રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી રહી. એક પંદર – સોળ વરસનો છોકરો પાણી વેચવા આમથી તેમ દોડી રહ્યો હતો. તેના હાથમાં પકડેલી ડોલમાં અને પીઠ પર લટકાવેલા થેલામાં પાણીના પાઉચ હતાં. ટ્રેનમાંથી ફર્સ્ટ ક્લાસની બારીમાંથી એક શેઠજીએ છોકરાને બૂમ પાડી બોલાવ્યો.છોકરો દોડીને આવ્યો અને એક ઠંડા પાઉચને શેઠ તરફ આગળ કર્યું….પણ શેઠે પાઉચ હાથમાં લીધું નહિ અને પૂછ્યું, ‘કેટલાનું છે એક પાઉચ?’છોકરો બોલ્યો, ‘બે રૂપિયાનું …’શેઠે વળી પૂછ્યું, ‘એક રૂપિયામાં આપીશ તો દસ લેવા છે.’
શેઠનું આ વાક્ય સાંભળીને છોકરો ત્યાં ઊભો ન રહ્યો અને તેના મોઢા પર એક હલકું સ્મિત આવ્યું અને તે આગળ બીજું કોઈ બોલાવતું હતું તે તરફ દોડી ગયો.છોકરાની સાથે સાથે તેનો બીજો મિત્ર ચા વેચી રહ્યો હતો તેણે આ જોયું અને ટ્રેન ઉપડી ગઈ. પછી બંને મિત્રો શાંતિથી બેઠા.ચા વેચવાવાળા દોસ્તે પાણી વેચતા દોસ્તને પૂછ્યું, ‘દોસ્ત, પેલા શેઠ દસ પાઉચ માંગતા હતા જરાક રકઝક કરત પણ બે નહિ પણ દોઢ રૂપિયામાં તો લઈ જ લેત…પણ તું તો ઊભો જ ન રહ્યો અને વળી જરાક હસીને આગળ કેમ દોડી ગયો?’ પાણી વેચવાવાળો દોસ્ત બોલ્યો, ‘મને આટલાં વર્ષોનો પાણી વેચવાનો અનુભવ છે. પેલા શેઠને પાણીની તરસ લાગી જ ન હતી.
તે તો માત્ર પાણીના પાઉચનો ભાવ પૂછી રહ્યા હતા કારણ કે જેને સાચે તરસ લાગી હોય અને પાણી જ પીવું હોય તો તે પહેલાં ભાવ ન પૂછે. પહેલાં પાઉચ લઈને પાણી પી લે, પછી પૂછે કેટલા પૈસા થયા છે? મેં પાઉચ તેમની તરફ આગળ કર્યું હતું, પણ તેમણે લીધું નહિ અને માત્ર ભાવ પૂછ્યો એનો અર્થ એ હતો કે તેમને તરસ જ લાગી ન હતી.’એક યુવાન છોકરાનો આ અનુભવ …જીવનમાં અને દરેક સંજોગોમાં આપણને બધાને લાગુ પડે છે.જેમને પણ જીવનમાં કંઇક કરવું છે ,કંઇક મેળવવું છે તેઓ વાદવિવાદ અને ચર્ચામાં નથી પડતા. સીધી અને સતત મહેનત કરે છે…તેવી જ રીતે જેમને ઈશ્વરને મેળવવા છે કે તેમની સમીપ જવું છે તે પણ કોઈ વાદ વિવાદ કે ચર્ચા વિચારણામાં પડતાં નથી માત્ર સાચી શ્રધ્ધાથી પ્રભુભક્તિ કરે છે.જેમની કંઈ પણ મેળવવાની પ્યાસ સાચી નથી હોતી તેઓ વાદવિવાદમાં સમય વેડફે છે અને જીવનમાં કંઈ જ કરતા નથી…કંઈ મેળવી શકતા નથી.
— આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.