Vadodara

શહેરમાં શરદી, ખાસીનો ઉપદ્રવ પાલિકાના ચોપડે બે મહિનામાં 5121 કેસ નોંધાયા

વડોદરા: વડોદરામા તાવ, શરદી, ઉધરસ અને કફનો વાયરો ફેલાયો છે, ત્યારે ખાસ કરી ને નાના બાળકો, યુવાનો અને વડીલો આ રોગો ની ઝપેટ મા આવ્યા છે. અત્યારે જે ચેપી ખાંસી છે દવાથી પણ મટતી નથી. જેથી ખાંસી ના દર્દી મા પણ વધારો જોવા મળ્યો છે. વડોદરામાં પણ સામાન્ય શરદી, તાવ અને ફ્લૂ સંબંધિત બીમારીનો વાયરો વકર્યો છે. તારીખ 1 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી વડોદરામાં 5,121 કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે ખાનગી દવાખાના અને હોસ્પિટલોનો આંકડો તો આનાથી પણ વધારે હશે. ડોક્ટરોના કહેવા મુજબ દર વખતે ફેબ્રુઆરી અને માર્ચ એટલે કે હોળીના દિવસોની આસપાસ તાવ, ઉધરસ, શરદી, ખાંસી, ગળું બેસી જવું જેવી ફરિયાદો સાથેના કેસો સામાન્ય રીતે જોવા મળતા જ હોય છે.

હોળીનો તહેવાર પૂર્ણ થતા ગરમીની સિઝન ચાલુ થશે એટલે આનું પ્રમાણ પણ દર વર્ષની માફક ઘટી જશે. સામાન્ય રીતે ડબલ સીઝન થાય એટલે દિવસે ગરમી અને રાત્રે ઠંડી અને ભેજને આ કારણે તેમજ વનસ્પતિના પોલન્સથી પણ શરદી, ખાંસી, ઉધરસ વકરે છે. માત્ર ભારતમાં જ નહીં પશ્ચિમના દેશોમાં પણ ઇન્ફ્લુએન્ઝાના કેસો વધ્યા છે. ઠંડીમાંથી ગરમી શરૂ થાય અને ઋતુ બદલાય એટલે આવી બીમારી વાયરસના કારણે જોવા મળતી જ હોય છે, પરંતુ તે ચેપી હોવાથી સાવધાની રાખવી વધુ જરૂરી છે. માસ્ક પહેરવું ખૂબ જ આવશ્યક છે. શરદી ,ખાંસીના દર્દીઓના ડ્રોપલેટ થી પણ આ ચેપ વકરે છે. કોરોના કાળમાં લોકો ઇન્ફેક્શન ન લાગે તે માટે સાવધ રહેતા હતા.  તેવી જ સાવધાની આ વાયરસ સામે રાખવી જરૂરી છે. શરદી, ખાંસીના દર્દીઓના સંપર્કમાં ન આવવું, આવા દર્દીઓએ ઘરે આરામ કરવો.  લોકોએ માસ્ક પહેરવો અને હાથ સેનીટાઇઝ કરવાએ જરૂરી છે. વડોદરામાં છેલ્લા બે મહિનામાં જે કેસો નોંધાયા છે તેમાં તારીખ 16 થી 26 ફેબ્રુઆરી સુધી સૌથી વધુ 870 કેસ જોવા મળ્યા છે.

Most Popular

To Top