વારા દ્રાક્ષની લૂંટ પણ ચલાવી હતી. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લક્ષ્મીખેડા પુલની રેલિંગ તોડી રેતી ભરેલી ટ્રક 30 ફૂટ નીચે નદીમાં ખાબકી
વ્યારા: નિઝર લક્ષ્મીખેડા પુલ પાસે ગત રોજ ઓવરલોડ રેતી ભરેલી ટ્રકના ચાલકે અચાનક પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ ટ્રક પુલની રેલિંગ તોડી આશરે 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી, જેમાં ટ્રકચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. રેતી ભરીને ટ્રક નં.(DN-09-Q-9775) નિઝરથી સોનગઢ તરફ આવી રહી હતી. એ વેળાએ ઉચ્છલ-નિઝર ધોરી માર્ગ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. નદીમાં ઉકાઈ જળાશયનું પાણી ભરાયેલું હોવાથી ટ્રક પાણીમાં ડૂબી ગઈ હતી, પણ ટ્રોલીનો થોડોક ભાગ બહાર દેખાતો હતો. આ ઘટનામાં ટ્રકચાલકને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

ઉચ્છલના ભડભુંજા પાસે બાઇકની અડફેટે બે મહિલા ઘાયલ
વ્યારા: ઉચ્છલના આનંદપુર ગામે રહેતાં રંજનબેન બાળુભાઇ ગામીત મેસ્ટ્રો મો.સા. નં.(GJ-26-H-4530) ઉપર નવાપુરના આમલાડથી પોતાના ઘરે જતા હતા. એ દરમિયાન ભડભુંજાની સીમમાં ભડભુંજા આશ્રમ શાળાની નજીક સોનગઢથી નવાપુર તરફ ને.હા.નં.૫૩ ઉપર આવતા સોનગઢ તરફથી એક સિલ્વર કલરની બજાજ કંપનીની નંબર વગરની પલ્સર મો.સા.ના ચાલકે પોતાની મો.સા.ને પૂરઝડપે, ગફલતભરી રીતે ચલાવી તેઓની મો.સા.ને અકસ્માત કરતા બાઇકચાલક પ્રિતીબેન ચંદુભાઇ ગામીત (ઉં.વ.૨૭) સાથે રંજનબેન ગામીત રોડ ઉપર પડી ગયાં હતાં. જેમાં પ્રિતીબેન તથા રંજનબેનને ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત કરી ભાગી છૂટેલા બાઇકચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top