આણંદ : કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પીટલમાં ખંભાતના 12 વર્ષના બાળકના ફેંફસામાંથી જવલ્લે જ જોવા મળતી હાઈડેટીડ સિસ્ટની ગાંઠ દૂર કરી સફળપુર્વક સર્જરી કરવામાં આવી હતી. આ અંગે ડો. વિશાલએ જણાવ્યુ હતું. કે, આ સર્જરીની ખાસિયત એ હતી કે ગાંઠ તૂટી ન જાય તે રીતે સારવાર કરવાની હોય છે. ગાંઠ તૂટી જવાથી તેનો દુષિત ભાગ ફેફસાંમાં ફેલાઈ જાય તો તેને દૂર કરવા માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ સર્જરીની પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી. આ સર્જરી દરમિયાન પલ્મનોલૉજીસ્ટ ડૉ. ધવલ પ્રજાપતિએ ડાબા ફેફસાંના શ્વાસ જળવાઇ રહે તે માટે સતત કાળજી રાખી હતી.
કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્યમાન ભારત અંતર્ગત 12 વર્ષના બાળકના ફેફસાંની વિનામુલ્યે સર્જરી કરીને જવલ્લે જ જોવા મળતી હાઈડેટીડ સિસ્ટની ગાંઠ દૂર કરાઈ હતી.
ખંભાતના રહેવાસી 12 વર્ષના નક્ષ રાજેશભાઈ પટેલને પેટમાં દુઃખાવો તથા સતત કફ રહેતો હોવાથી તેઓ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા બાળકનો સોનોગ્રાફી અને સિટિ સ્કેન રિપોર્ટ કરવામાં આવતા, જમણા ફેફસાંમાં હાઈડેટીડ સિસ્ટ (જવલ્લે જ જોવા મળતી ગાંઠ) હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ એક પેરાસાઈટિક (પરોપકારી) પ્રાણીઓથી ફેલાતો રોગ છે. રસ્તા પરના ઘેટાં, કૂતરા વગેરે અથવા પાલતું પ્રાણીઓ સાથે વધુ સંપર્કમાં રહેવાથી આ પ્રકારની બિમારી થાય છે.
આ રોગની સારવાર માટે હોસ્પિટલની ડોક્ટરની ટીમ દ્વારા અનેક સંદર્ભો ચકાસવામાં આવ્યાં હતાં. બાદમાં ગાંઠને દૂર કરવા માટે ફેફસાંની સર્જરી કરવાની જરૂરિયાત હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કાર્ડિયોથોરાસિક સર્જન ડો. વિશાલ ભીંડેએ હૉસ્પિટલના જનરલ સર્જન ડૉ. જીગ્નેશ રાઠોડની ઉપસ્થિતિમાં ફેફસાંની સર્જરી કરીને ગાંઠને દૂર કરી હતી.આ અંગે બાળકના માતા-પિતાએ જણાવ્યું હતું કે, અમારા દીકરાની આટલી મોટી સર્જરી કરવી પડશે તેવી બીમારીની અમને જાણ નહોતી. પરંતુ જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે ડોક્ટરે કાઉન્સિલિંગ કરીને જણાવ્યું હતું કે, સર્જરી કરીને ગાંઠને દૂર કરવી પડશે. અમારા દિકરાની આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત વિનામુલ્યે સારવાર કરવામાં આવી તે માટે અમે સરકાર અને હોસ્પિટલનો આભાર માનીએ છીએ.