Charchapatra

નકારાત્મક મૂળભૂત હક્કો

સ્વરાજ મેળવવામાં સફળ રહ્યા. સુરાજ્ય બનાવવામાં નિષ્ફળ નીવડ્યા. આઝાદી પચતી નથી અને ગુલામી કઠતી નથી. કડવી વાસ્તવિકતા એ છે કે દેશની મોટા ભાગની રોકડી રૈયત કેટલાક નકારાત્મક મૂળભૂત હક્કો આજે પણ ભોગવે છે.  ભૂખે મરવાનો, પીવાલાયક પાણીથી વંચિત રહેવાનો, નિરક્ષર રહેવાનો, ડાકુઓ-ગુંડાઓ-પોલીસોનો ત્રિવિધ ત્રાસ વેઠવાનો, લાંચ આપી કામ કઢાવવાનો, કામચોરી કરવાનો, કોમી હુલ્લડોમાં હોમાઈ જવાનો, દહેજ મૃત્યુને ભેટવાનો, નશીલાં દ્રવ્યોનું સેવન કરવાનો, પોતાના મતનો સોદો કરવાનો, અંધશ્રદ્ધામાં સબડતા રહેવાનો, ઝૂંપડપટ્ટીમાં રહેવાનો, ફૂટપાથ પર સૂવાનો, સરકારના એકહથ્થુ, તાનાશાહી અયોગ્ય મુર્ખામીભર્યા પગલાંથી કમોતે મરવાનો, ધર્મગુરુઓના હાથે છેતરાવાનો, વારંવાર રસ્તા પર નીકળતા ધાર્મિક જુલુસ, સરઘસોનો ઘોંઘાટ સહન કરવાનો, આજનું ભારત આંદોલન બની ગયું છે.

કોરોનાની જેમ આંદોલનની કડી તૂટતી નથી. લોકશાહી હાંફી રહી છે. બિનસાંપ્રદાયિકતા દમિયલ બની ગઈ છે. છતાં લોકશાહી જીવે છે. રાજકારણના આટાપાટા અને વિકાસની વાહવાહીના શોરબકોરમાં ઈન્સાનની કંગાલિયત, બેહાલપણું નજરઅંદાજ થઈ ગયું છે. આજની લોકશાહી વ્યવસ્થામાં કેન્દ્રમાં માણસ નહીં, પરંતુ માત્ર સત્તા જ રહી છે. સ્વપ્રસિધ્ધિ અને વિશ્વમાં નકલી મહાન બનવાના ઉન્માદમાં દેશની હાલાકી બદથી બદતર બનતી જાય છે તે અતિ દુ:ખદ છે. દેશ સમૂળી ક્રાંતિના કોઈ જન્મદાતાની રાહ જુએ છે.
વ્યારા    – બાબુ દરજી        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

વિચારવા જેવું તો ખરું જ!
મૃતદેહ પર ફૂલની ચાદર, ફૂલના કે સુખડના હાર, શાલ, સાડી કે લુગડાં ઓઢાડવાની જે સામાજિક પ્રથા છે તે બંધ કરવા જેવી છે. “ નિકટનાં જ્ઞાતિજનના મૃત્યુ પ્રસંગે, સ્વર્ગસ્થના આંગણામાં એક જ્ઞાતિ બંધુએ પોતાનો વિચાર રજૂ કર્યો. આજુબાજુમાં ઊભેલાં સૌ અવાચક  થઈ ગયાં,પણ વિચારવા જેવું તો ખરું જ! સાવ વાહિયાત કે નક્કામો વિચારતો નથી જ! શ્વસુર પક્ષનું કે પિયર પક્ષનું એક વસ્ત્ર અર્પણ કરવાથી પણ રિવાજ સચવાઈ જતો હોય ,તો આ વિચાર સ્વીકારવા જેવો નથી લાગતો? અહીં સ્વર્ગસ્થને શાલ, સાડી કે ફૂલની ચાદરનું કશું મહત્ત્વ નથી.જે અગત્ય છે તે,તેમનાં  (સ્વર્ગસ્થ)પ્રત્યેની લાગણીની.એમના માંદગીના પ્રસંગે કે જરૂરિયાતના સમયે બહાનાં બતાવીએ અને મૃતદેહને શાલ,સાડી કે ફૂલની ચાદર ચઢાવીએ એ શું ખપનું? સ્વર્ગસ્થ પ્રત્યે નાશવંત ચીજ દ્વારા લાગણીનો દેખાડો નથી આ? વર્ષોની પરંપરાઓને જાળવીને,પ્રથા સમુળગી બંધ નથી થતી તે સમજીને, પણ સુધારાને અવકાશ  તો ખરો જ ને! 
સુરત     – અરુણ પંડયા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top